બજાર નવા દિવસે નવી વિક્રમી સપાટીએ બંધ, રોકડું ઝમકમાં આવતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ

26 November, 2022 05:32 PM IST  |  Mumbai | Anil Patel

ચોખા કરતાં કણકી મોટીના ઘાટમાં સેન્સેક્સના મુકાબલે નિફ્ટીમાં મોટો સુધારો નોંધાયો ઃ અદાણી ગ્રુપના મોટા ભાગના શૅર નરમ, એસીસી, અંબુજા મજબૂત ઃ રિલાયન્સ સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બની બજારને ૧૦૫ પૉઇન્ટ ફળ્યો ઃ રુસ્તમજીની કીસ્ટોન નવી ટોચે, બિકાજી ફૂડ્સ સતત નવ

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે ચાઇનાના સાધારણ સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો સીમિત ઘટાડે બંધ રહ્યાં છે. યુરોપ રનિંગમાં મામૂલી પ્લસ દેખાયું છે. મોડી સાંજે કોવિડગ્રસ્ત અર્થતંત્રની વહારે ચડવાના મૂડમાં ચાઇનીઝ મધ્યસ્થ બૅન્ક તરફથી કૅશ રિઝર્વ રેશિયોમાં વધુ ૦.૨૫ ટકાના ઘટાડા સામે ઇકૉનૉમીમાં લિક્વિડિટી વધારવા માટેનો સ્ટિમ્યુલસ ડોમ જાહેર થયો છે, જેની અસર હવે પછી કેવી થાય છે એ જોવું રહ્યું. બ્રેન્ટ ક્રૂડ તાજેતરની નબળાઈ બાદ બાઉન્સબૅકમાં ૮૬.૭ ડૉલર થયું છે. 
ઘરઆંગણે સેન્સેક્સ આખા દિવસમાં સાડાત્રણસો પૉઇન્ટ કરતાંય ઓછી રેન્જમાં ઉપર-નીચે થઈ ૨૧ પૉઇન્ટ વધીને ૬૨,૨૯૪ નજીક નવી વિક્રમી સપાટી એ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં પણ અહીં ૬૨,૪૪૮ની નવી ઑલટાઇમ હાઈ બની છે. જ્યારે નિફ્ટી ૨૯ પૉઇન્ટ વધીને ૧૮,૫૧૩ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. સેન્સેક્સ નિફ્ટી તથા લાર્જ કૅપની મામૂલી આગેકૂચ સામે રોકડું ઘણા દિવસ બાદ ઝમકમાં રહેતાં ગઈ કાલે માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ જોવા મળી છે. એનએસઈમાં ૧૨૪૯ જાતો વધી છે, સામે ૭૪૩ શૅર નરમ હતા. બજારના મોટા ભાગના સેક્ટોરલ વધ્યા છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની મજબૂતીમાં અઢી ટકા અપ હતો. રિયલ્ટી બેન્ચમાર્ક એક ટકાથી વધુ સુધર્યા છે. 
સેન્સેક્સના ૩૦માંથી ૧૫ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર વધ્યા છે. એચડીએફસી લાઇફ ૨.૭ ટકા, તાતા મોટર્સ અઢી ટકા તથા હીરો મોટોકૉર્પ ૧.૪ ટકાની આગેકૂચમાં નિફ્ટી ખાતે મોખરે હતા. રિલાયન્સ ઇન્ડ. ૧.૩ ટકા વધી ૨૬૧૭ના બંધમાં ટૉપ ગેઇનર બની બજારને સર્વાધિક ૧૦૫ પૉઇન્ટ ફળ્યો છે. નેસ્લે એકાદ ટકો, આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકા નજીક, કોટક બૅન્ક પોણા ટકાથી વધુ, ટાઇટન પોણો ટકો નરમ હતા. 
અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨૦,૦૦૦ કરોડનો વિક્રમી ફૉલો-ઑન ઇશ્યુ લાવશે, આઇઈએક્સનું ૨૦૦માં બાયબૅક નક્કી
બજાર બંધ થયા પછી આવેલી જાહેરાતમાં અદાણી એન્ટરપ્રાઇઝિસે ફ્રેશ શૅર ઇશ્યુ કરીને અર્થાત ફૉલો-ઑન પબ્લિક ઇશ્યુ મારફત ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના હોવાની જાણ કરી છે. આ ઇશ્યુ દેશના ઇતિહાસનો લાર્જેસ્ટ ફૉલો-ઑન પબ્લિક ઇશ્યુ બની રહેશે. આવડા મોટા ઇશ્યુને જરાય વાંધો નહીં આવે. બૅન્કો, નાણાસંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફન્ડો મોજુદ છેને? અદાણી એન્ટર ગઈ કાલે અડધો ટકો ઘટીને ૩૯૦૩ હતો. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી ટ્રાન્સમિશન પોણાબે ટકા, અદાણી ગ્રીન પોણો ટકો, અદાણી ટોટલ પોણાબે ટકા, અદાણી પાવર અડધો ટકો નરમ હતા. એસીસી પોણાબે ટકા અને અંબુજા સિમેન્ટ ૧.૪ ટકા વધ્યા છે. એનડીટીવી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮૭ થયો છે.
બજાર બંધ થયા પછી ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ દ્વારા શૅરદીઠ મહત્તમ ૨૦૦ સુધીના ભાવે ૯૮ કરોડ રૂપિયાના ખર્ચે બાયબૅકની જાહેરાત આવી છે. શૅર સવાબે ટકા વધીને ૧૫૦ બંધ હતો એ ધોરણે બાયબૅક પ્રાઇસ ૩૩ ટકા પ્લસનું પ્રીમિયમ સૂચવે છે. નાયકા ત્રણ ટકા વધીને ૧૭૬ બંધ રહ્યો છે. રુસ્તમજીની કીસ્ટોન ૫૯૬ની નવી ટોચે જઈ પોણાબે ટકા વધી ૫૬૭ વટાવી ગઈ છે. બિકાજી ફૂડ્સ બે દિવસ સતત ઉપલી સર્કિટ માર્યા પછી શુક્રવારે ૪૧૦ની વિક્રમી સપાટી નોંધાવી ત્રણ ટકાની આગેકૂચમાં ૩૯૧ રહી છે. ઇઝી ટ્રિપ પ્લાનર્સ ઉપરમાં ૭૧ થઈ પ્રૉફિટ બુકિંગ આવતાં ૬૫ની અંદર જઈ ૪.૮ ટકા બગડી ૬૫ બંધ થયો છે. 
સરકાર અશોક હોટેલ્સ વેચવા સક્રિય બની અને આઇટીડીસીનો શૅર ઊછળ્યો 
ભારત સરકારની ૮૭ ટકા માલિકીની આઇટીડીસી શુક્રવારે રોજના સરેરાશ ૨૯૨૦ શૅરની સામે ૧.૨૦ લાખ શૅરના જંગી કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૦૫ નજીક જઈ ત્યાં જ બંધ રહી છે. નૅશનલ મોનેટાઇઝેશન પ્રોગ્રામ હેઠળ સરકારે આઇટીડીસીની આઠ ઍસેટ્સ વેચવાનું નક્કી કર્યું છે, જેમાં અશોક હોટેલની વેચાણ પ્રાઇસ ન્યુનતમ ૭૪૦૯ કરોડ નક્કી કરી છે. આ અહેવાલ શૅરમાં તેજીનું મુખ્ય કારણ બન્યો છે. આઇટીડીસીમાં તાતા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ પણ આઠેક ટકા હોલ્ડિંગ ધરાવે છે, એનો ભાવ ૩૨૪ વટાવી અંતે સવા ટકો વધીને ૩૨૨ હતો. આ ઉપરાંત સરકાર ઑફર ફૉર સેલ રૂટથી કોલ ઇન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક અને આરસીએફમાં ૫થી ૧૦ ટકા હિસ્સો વેચીને ૧૬,૫૦૦ કરોડ ઊભા કરવાનું વિચારી રહી હોવાનું જાણવા મળે છે. આ અહેવાલના પગલે ગઈ કાલે કોલ ઇન્ડિયા ઉપરમાં ૨૩૩ વટાવી સવા ટકો વધી ૨૩૧, હિન્દુસ્તાન ઝિંક ઇન્ટ્રા-ડેમાં ૨૯૮ નજીક ગયા બાદ અડધો ટકો વધી ૨૯૭ તથા આરસીએફ નીચામાં ૧૧૮ થઈ બે ટકા ઘટીને ૧૧૯ બંધ રહી છે. પરિણામ તથા ઇન્ટરિમ માટે આરસીએફની બોર્ડ મીટિંગ ૨૯મીએ છે.
મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી ન્યુરેકાનો શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ૫૬૧ના ૨૦ મહિનાના તળિયે જઈ ૩.૩ ટકા ઘટી ૫૬૪ રહ્યો છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં બાયબૅક માટેની બોર્ડ મીટિંગ પૂર્વે શૅર ત્રણેક ગણા વૉલ્યુમે ૧૫૨ નજીક જઈને ૨.૩ ટકા વધીને ૧૫૦ બંધ થયો છે. વીર એનર્જી ૧૦ શૅરદીઠ ત્રણ બોનસમાં એક્સ બોનસ થતાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે સાડાસોળ હતો. મહારાષ્ટ્ર સીમલેસ શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં સાધારણ ઘટી ૩૮૮ રહ્યો છે. મફતલાલ ઇન્ડ. ૧૦ના શૅરના બેમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં પોણો ટકો જેવો વધીને ૭૭ ઉપર ગયો છે. 
ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ વૉલ્યુમ સાથે ઊછળ્યો, ફીનો પેમેન્ટ બૅન્કમાં નબળાઈ
ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના ઘટાડે ઇન્ટ્રા-ડેમાં ૪૩,૩૩૯ની વિક્રમી સપાટી બાદ ૯૧ પૉઇન્ટ જેવા મામૂલી ઘટાડે ૪૨,૯૮૪ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારામાં ૪૧૪૫ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૪૦૪૯ના લેવલે ફ્લેટ હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૫ શૅર વધ્યા છે. જેકે બૅન્ક અને યસ બૅન્ક જૈસે થે હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક સાડાનવ ટકા, આરબીએલ બૅન્ક સાડાપાંચ ટકા, આઇડીબીઆઇ બૅન્ક સવાચાર ટકા, બંધન બૅન્ક ત્રણ ટકા, ઇક્વીટાસ બૅન્ક અઢી ટકા નજીક, પીએનબી સવાપાંચ ટકાથી વધુ, આઇઓબી સાડાત્રણ ટકા તો સેન્ટ્રલ બૅન્ક અઢી ટકા મજબૂત હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૯૪૩ની નવી ટૉપ હાંસલ કરી પોણા ટકાના ઘટાડે ૯૩૦ રહ્યો છે. બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, જેકે બૅન્ક, પીએનબી, પંજાબ સિંધ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, યુકો બૅન્ક, યુનિયન બૅન્ક જેવા અન્ય શૅર પણ ઇન્ટ્રા-ડેમાં નવા ઐતિહાસિક શિખરે પહોંચ્યા હતા. કેપી ગ્લોબલની લેવાલીમાં બે દિવસથી તગડી તેજીમાં રહેલી ફીનો પેમેન્ટ બૅન્ક ગઈ કાલે અઢી ટકા ઘટીને ૨૫૫ હતી. યુનિયન બૅન્ક સવાબે ટકા, ઇન્ડિયન બૅન્ક ૧.૯ ટકા, બૅન્ક ઑફ બરોડા દોઢ ટકા, કોટક બૅન્ક એક ટકો નરમ હતા. 
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૯૦૨૮ની વર્ષની નવી ટૉપ બનાવી નજીવો ઘટી ૮૯૮૨ થયો છે. અત્રે ૧૩૯માંથી જોકે ૮૯ જાતો પ્લસ હતી. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૧૧.૭ ટકા, રેલીગેર સવાનવ ટકા, યુટીઆઇ ઍસેટ ૭.૯ ટકા, પૉલિસી બાઝાર ૫.૮ ટકા, પાવર ફાઇનૅન્સ પોણાછ ટકા, લાર્સન ફાઇનૅન્સ સાડાપાંચ ટકા, આરઈબી ૫.૪ ટકા ઊછળ્યો છે. પેટીએમ ૫.૪ ટકાના બાઉન્સબૅકમાં ૪૬૫ હતો. એલઆઇસી અડધો ટકો સુધરી ૬૨૮ થયો છે. રેલટેલ ૩.૨ ટકા, રેલ વિકાસ નિગમ ૮.૮ ટકા, આઇઆરએફસી ૨.૮ ટકા ઊછળી નવી ટોચે તથા ઇરકોન ૨.૮ ટકા વધીને બંધ હતા. 
એસ્કોર્ટ‍્સની આગેવાનીમાં ઑટો સુધર્યું, લાર્સન તથા ભેલમાં નવાં ઊંચાં શિખર
છેલ્લા કેટલાક દિવસની નબળાઈ બાદ ઑટો ઇન્ડેક્સ શુક્રવારે ૧૫માંથી ૧૨ શૅરના સુધારામાં ૦.૯ ટકા કે ૨૫૮ પૉઇન્ટ પ્લસ થયો છે. એસ્કોર્ટ‍્સ ૨૨૯૮ની વિક્રમી સપાટી નોંધાવી ૧૦૨ રૂપિયા કે સાડાચાર ટકાના જમ્પમાં ૨૨૮૮ થયો છે. તાતા મોટર્સ સવાબે ટકા, અશોક લેલૅન્ડ પોણાબે ટકા, હીરો મોટોકૉર્પ દોઢ ટકા, મારુતિ પોણો ટકો, મહિન્દ્ર અને બજાજ ઑટો અડધો ટકો અપ હતા. ટીવીએસ મોટર સવા ટકો નરમ રહ્યો છે. અતુલ ઑટો પોણાસાત ટકાની તેજીમાં ૩૨૩ થયો છે. સિએટ ત્રણ ટકા ઊંચકાઈને ૧૭૮૦ના નવા શિખરે બંધ હતી. બાલક્રિશ્ના ઇન્ડ. અઢી ટકા અને અપોલો ટાયર્સ પોણાચાર ટકા મજબૂત હતા. 
આગલા દિવસે ત્રણ ટકા પ્લસની તેજી દાખવનાર આઇટી ઇન્ડેક્સ ૬૧માંથી ૩૯ શૅરની આગેકૂચમાં ૧૨૫ પૉઇન્ટ કે અડધા ટકા નજીક આગળ વધ્યો છે. વિપ્રો સવા ટકો, ટેક મહિન્દ્ર એક ટકો, ટીસીએસ સાધારણ વધ્યા છે. ઇન્ફી ફ્લૅટ હતો. તાતા એલેક્સી અઢી ટકા વધી ૬૭૭૮ થયો છે. રેટગેઇન ૭.૪ ટકા, સોનાટા સૉફ્ટવેર ચાર ટકા મજબૂત હતા. ટેલિકૉમમાં એમટીએનએલ સવાસાત ટકા ઊંચકાયો છે. ભારતી નહીંવત્ નરમ હતો. નેટવર્ક ૧૮, ટીવી ૧૮, ઝી એન્ટર, પીવીઆર, આઇનોક્સ લિઝરમાં બેથી સવાચાર ટકાની તેજી દેખાઈ છે. 
એનર્જી સેગમેન્ટમાં પનામા પેટ્રો ૧૪ ટકા, જીએસપીએલ સાત ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૩.૪ ટકા, સવિતા ઑઇલ ૨.૭ ટકા, હિન્દ. પેટ્રો ૨.૨ ટકા, એજીસ લૉજી. બે ટકા, મહાનગર ગૅસ બે ટકા પ્લસ હતા. આઇઓસી પોણાબે ટકા વધ્યો છે. સામે અદાણી ટોટલ પોણાબે ટકા કપાયો છે. એમઆરપીએલ બે ટકા નજીક વધીને ૫૭ વટાવી ગયો છે. ભેલ સાડાનવ ટકા ઊછળી ૮૨ની વર્ષની ટોચે હતો. લાર્સન સાધારણ વધી ૨૦૬૨ બંધ આપતાં પહેલાં ૨૦૯૫ના બેસ્ટ લેવલે ગયો હતો.  

business news stock market