જીવન વીમાને તમારો મિત્ર બનાવો!

24 May, 2023 01:33 PM IST  |  Mumbai | Priyanka Acharya

ચાલો આ લેખ દ્વારા પૉલિસી સાથે મિત્રતા કેળવવા માટેના કેટલાક મુદ્દા સમજીએ

પ્રતીકાત્મક તસવીર

મિત્રો વચ્ચે સંપૂર્ણ સમજદારી હોવી જોઈએ અને મુખ્ય તો એકબીજાની તાકાતો અને નબળાઈઓનો સ્વીકાર હોવો જોઈએ. કમનસીબે જીવન વીમા સાથેની મિત્રતા થોડી અઘરી છે, કેમ કે આપણે એને એક રોકાણનું માધ્યમ માનીએ છીએ અને પછી નિરાશા મળે છે. જ્યારે આપણી પાસે કોઈ વીમાનો એજન્ટ/સલાહકાર આવે ત્યારે આપણે તેને પૉલિસીમાંથી મળનાર વળતર વિશે સવાલો પૂછીએ છીએ. વીમાની પૉલિસીમાંથી વળતર મેળવવા વિશેનો સવાલ જ અયોગ્ય છે. વળી જ્યારે આપણે નાની બચતની રકમ રોકીને મોટા વળતરની આશામાં પૉલિસી ખરીદીએ છીએ ત્યારે ફરીથી બીજી નિરાશા જ સાંપડે છે.

ચાલો આ લેખ દ્વારા પૉલિસી સાથે મિત્રતા કેળવવા માટેના કેટલાક મુદ્દા સમજીએ

૧. આપણાં માતા-પિતા આપણને હંમેશાં સારા અને સાચા મિત્રો રાખવાની સલાહ આપે છે, એવા નહીં કે જેઓ અલ્પકાળના ફુલગુલાબી સ્વપ્નો બતાવતા હોય. જીવન વીમાની પૉલિસીની ગણતરી વ્યક્તિના જીવનના મૂલ્ય (હ્યુમન લાઇફ વૅલ્યુ) પ્રમાણે કરવી જોઈએ, નહીં કે પ્રીમિયમ ‘બજેટ’ અથવા આકર્ષક જાહેરખબરોના આધાર પર ! 

૨. અમુક આપણા એકદમ ઘનિષ્ઠ મિત્રો હોય છે કે જેમના વિના આપણે જીવી ન શકીએ અને અમુક ફક્ત સાદા મિત્રો હોય છે. જીવન વીમા પૉલિસીને પણ બે ભાગમાં વહેંચી શકાય. ટર્મ ઇન્શ્યૉરન્સ અને એન્ડોવમેન્ટ ઇન્શ્યૉરન્સ. ટર્મ પૉલિસી એકદમ જરૂરિયાતને વખતે કામ આવે છે અને એન્ડોવમેન્ટ પૉલિસીઓ સાથે આપણે સાદા મિત્રોની માફક નિવૃત્તિગાળો વિતાવી શકીએ છીએ. આ બન્ને મિત્રો જરૂરી છે.

૩. આપણા સાદા મિત્રોએ આપણને પરીક્ષામાં નકલ કરવા ન આપી કે જન્મદિવસની પાર્ટીમાં ન બોલાવ્યા એવા કારણસર આપણે તેમની સાથે મિત્રતા તોડી નથી નાખતા, એવી જ રીતે એન્ડોવમેન્ટ પૉલિસીઓને સારા વળતરની આશામાં ખરીદવી ન જોઈએ અને જ્યારે આપણને લાગે એ આપણા કામની નથી એટલે એને પરત પણ ન કરી દેવાય. પ્રતિબદ્ધતા તો નિભાવવી જ પડે!

૪. આજે આપણે કેટલા બધા વૉટ્સઍપ ગ્રુપના સભ્ય છીએ! અમુક ઓળખાણો તો તેમની ઉત્કૃષ્ટ પોસ્ટને કારણે જ થતી હોય છે, એ મિત્રતા નથી. તેઓ કેવળ ગ્રુપના સભ્ય તરીકે મિત્રતા ન હોવા છતાં નિયમાનુસાર આપણને સારા અથવા માઠા પ્રસંગે સંદેશાઓ પાઠવતા હોય છે. એવી જ રીતે ફક્ત કરવા ખાતર જ નાનકડી રકમનો વીમો ઊતરાવી લેવાથી વીમાનો હેતુ સરવાનો નથી. પૉલિસી હોવી એ ફક્ત પૂરતું નથી, પરંતુ એનો હકીકતમાં ખરે સમયે ફાયદો મળવો જોઈએ.

૫. મિત્રતા જીવનપર્યંતનો સંબંધ હોય છે, જ્યારે તમે વીમો ખરીદો ત્યારે એને એક મિત્રની જેમ જ માનો અને પછી જ એને માટે પ્રતિબદ્ધ બનો. એમ ન સમજો કે એકધારા બે વર્ષ સુધી પ્રીમિયમ ભરીને પછી એને બંધ કરી દેવાશે. જો એમ કરશો તો તમારી પૉલિસી રદ થઈ જશે અને પછી નુકસાન વેઠીને તમારે એને પરત કરવી પડશે અથવા તમે એને ‘પેઇડ-અપ’ પૉલિસી તરીકે ચાલુ રાખી શકશો. આ બન્ને સંજોગોમાં તમારું મોટું નુકસાન જ થશે. એથી જ્યારે તમે પૉલિસીની આખી સમયાવધિ સુધી પ્રીમિયમ ભરવા તૈયાર હો ત્યારે જ પૉલિસી ખરીદો.

૬. આપણા સ્કૂલના મિત્રો, કૉલેજના મિત્રો, પ્રોફેશનલ મિત્રો, કૉલોનીના મિત્રો આ બધા અલગ-અલગ મિત્રો સાથે આપણે અલગ-અલગ સંબંધ ધરાવતા હોઈએ છીએ. સ્કૂલના મિત્રને પ્રોફેશનલ મિત્ર સાથે સરખાવી ન શકાય. એવી જ રીતે ઇન્શ્યૉરન્સને બીજા રોકાણનાં સાધનો સાથે સરખાવવાનું ટાળો. ફાઇનૅન્શિયલ પિરામિડ ત્રણ પરિમાણોથી બનેલો છે : સુરક્ષા, નિયમિત આવક અને મૂડીની વૃદ્ધિ. જીવન વીમો એ વહેલા મૃત્યુ અને લાંબા જીવન સામે સુરક્ષા પ્રદાન કરે છે. જો તમને એવું થાય કે પ્રીમિયમ ભરવાને બદલે જો હું બીજે ક્યાંક રોકાણ કરું તો કેવું? આવે વખતે પિરામિડમાંના સુરક્ષાના ક્ષેત્રમાં ગાબડું પડી જાય છે અને વહેલા મૃત્યુ જેવા સમયમાં ખૂબ જ ભયજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ સાથે જ જ્યારે નિયમિત આવકનું આયોજન ન થયું હોય એવા સંજોગોમાં લાંબું જીવન પણ ભયાવહ જણાય છે.

જીવન વીમો એ સમજદારીપૂર્વકની મિત્રતા છે. તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ આયોજન કરો!

business news