સૉલિડ જૉબડેટા પછી શૅરોમાં જોરદાર ઉછાળો - ડોલેક્સ તૂટ્યો

09 January, 2023 02:37 PM IST  |  Mumbai | Biren Vakil

રૂપિયામાં શાનદાર સુધારો - યુરો અને લેટામ કરન્સી પણ સુધર્યાં

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં નૉન-ફાર્મ પેરોલ ડેટા ઘણો મજબૂત આવ્યો છે. બેરોજગારી દર ૬૦ વર્ષની નીચી સપાટી ૩.૫ ટકા નોંધાયો છે. રોજગારીમાં ૨.૨૩ લાખનો વધારો થયો છે. ધારણા ૨.૦૩ લાખ વધારાની હતી. ઍમેઝૉન, મેટા જેવી બિગ ટેક કંપનીઓમાં કામદારોની છટણી થઈ રહી છે, પણ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો હાયરિંગ વધારી રહ્યા છે. કર્મચારીઓની તીવ્ર અછત છે. પગાર, રોજગારી સર્જન, બેકારી દર બધી રીતે જોઈએ તો અમેરિકાનું જૉબ માર્કેટ સૉલિડ છે.

ફેડના વ્યાજદર વધારાને બજાર મચક આપતાં નથી. ફેડ આવતી ૧ ફેબ્રુઆરીની બેઠકમાં વ્યાજદર માત્ર પા ટકો વધારશે એવી અટકળે ડોલેક્સમાં વેચવાલી આવી હતી. યુરો, પાઉન્ડ, રૂપિયો અને ઘણાંખરાં ઇમર્જિંગ બજારોમાં જાનદાર રિકવરી જોવા મળી હતી. નોકરીઓની વૃદ્ધિ સૉલિડ છે, પણ પગારવધારો ધીમો પડતાં રિસ્ક ઑન સેન્ટિમેન્ટ બૂસ્ટઅપ થયું છે. ડૉલર સિવાયની તમામ ઍસેટ બાઉન્સબૅક થઈ છે. અમેરિકામાં હાઉસ સ્પીકરપદે કેવિન મૅક્‍‍કાર્થી ૧૪ વાર હાર્યા પછી સ્પીકરપદ જીત્યા છે. અમેરિકન રાજકારણની વિભાજિત રાજનીતિ ઉજાગર થઈ છે. જોકે બજારને હવે સારા સમાચાર જ સાંભળવા છે. 

 રૂપિયાની વાત કરીએ તો શુક્રવારે ઇન્ટરબૅન્ક બજારમાં રૂપિયો ૮૨.૭૨ના લેવલ પર નરમ બંધ થયો હતો, પણ જૉબડેટા પછી ઑફશૉર બજારમાં રૂપિયો ઊછળીને ૮૨.૧૮ થઈ છેલ્લે ૮૨.૨૬ બંધ હતો. ૮૨.૨૦ મહત્ત્વનું લેવલ છે એ તૂટે તો આગળ ઉપર ૮૧.૮૦ અને ૮૧.૪૮ આવી શકે. ઉપરમાં ૮૨.૮૦-૮૩.૨૦ સપ્લાય ઝોન દેખાય છે. રિઝર્વ બૅન્ક રૂપિયાને ૮૩ની ઉપર જતો રોકી શકી છે. શૉર્ટ ટર્મ આઉટલુક માઇલ્ડ પૉઝિટિવ છે. હવેના જમાનામાં લૉન્ગ ટર્મ આઉટલુકની આગાહી કપરી છે.

યુરોપમાં લાંબા સમય બાદ ફુગાવો સિંગલ ડિજિટમાં આવ્યો છે. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં પીએમઆઇ થોડા સુધર્યા છે. શિયાળો માઇલ્ડ હોવાથી અને ક્યાંક-ક્યાંક હીટવેવને કારણે હીટિંગની જરૂર ઘટતાં નૅચરલ ગૅસની ડિમાન્ડ ઘટવાથી ગૅસના ભાવમાં મોટો કડાકો આવ્યો છે. સ્પૉટ ગૅસ ૩૦૦ યુરોથી ઘટીને ૫૦ યુરો થઈ ગયો છે. અમેરિકામાં નાયમેક્સ ગૅસ ૯.૫૦ ડૉલરથી ઘટીને ૩.૬૦ થઈ ગયો છે. ગૅસની મંદી અને ડોલેક્સમાં નરમાઈ યુરોપિયન બૉન્ડ બજારો માટે રાહતના સમાચાર છે. યુરો ૦.૯૫ના બૉટમથી સુધરીને ૧૦.૬૮૦ થયો છે અને આગામી બે-ત્રણ મહિનામાં ૧.૧૦-૧.૧૨ આવી શકે છે. પાઉન્ડ યુરોની તુલનાએ કમજોર દેખાય છે. પાઉન્ડની રેન્જ ૧.૧૮-૧.૨૩ દેખાય છે. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનને ધીમે-ધીમે આધુનિક શસ્ત્રસરંજામ મળવા લાગ્યો છે. રૂબલ થોડો કમજોર થયો છે.

એશિયામાં ચીની યુઆનમાં મજબૂત સુધારો આવ્યો છે. ચાઇના રિયલ એસ્ટેટની મંદી ખાળવા એડીચોટીનું જોર લગાવે છે. આર્થિક મંદી રોકવા પૂરતું ધિરાણ મળે, સસ્તું ધિરાણ મળે અને ફુગાવો પણ ન વધે એવી હળવી અને સમતોલ નીતિઓ પર જોર આપે છે. ચીનમાં ઘણી પૅન્ટઅપ ડિમાન્ડ હશે. રીઓપનિંગને કારણે ચીની શૅરબજાર અને યુઆનમાં નોંધપાત્ર સુધારો આવી શકે. અન્ય એશિયાઈ કરન્સીમાં પણ શાનદાર રિકવરી આવી છે. યેન, કોરિયા વોન, મલેશિયા રિન્ગિટ વગરે પણ સુધર્યાં છે. 

લેટિન અમેરિકન ઇમર્જિંગ કરન્સીમાં સુધારો જોવા મળ્યો હતો. બ્રાઝિલ રિયાલ, કોલમ્બિયા પસો, ચિલી પેસો વગેરે કરન્સી જૉબડેટા પછી સુધરી હતી. બ્રાઝિલમાં ભૂતપૂર્વ પ્રમુખ લુલા ડિસિલ્વાની વાપસી થઈ છે અને નવી ટર્મમાં લુલા થોડા પ્રાગમૅટિક રોલમાં દેખાય એવી અટકળ વચ્ચે બ્રાઝિલ શૅરબજાર અને રિયાલમાં સારી રિકવરી આવી છે.

ક્રિપ્ટો કરન્સીમાં બીટકૉઇન અને ઇથર હવે સ્ટેબલ થઈ રહ્યા લાગે છે. ઓલ્ટકૉઇન મેમે કૉઇન, કૉઇન્સમાં રેતીના મહેલ જમીનદોસ્ત થઈ ગયા છે. એફટીએક્સ કાંડ પછી ક્રિપ્ટો બજારોમાં ઊભી થયેલી વિશ્વાસની કટોકટી આસાનીથી હલ થાય એમ નથી. ક્રિપ્ટો મેલ્ટડાઉનને કારણે સરકારની ડિજિટલ કરન્સીના આવિષ્કાર માટે પણ પ્રતિકૂળ વાતાવરણ છે. ચોગરદમ નિરાશા 
દેખાય છે. 

શૉર્ટ ટર્મ ટ્રેડિંગ રેન્જ - ડૉલર રૂપી ૮૧.૪૮-૮૩.૧૪, યુરો ૧.૦૪-૧.૦૯, યેન ૧૩૦-૧૩૫, પાઉન્ડ ૧.૧૮-૧.૨૨, યુરો રૂપી ૮૫-૮૯, પાઉન્ડ ૯૫.૯૮, ડોલેક્સ ૧૦૨-૧૦૬, ગોલ્ડ ૧૮૨૬-૧૯૧૭ ગણાય. 

business news share market stock market bombay stock exchange national stock exchange nifty sensex