બજાર ચાર સત્રમાં ૧૨૫૦ પૉઇન્ટ ઘટ્યું

20 February, 2021 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બજાર ચાર સત્રમાં ૧૨૫૦ પૉઇન્ટ ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય બજેટને લીધે જુસ્સો વધ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસ તથા પુનઃ લૉકડાઉન લાગુ થવાની શક્યતા અને વૈશ્વિક પરિબળોની નરમાશને લીધે ભારતીય શૅરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઘટ્યું હતું. એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સમાં દિવસ દરમ્યાન થયેલી વેચવાલીને પગલે ઇન્ડેક્સ એક તબક્કે ૮૦૦ પૉઇન્ટ ઘટ્યા બાદ છેલ્લે ૪૩૪.૯૩ પૉઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સપ્તાહના ટ્રેડિંગના છેલ્લા દિવસનો સેન્સેક્સનો બંધ આંક ૦.૮૫ ટકાના ઘટાડા બાદ ૫૦,૮૮૯.૭૬ રહ્યો હતો. મંગળવારથી શરૂ થયેલી વેચવાલીને પગલે સેન્સેક્સમાં ચાર સત્રોમાં ૧૨૫૦ પૉઇન્ટ કરતાં વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે નિફ્ટી૫૦ ઇન્ડેક્સમાં ૧૫,૦૦૦ની મહત્ત્વપૂર્ણ સપાટી તૂટી હતી અને આંક ૧૩૭.૨૦ પૉઇન્ટ (૦.૯૧ ટકા) ઘટીને ૧૪,૯૮૧.૭૫ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પાછલા બંધથી નીચે ૫૧,૨૩૮.૦૨ પૉઇન્ટ ખૂલ્યા બાદ એક તબક્કે ૫૧,૪૩૨.૯૯ની ઉપલી અને ૫૦,૬૨૪.૩૩ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. આમ ઇન્ટ્રાડે ધોરણે ઉપલી સપાટીએથી ૮૦૮.૬૬ પૉઇન્ટનો ઘટાડો થયો હતો. પછીથી ઇન્ડસઇન્ડ બૅન્ક (૧.૯૭ ટકા), હિન્દુસ્તાન યુનિલિવર (૧.૫૬ ટકા), ડૉ. રેડ્ડી (૧.૪૬ ટકા), એનટીપીસી (૦.૮૭ ટકા), રિલાયન્સ (૦.૭૩ ટકા) અને બજાજ ફિનસર્વ (૦.૫૧ ટકા) જેવા સ્ટૉક્સ સુધરવાને કારણે આંકમાં સુધારો થયો હતો અને ૪૩૪.૯૩ પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સના મુખ્ય ઘટેલા સ્ટૉક્સ ઓએનજીસી (૫.૦૬ ટકા), સ્ટેટ બૅન્ક (૩.૭૭ ટકા), એક્સિસ બૅન્ક (૩.૫૯ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૩.૨૦ ટકા), બજાજ ઑટો (૨.૭૨ ટકા), મારુતિ (૨.૨૩ ટકા), એશિયન પેઇન્ટ (૨.૦૮ ટકા), મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૨.૦૨ ટકા) સામેલ હતા. ટાઇટન, એચડીએફસી બૅન્ક, લાર્સન ઍન્ડ ટુબ્રો, બજાજ ફાઇનૅન્સ, સન ફાર્મા, આઇટીસી, ભારતી ઍરટેલ અને ટેક મહિન્દ્રમાં અડધાથી દોઢ ટકાનો ઘટાડો થયો હતો.

એનએસઈ પર નિફ્ટી પીએસયુ બૅન્ક (૪.૭૬ ટકા), નિફ્ટી ઑટો (૨.૬૫ ટકા), નિફ્ટી મેટલ (૧.૯૬ ટકા) અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ (૧.૪૯ ટકા) મુખ્ય ઘટેલા ઇન્ડેક્સ હતા. એક્સચેન્જ પર એકપણ સેક્ટોરલ ઇન્ડેક્સ વધ્યો નહોતો. અન્ય ઘટેલા સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક (૧.૫૫ ટકા), નિફ્ટી રિયલ્ટી (૧.૩૦ ટકા), નિફ્ટી મીડિયા (૦.૮૬ ટકા) અને નિફ્ટી આઇટી (૦.૪૫ ટકા) સામેલ હતા.

સરકારી બૅન્કોના સ્ટૉક્સમાં પ્રૉફિટ બુકિંગ

સરકારી બૅન્કોના સ્ટૉક્સમાં પ્રૉફિટ બુકિંગ થતાં સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયામાં ૧૦-૧૦ ટકાનો ઘટાડો થયો હતો. મહારાષ્ટ્ર બૅન્ક ૭.૫૭ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૬.૬૫ ટકા, યુકો બૅન્ક ૫.૮૮ ટકા, ઇન્ડિયન બૅન્ક ૫.૨૭ ટકા, કૅનરા બૅન્ક ૫.૦૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૩૪ ટકા, યુનિયન બૅન્ક ૪.૧૬ ટકા, સ્ટેટ બૅન્ક ૩.૫૨ ટકા અને પંજાબ નૅશનલ બૅન્ક ૩.૩૧ ટકા ઘટ્યા હતા.

નિફ્ટી૫૦ના મુખ્ય ઘટેલા સ્ટૉક્સ ઓએનજીસી, તાતા સ્ટીલ, હીરો મોટો કોર્પ, તાતા મોટર્સ અને સ્ટેટ બૅન્ક હતા, જ્યારે વધેલામાં યુપીએલ, ડૉ. રેડ્ડી, ઇન્ડસઇન્ડ બૅન્ક, હિન્દુસ્તાન યુનિલિવર અને ગેઇલ સામેલ હતા.

બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડ કૅપ-૫૦ ઇન્ડેક્સ ૨.૩૦ ટકા અને નિફ્ટી સ્મૉલ કૅપ-૫૦ ઇન્ડેક્સ ૦.૮૭ ટકા ઘટ્યા હતા.

જોકે સાપ્તાહિક ધોરણે નિફ્ટી પીએસયુ બૅન્ક (૧૦.૭ ટકા) ટોચનો વધેલો ઇન્ડેક્સ હતો. ત્યાર બાદ ઊર્જા (૫.૨ ટકા) અને મેટલ (૧.૯ ટકા) વધ્યા હતા. સપ્તાહ દરમ્યાન નિફ્ટી ફાર્મા અને નિફ્ટી ઑટોમાં ૩.૪-૩.૪ ટકાનો ઘટાડો થયો હતો. શુક્રવારે ૨૨૩૪ સ્ટૉક્સમાં ટ્રેડિંગ થયું હતું, જેમાંથી ૭૧૬ વધ્યા હતા અને ૧૧૭૬ ઘટ્યા હતા. આમ ઘટાડાનું વલણ દેખાયું હતું.

રોકાણકારોની સંપત્તિમાં ધોવાણ

બીએસઈ પર માર્કેટ કૅપ ગુરુવારના ૨૦૫.૯૬ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૨૦૩.૯૮ લાખ કરોડ રૂપિયા થયું હતું. આમ તેમાં ૧.૯૮ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો.

એફઆઇઆઇની ૧૧૮.૭૫ કરોડની નેટ ખરીદી

નોંધનીય રીતે કૅશ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી માત્ર ૧૧૮.૭૫ કરોડ રૂપિયાની હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નેટ ૧૧૭૪.૯૮ કરોડનું વેચાણ કર્યું હતું.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે કુલ ૨,૮૮,૬૯૬.૮૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૧,૨૭૮ સોદાઓમાં ૨૩,૨૮,૬૪૧ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૩૦,૧૦,૧૩૮ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૮.૬૦ કરોડ રૂપિયાના ૪૪ સોદામાં ૭૩ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૫૭,૨૪૧ સોદામાં ૨૧,૯૦,૨૨૦ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૭૪,૦૪૨.૦૭ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૩૯૯૩ સોદામાં ૧,૩૮,૩૪૮ કૉન્ટ્રૅક્ટ સાથે ૧૪,૬૪૬.૧૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં સાપ્તાહિક ચાર્ટ પર બેરિશ એન્ગલફિંગ કૅન્ડલ રચાઈ છે. એના પરથી ઘટાડાનું વલણ બદલાઈને ઇન્ડેક્સ ફરી વધવા લાગે એવી શક્યતા છે. વિદેશી માર્કેટમાં પણ વલણ બદલાવાની સંભાવના દેખાય છે. હાલતુરત ૧૫,૦૦૦ની ઉપર ૧૫,૧૦૦-૧૫,૧૭૦ની સપાટીએ રેઝિસ્ટન્સ છે. સપોર્ટનો ઝોન ૧૪,૯૦૦-૧૪,૭૫૦નો છે.

business news