સાર્વત્રિક પ્રોફિટ બુકિંગને પગલે બજારમાં આખલાની પકડ ઢીલી પડી

16 January, 2021 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાર્વત્રિક પ્રોફિટ બુકિંગને પગલે બજારમાં આખલાની પકડ ઢીલી પડી

પ્રતીકાત્મક તસવીર

વર્તમાન સપ્તાહના પ્રારંભથી બજારમાં વેલ્યુએશન ઊંચી રહેવા છતાં નીચલા મથાળે આવેલી ખરીદીને પગલે બજાર ટકી રહ્યું હતું અને નવી સર્વોચ્ચ સપાટીઓ સર કરી રહ્યું હતું, પરંતુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ગઈ કાલે ખરીદીનો અભાવ અને સર્વત્ર પ્રોફિટ બુકિંગની વેચવાલીને પગલે ઇન્ડેક્સ નીચા ગયા હતા. બીજી બાજુ વિદેશી પરિબળોએ પણ વેચવાલીમાં ભાગ ભજવ્યો હતો. ચીન અને યુરોપમાં કોરોનાના કેસને અનુલક્ષીને લાદવામાં આવેલાં નિયંત્રણોને કારણે રોકાણકારોની ચિંતા વધી હતી. એશિયન અને યુરોપિયન બજારોમાં આવેલી નબળાઈની અસર ભારતીય બજાર પર પડી હતી. શૅરબજારના ઇન્ડેક્સ અર્થતંત્રનું પ્રતિબિંબ પાડતા હોવાનું કહેવાય છે, પરંતુ હજી અર્થતંત્ર સુધારાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે છતાં બજારમાં નવી નવી સપાટીઓ રચાતી જતી હોવાથી પ્રોફિટ બુકિંગની સંભાવના સમગ્ર સપ્તાહ દરમ્યાન વધી હતી જે શુક્રવારે સાચી ઠરી હતી.

રોકાણકારોની ૨.૨૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું ધોવાણ

નોંધનીય છે કે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ અને તમામ લિસ્ટેડ કંપનીઓનાં માર્કેટ કૅપિટલાઇઝેશનનો ગુણોત્તર ૧૦૦ ટકા કરતાં વધી જવાને લીધે પણ રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં પહેલી વાર આ ગુણોત્તર ૧૦૦ને પાર કરી ગયો છે. દેશનું અંદાજિત જીડીપી (કુલ રાષ્ટ્રીય પેદાશ) ૧૯૦ ટ્રિલ્યન રૂપિયા છે એવા સમયે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૯૭.૭ ટ્રિલ્યન પર પહોંચ્યું છે. આ સ્થિતિ બજાર ઓવરબોટ હોવાનું દર્શાવે છે. કુલ માર્કેટ કૅપ ગુરુવારના ૧૯૭.૬૩ લાખ કરોડ રૂપિયાથી ઘટીને શુક્રવારે દિવસના અંતે ૧૯૫.૪૩ લાખ કરોડ રહ્યું હતું.

વિદેશી પરિબળોની વાત કરીએ તો ચીનમાં આ સપ્તાહે ૨૮ મિલ્યન કરતાં વધુ નાગરિકોને લૉકડાઉન હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યાં શુક્રવારે ગત ૧૦ મહિનાના સમયગાળાના સૌથી વધુ નવા કોવિડ-19 કેસ આવ્યા છે. તેની અસર હેઠળ ચીની બ્લૂચિપ કંપનીઓના ભાવમાં એક ટકાનો કડાકો બોલાયો હતો. હૉન્ગકૉન્ગનો હૅન્ગસૅન્ગ ૦.૨૦ ટકા પડ્યો હતો. જપાનનો નિક્કી પણ ૦.૬૫ ટકા ઘટ્યો હતો. અમેરિકામાં રોજગારીના આંકડા પણ નબળા રહ્યા છે અને તેને પગલે અમેરિકામાં બજારમાં ગુરુવારે નરમાશ જોવા મળી હતી.

નિફ્ટી આઇટીમાં ૨.૨૪

ટકાનો ઘટાડો

નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ નીચા ગયા હતા, જેમાં નિફ્ટી આઇટીમાં સૌથી વધુ એટલે કે ૨.૨૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. આઇટી કંપનીઓનાં પરિણામો બાદ પ્રોફિટ બુકિંગનું આ પરિણામ હતું. આ ઉપરાંત નિફ્ટી પીએસયુ બૅન્ક ૨.૦૬ ટકા, નિફ્ટી રિયાલ્ટી ૧.૮૨ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૬૫ ટકા, નિફ્ટી મીડિયા ૧.૨૭ ટકા, નિફ્ટી મેટલ ૧.૧૦ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૦.૭૯ અને નિફ્ટી એફએમસીજી ૦.૭૩ ટકા ઘટ્યા હતા. નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧.૧ ટકો (૧૬૧.૯૦ પૉઇન્ટ) ઘટીને ૧૪૪૩૪ બંધ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડ કૅપ ૫૦ ઇન્ડેક્સ ૦.૯૮ ટકા, નિફ્ટી મિડ કૅપ ૧.૦૬ ટકા, નિફ્ટી સ્મૉલ કૅપ ૫૦ ઇન્ડેક્સ ૧.૧૧ ટકા, નિફ્ટી સ્મૉલ કૅપ ૧૦૦ ઇન્ડેક્સ ૧.૦૭ ટકા ઘટ્યા હતા. એનએસઈનો ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ (વિક્સ) ૪.૨૬ ટકા ઘટીને ૨૪.૦૧ બંધ રહ્યો હતો.

એનએસઈ પર ટેક મહિન્દ્ર, કોફોર્જ, એચસીએલ ટેક અને વિપ્રો ૩-૩ ટકા કરતાં વધુ, જ્યારે નૌકરી, માઇન્ડટ્રી અને ઇન્ફોસિસ ૨-૨ ટકા કરતાં વધુ ઘટ્યા હતા. નવેમ્બર બાદ નિફ્ટી-૫૦માં ગુરુવાર સુધી ૨૫.૩ ટકા વૃદ્ધિ આવી છે. આ જ અરસામાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૨૯ ટકા વધ્યો છે.

સેન્સેક્સમાં ૬૨૨ પૉઇન્ટની

ઇન્ટ્રાડે ચડ-ઉતર

એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ સવારે મામૂલી વૃદ્ધિ સાથે ખૂલ્યો હતો, પરંતુ દિવસના પાછલા ભાગમાં એક તબક્કે ઘટીને ૪૮૭૯૫.૭૯ સુધી નીચો ગયો હતો. આખરે તેમાં ૧.૧૧ ટકા (૫૪૯.૪૯ પૉઇન્ટ)ના ઘટાડા સાથે બંધ આંક ૪૯૦૩૪.૬૭ રહ્યો હતો. ઇન્ટ્રાડે ધોરણે ઘટાડો ૬૨૨ પૉઇન્ટ રહ્યો હતો. સેન્સેક્સના માત્ર ૪ શૅર વધ્યા હતા, જેમાં ભારતી ઍરટેલ (૩.૮૪ ટકા), આઇટીસી (૧.૭૭ ટકા), બજાજ ઑટો (૦.૧૮ ટકા) અને બજાજ ફાઇનૅન્સ (૦.૧૧ ટકા) સામેલ હતા. સેન્સેક્સના ટોચના ઘટનારા શૅર ટેક મહિન્દ્ર (૪.૩૫ ટકા), એચસીએલ ટેક (૩.૭૩ ટકા), ઓએનજીસી (૩.૪૮ ટકા), એશિયન પેઇન્ટ (૨.૭૬ ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ (૨.૩૯ ટકા), એચડીએફસી (૧.૯૫ ટકા), હિન્દુસ્તાન યુનિલિવર (૧.૯૪ ટકા), ઇન્ફોસિસ (૧.૮૬ ટકા) હતા.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર બેરિશ કૅન્ડલ રચાઈ છે. હાલના તબક્કે નિફ્ટીમાં ઉપરમાં ૧૪૭૫૦-૧૪૮૦૦ના સ્તરે રેઝિસ્ટન્સ છે અને નીચામાં પહેલાં ૧૪૪૩૦ તથા પછી ૧૪૨૨૦ની સપાટીએ સપોર્ટ છે. વિશ્લેષકોએ જણાવ્યા મુજબ જો ઇન્ડેક્સ ૧૪૩૫૭ની સપાટી તોડશે તો વધુ વેચવાલી આવી શકે છે. જો મંદીવાળાઓનું જોર રહેશે તો બજાર ૧૦-૧૫ ટકા પણ તૂટી શકે છે.

બજાર કેવું રહેશે?

વિશ્લેષકોના મતે ઘણા લાંબા સમયથી બજાર ઊંચું રહ્યું હોવાથી કરેક્શનની આવશ્યકતા હતી. આ કરેક્શન તંદુરસ્ત કહેવાય. હજી ૩૦૦-૪૦૦ પૉઇન્ટનું કરેક્શન પણ આવી શક્યું હોત. બજારમાં સાર્વત્રિક ઘટાડો આવ્યો હોવાથી ઘટાડે ખરીદી કરાવાની શક્યતા ઊભી થઈ છે. વોલેટિલિટી ઇન્ડેક્સ વધી ગયો હોવાથી મોટું કરેક્શન પણ આવી શકે છે. બજેટનો દિવસ જેમ જેમ નજીક આવતો જશે તેમ તેમ બજાર વધુ ને વધુ વોલેટાઇલ રહી શકે છે. હાલતુરત કોઈ મોટો વધારો સંભવિત નથી, પણ ઘટાડો આવે એવું વાતાવરણ છે.

business news