કાંદાની મંદી રોકવા બે લાખ ટન સરકારી ખરીદીની માગણી

20 September, 2022 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને પત્ર લખીને દરમ્યાનગીરી કરવા કહ્યું: કાંદાના ભાવ ઝડપથી તૂટતાં ખેડૂતોને મોટી નુકસાની

પ્રતીકાત્મક તસવીર

કાંદાના ભાવ સામાન્ય રીતે આ સમયે આસમાને પહોંચતા હોય છે, પરંતુ આ વર્ષે પાક મોટો હોવાથી ઊલટી સ્થિતિ છે અને ભાવ સતત તૂટી રહ્યા છે, જેને પગલે મહારાષ્ટ્રની સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ કાંદાની બે લાખ ટનની ખરીદી શરૂ કરવાની માગણી કરી છે.

કાંદાના ભાવમાં ઘટાડો અને ખેડૂતોમાં વધતા નાણાકીય તણાવ સાથે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન પીયૂષ ગોયલને એની એજન્સી નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ) દ્વારા સમગ્ર રાજ્યમાં લગભગ બે લાખ ટન કાંદા ખરીદવા વિનંતી કરી છે. જોકે, સીએમઓના નિવેદનમાં કાંદાના વર્તમાન વેચાણભાવ વિશે કંઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

નાફેડ દ્વારા ચાલુ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ ૨.૫૦ લાખ ટન કાંદાની ખરીદી કરવામાં આવી હતી, જે ગત વર્ષની તુલનાએ ૫૦,૦૦૦ ટન વધારે છે. મહારાષ્ટ્ર સરકારે વર્તમાન ભાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે માત્ર મહારાષ્ટ્રમાંથી જ બે લાખ ટનની વધારાની ખરીદી કરવાની રજૂઆત કરી છે.

સારા ચોમાસા સાથે ૨૦૨૧-’૨૨માં કાંદાનું ઉત્પાદન ૧૩૬.૭૦ લાખ ટન સુધી પહોંચવાની અપેક્ષા છે, જે અગાઉની સીઝન કરતાં ૨૦ લાખ ટન વધુ છે, એમ નિવેદનમાં જણાવાયું છે. એકંદરે બજાર ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. આના કારણે કાંદાના ઉત્પાદકોમાં નિરાશા અને બેચેનીનું વાતાવરણ છે એમ સરકારે જણાવ્યું હતું.

કાંદાના ભાવ અત્યારે ૨૦ કિલોના ૫૦થી ૨૫૦ રૂપિયા વચ્ચે ચાલી રહ્યા છે. તાજેતરમાં પડેલા વરસાદથી પણ સ્ટૉકના માલને નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સરેરાશ કાંદાની બજારમાં ભાવ નીચા ક્વોટ થઈ રહ્યા છે. સાઉથના નવા પાકની આવકો પણ શરૂ થઈ ગઈ હોવાથી બજારમાં સુધારો થવાના ચાન્સ નથી.

business news commodity market indian government