મહારાષ્ટ્ર: રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોની સુરક્ષા માટે બહાર પડાયાં 2 પરિપત્રકો

19 June, 2021 12:53 PM IST  |  Mumbai | Parag Shah

ડેવલપરે ફ્લૅટ નંબર, રેરા કાર્પેટ એરિયા, રજિસ્ટ્રેશન તારીખ અને રજિસ્ટ્રેશન નંબર એ બધી વિગતો મહારેરાએ નક્કી કરેલા ફૉર્મેટમાં સુપરત કરવાની રહેશે. 

મિડ-ડે લોગો

રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોની સુરક્ષા માટે રેગ્યુલેશનની ઘણા લાંબા સમયથી જરૂર હતી, જે હવે રેરા હેઠળ પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં મહારેરાએ બે મહત્ત્વપૂર્ણ પરિપત્રકો બહાર પાડ્યાં છે, જેની પાછળનો ઉદ્દેશ ગ્રાહકો સાથેની છેતરપિંડી ટાળવાનો અને વધુ પારદર્શકતા લાવવાનો છે. 
મહારેરાએ ગઈ ૯ એપ્રિલે બહાર પાડેલા પરિપત્રક ક્ર. ૨૯/૨૦૨૧માં કહેવામાં આવ્યું છે કે પ્રમોટરોએ પોતાના પ્રોજેક્ટમાં વેચાયેલા ફ્લૅટની વિગતો ફરજિયાતપણે જાહેર કરવાની રહેશે. ડેવલપરે ફ્લૅટ નંબર, રેરા કાર્પેટ એરિયા, રજિસ્ટ્રેશન તારીખ અને રજિસ્ટ્રેશન નંબર એ બધી વિગતો મહારેરાએ નક્કી કરેલા ફૉર્મેટમાં સુપરત કરવાની રહેશે. 
અગાઉ પ્રમોટરો માટે આવી કોઈ આવશ્યકતા રાખવામાં આવી ન હતી. હવે ઉક્ત પરિપત્રકને કારણે મહારેરા ઑથોરિટી પાસે ફ્લૅટના વેચાણને લગતી તમામ જરૂરી માહિતીઓ ઉપલબ્ધ રહેશે. મહારેરાના રેકૉર્ડ પર એ બધી નોંધ રહેશે. જોકે, એ બધી માહિતી જાહેર ધોરણે ઉપલબ્ધ નહીં હોય, અર્થાત્ સામાન્ય જનતા એ જોઈ શકશે નહીં. ડેવલપરે આપેલો દસ્તાવેજ મહારેરાને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના સર્ટિફિકેટ દ્વારા આપવામાં આવતી વિગતો જેવો જ હશે. એક જ ફ્લૅટનું અનેક ગ્રાહકોને વેચાણ કરીને છેતરપિંડી થાય નહીં એ હેતુથી ઉક્ત પરિપત્રક બહાર પાડવામાં આવ્યું છે. 
બીજું, એટલે કે પરિપત્રક ક્ર. ૩૨/૨૦૨૧ ગઈ સાતમી તારીખે જારી કરવામાં આવ્યું હતું. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શકતા લાવવા માટે એ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું કહી શકાય. આ પરિપત્રક પહેલાં ખરીદદારોને ડેવલપર પાસેની મંજૂરીઓ બાબતે જાણકારી મળતી ન હતી, પણ હવે સમગ્ર ચિત્ર બદલાઈ જશે. ડેવલપરે હવે પોતાને મળેલી મંજૂરીઓની જાણ નિશ્ચિત ફૉર્મેટમાં કરવી પડશે. સામાન્ય રીતે નાગરિકોને રિયલ એસ્ટેટ ક્ષેત્રની અનેક ટેક્નિકલ માહિતીઓ મળતી નથી, પરંતુ પરિપત્રક ક્ર. ૩૨/૨૦૨૧ને કારણે પ્રોજેક્ટને લગતી મંજૂરીઓ વિશે માહિતી મળી શકશે. 
આપણે જાણીએ છીએ કે અનેક કિસ્સાઓમાં ડેવલપરોને ક્રમે-ક્રમે મંજૂરીઓ મળતી હોય છે. દા.ત. આઇઓડી, પ્લિન્થ લેવલનું કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (સીસી), અમુક માળ સુધીનું સીસી, છેલ્લા માળ સુધીનું સીસી વગેરે. ડેવલપરો એ બધી મંજૂરીઓ વિશે ગ્રાહકોને જાણ કરતા ન હતા, પણ હવે જ્યારે પણ મંજૂરી મળશે ત્યારે તેમણે નિર્ધારિત ફૉર્મેટમાં એ અપડેટ કરવી પડશે, જેથી ખરીદદારોને વાસ્તવિક ચિત્ર જાણવા મળે. આ પરિપત્રકે આડકતરી રીતે એવો અંદાજ આપ્યો છે કે મહારેરા પાસેથી કમેન્સમેન્ટ સર્ટિફિકેટ મળ્યા પછી જ પ્રોજેક્ટ રજિસ્ટર કરાવી શકાશે. અગાઉ, ઘણા ડેવલપરો આઇઓડી કે આઇઓએના આધારે રજિસ્ટ્રેશન કરાવતા હતા, પણ હવે એ શક્ય નહીં બને. 

સવાલ તમારા…

મેં પાલઘરમાં એક ફ્લૅટ ખરીદ્યો છે. બિલ્ડરે ઍગ્રીમેન્ટ બનાવતી વખતે જ બે વર્ષના મેઇન્ટેનન્સના પૈસા પણ લઈ લીધા હતા. હવે બે વર્ષ પૂરાં થઈ ગયાં છે અને ડેવલપર સોસાયટી રચવા માટે દબાણ કરી રહ્યા છે. તેમણે ક્લબ હાઉસ, મંદિર વગેરે સાથેની ટાઉનશિપ બનાવવાનું વચન આપ્યું હતું, જે હજી પૂરું કરવામાં આવ્યું નથી. બિલ્ડરે સારા રસ્તા, વીજળી, કમ્પાઉન્ડ વૉલ જેવી પાયાની સુવિધાઓ પણ પૂરેપૂરી આપી નથી. પ્રોજેક્ટના ૫૦ ટકા ફ્લૅટ વેચાયા વગર પડ્યા છે અને મેઇન્ટેનન્સ નબળું છે. આવામાં હું શું કરી શકું?
આ કિસ્સામાં સૌથી પહેલાં ખરીદદારોએ ડેવલપર સાથે કરેલા ઍગ્રીમેન્ટ ફૉર સેલની કલમોનો અભ્યાસ કરવો જરૂરી છે. જો ઍગ્રીમેન્ટ રેરાના અમલ પહેલાંનું હોય તો ઍગ્રીમેન્ટમાં સુવિધાઓની નોંધ કરવામાં આવી છે કે નહીં એ જોવું રહ્યું. જો રેરા આવ્યા બાદ ઍગ્રીમેન્ટ થયું હોય તો પ્રમોટરે સુવિધાઓનો ઉલ્લેખ ફરજિયાતપણે એમાં કરવો જરૂરી છે અને ઍગ્રીમેન્ટમાં લખ્યું હોય તો ડેવલપરે એ બધી સુવિધાઓ આપવી આવશ્યક છે. આથી ખરીદદારો પોતાની ફરિયાદ રેરા સત્તાવાળાઓ સમક્ષ કરી શકે છે. 
સોસાયટીની રચના બાબતે જણાવવું રહ્યું કે તમારે બધાએ વહેલામાં વહેલી તકે સોસાયટી બનાવી લેવી જોઈએ, જેથી મેઇન્ટેનન્સ સોસાયટીના હસ્તક આવી જાય. આશા રાખું છું કે તમારા સવાલનો સંતોષકારક જવાબ મળી ગયો હશે. 

business news parag shah