રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પૂરો થાય અને સૌનું હિત સચવાય એ માટે મહારેરાએ બહાર પાડ્યું પરિપત્રક

28 January, 2023 03:55 PM IST  |  Mumbai | Parag Shah

પ્રમોટરો અને રિયલ એસ્ટેટ એજન્ટોએ અન્ય રિયલ એસ્ટેટ સંસ્થાઓમાંનાં પોતાનાં હિતની જાહેરાત કરવી પડશે એવું જણાવતા પરિપત્રકની આપણે ગયા વખતે વાત કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રમોટરો અને રિયલ એસ્ટેટ એજન્ટોએ અન્ય રિયલ એસ્ટેટ સંસ્થાઓમાંનાં પોતાનાં હિતની જાહેરાત કરવી પડશે એવું જણાવતા પરિપત્રકની આપણે ગયા વખતે વાત કરી હતી. ઉક્ત પરિપત્રકને પગલે પ્રમોટરે કે એજન્ટે જાહેર કરેલી માહિતીના આધારે ફ્લૅટ ખરીદનારાઓને એમની પાર્શ્વભૂની જાણ થઈ જાય છે.

આજે આપણે મહારેરાના વધુ એક પરિપત્રકની વાત કરીશું. પ્રમોટરે પોતાના પ્રોજેક્ટનું એક્સટેન્શન લેતી વખતે લેવી પડતી સંમતિ વિશેની જાણકારી એ આ પરિપત્રક પરથી જાણવા મળે છે. 
જ્યારે પ્રમોટર પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન વખતે જાહેર કરવામાં આવેલા અથવા પોતાને વધારીને આપવામાં આવેલા સમયગાળાની અંદર પ્રોજેક્ટ પૂરો કરી શકે નહીં એ સંજોગોમાં રેરાની કલમ ૭ હેઠળ રેરા ઑથોરિટી પ્રમોટરનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે. જોકે કાયદાની કલમ ૭(૩)માં જણાવવામાં આવ્યું છે કે ઑથોરિટી કલમ ૭(૧) હેઠળ રજિસ્ટ્રેશન રદ કરવાને બદલે પોતાને યોગ્ય લાગે એ નિયમે અને શરતે રજિસ્ટ્રેશન યથાવત્ રહેવા દઈ શકે છે. 

૨૦૧૯ના પરિપત્રકને પગલે મહારેરાએ કહ્યું હતું કે ઘણી વાર પ્રમોટરો કલમ ૭(૩) હેઠળ પ્રોજેક્ટના રજિસ્ટ્રેશનના એક્સટેન્શન માટે બહુમતી ફ્લૅટ ખરીદનારાઓના સંગઠન અથવા ખરીદનારાઓ પાસેથી સંમતિ લે છે ત્યારે વાસ્તવમાં એ સંમતિ ખરીદનારાઓએ આપી હોતી નથી. 
જે કિસ્સામાં ઘણું જ મોડું થઈ ગયું હોય છે એમાં ખરીદનારાઓ વ્યાજની ચુકવણી માટે અને અન્ય રાહતો માટે મહારેરામાં ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં પ્રમોટરોને એક્સટેન્શન આપવામાં આવે તો ફરિયાદનો કોઈ અર્થ સરતો નથી. 

આ પણ વાંચો:  કેવાયસી અપડેટ કરવા હવે બૅન્કમાં જવાની જરૂર નહીં

એક વર્ષનું એક્સટેન્શન આપ્યા પછી પણ પ્રોજેક્ટ પૂરો કરવામાં વિલંબ થાય તો ખરીદનારાઓના મનમાં ફરીથી વિશ્વાસ બેસતો નથી. આવી સ્થિતિમાં તેઓ પ્રમોટરને વધુ સમય આપવા તૈયાર થતા નથી. આવા અને અન્ય કારણોસર ખરીદનારાઓ રજિસ્ટ્રેશનના એક્સટેન્શન માટે સંમતિ આપતા નથી. 
બીજી બાજુ, એવું પણ જોવા મળ્યું છે કે પ્રમોટર પ્રોજેક્ટ પૂરો કરવા માટે ખરેખર તૈયાર હોવા છતાં અમુક અનિવાર્ય અથવા કોવિડ રોગચાળા જેવા પોતાના કાબૂ બહારના સંજોગોને લીધે વિલંબ થયો હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈને મહારેરાએ બહુમતી ખરીદનારાઓના હિતમાં ગયા ડિસેમ્બરના પરિપત્રકમાં કહ્યું છે કે પ્રમોટર ૨૦૧૯ના પરિપત્રકનું પાલન કરી શક્યા ન હોય તો પણ એમને એક્સટેન્શન આપી શકાય છે. 

૨૦૧૯ના પરિપત્રકનું પાલન નહીં કરી શકનારા પ્રમોટરે ખરીદનારાઓમાંથી બહુમતીની સંમતિ કેમ મેળવી શકાઈ નથી અને ઑથોરિટીએ ૫૧ ટકા સંમતિ નહીં હોવા છતાં શું કામ એક્સટેન્શન આપવા વિશે વિચાર કરવો જોઈએ એ માટેનાં કારણો સંતોષકારક રીતે દર્શાવવાં જરૂરી છે. 
પ્રમોટરે પોતાનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ કયા કારણસર મોડો પડ્યો છે એની જાણ પણ કરવાની રહે છે. આ રીતે, ગયા વર્ષના ડિસેમ્બરના પરિપત્રક દ્વારા ઑથોરિટીએ આખો પ્રોજેક્ટ ખાડામાં જાય એવી સ્થિતિ આવતી અટકાવવામાં આવે અને સાથે-સાથે ખરીદનારાઓના અધિકારોનું પણ રક્ષણ થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
તમામ પક્ષકારો પ્રોજેક્ટ પૂરો કરવાની ભાવનાથી કામ કરે અને મહારેરાએ આપેલી તકનો સૌના હિતમાં ઉપયોગ થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 

business news