કન્ટેઇનર કાર્ગો અટકી પડતા હવે કાર્ગો સ્વીકારવા લૉજિસ્ટિકસ કંપનીનો ઇનકાર

27 June, 2020 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કન્ટેઇનર કાર્ગો અટકી પડતા હવે કાર્ગો સ્વીકારવા લૉજિસ્ટિકસ કંપનીનો ઇનકાર

ફાઈલ તસવીર

ભારત અને ચીન વચ્ચે સરહદે તંગદિલીનો ઉકેલ શાંતિપૂર્ણ મંત્રણાથી હલ કરવાની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી પણ વ્યાપારના મોરચે સંબંધો વણસી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. ભારતીય કસ્ટમ વિભાગે ચીનથી આવી રહેલા કન્ટેઇનર કાર્ગોનું પૂર્ણ ચેકિંગ કરવું અને ત્યાં સુધી રોકી રાખવા એવો મૌખિક આદેશ આપ્યો છે ત્યારે પોર્ટ અને કન્ટેઇનર કાર્ગો સ્ટેશન ઉપર હવે માલનો ભરાવો જોવા મળી રહ્યો છે.

અગ્રણી લૉજિસ્ટિક્સ કંપની ડીએચએલ દ્વારા હૉન્ગકૉન્ગ, મકાઉ અને ચીનથી ભારતમાં આવતા કાર્ગો સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ચીનના આવી રહેલા કાર્ગોનું કસ્ટમ ક્લીયરન્સ અટકી ગયું છે અને તેના કારણે ભારતના દરેક પોર્ટ અને એરપોર્ટ ઉપર કાર્ગોનો જંગી ભરાવો થઈ પડ્યો છે. ક્લીયરન્સ અટકી પડ્યું છે અને તેના કારણે વિલંબ વધી રહ્યો છે. ડીએચએલે પોતાના ગ્રાહકોને ૧૦ દિવસ સુધી કાર્ગો નહીં સ્વીકારવામાં આવે તેવી જાણ કરવામાં આવી છે.

બીજી તરફ અમેરિકન કંપનીઓ કે જે ભારતમાં કામ કરી રહી છે તેમણે પણ કેન્દ્ર સરકારને જાણ કરી છે કે કાર્ગોમાં વિલંબના કારણે તેમની કામગીરી અટકી શકે તેવા સંજોગો ઊભા થયા છે.

અહીં નોંધવું જોઈએ કે આ અંગે કેન્દ્ર સરકાર, વાણિજ્ય મંત્રાલય, નાણાં મંત્રાલય કે કસ્ટમ દ્વારા કોઈ લેખિત સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી પણ એવું સૂત્રોએ જણાવ્યા અનુસાર ચીનથી  આયાત થયેલા દરેક કન્ટેઇનરની બમણી ચકાસણી કરવી. ચેન્નઈમાં કસ્ટમ વિભાગને ૨૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે અને તેની કડીઓ ચીન સાથે જોડાયેલી છે. કસ્ટમ વિભાગ એવું માને છે કે કેટલીક ચોક્કસ વ્યક્તિઓ આયાત-નિકાસની આડમાં જાહેર કરેલી ચીજો (દસ્તાવેજમાં ડિકલેર કરેલા ગુડ્સ)ના બદલે કોઈ ભળતી ચીજોની આયાત કરી રહી છે એટલે દરેક કન્ટેઇનરની તપાસ બેવડા ધોરણે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું.

યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ પ્રમોશનને એક પત્રમાં જણાવાયું છે કે કેટલાક પાડોશી દેશોના કાર્ગો ઉપર જે રીતે પ્રતિબંધ ફરમાવ્યો છે તેનાથી અમારી કામગીરીને અસર થઈ રહી છે. તેનાથી ઉત્પાદન અને સપ્લાય ચેઈન વિખેરાય જાય એવી શક્યતા છે.

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લશ્કરી તંગદિલી બાદ વ્યાપાર મોરચે પણ યુદ્ધ જેવો માહોલ બની શકે તેવી સ્થિતિના એંધાણ મળી રહ્યા છે. દેશમાં વ્યાપારી સંગઠનો ચીનમાં બનેલી ચીજોની ખરીદી નહીં કરવા, તેનું વેચાણ બંધ કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે કસ્ટમ વિભાગે દેશના દરેક કન્ટેનર ફ્રાઈટ સ્ટેશન ઉપર એવો મૌખિક આદેશ આપ્યો છે કે ચીનથી આવેલા કન્ટેઇનરને હાલપૂરતા રોકી રાખવા અને તેની ચકાસણી બમણી કરવી.

દરમ્યાન અહીં નોંધવું જરૂરી છે કે ભારત સરકાર પણ ચીનથી થતી આયાત ઘટાડવા માટે વિચારી રહી છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ટરનલ ટ્રેડ પ્રમોશન વિભાગ દ્વારા એક યાદી તૈયાર કરાઈ છે અને દરેક ક્ષેત્રની ટોચની સંસ્થાઓ પાસેથી સલાહ માગી છે. દેશમાં ચીનથી આયાત થતી અંદાજે ૧૧૫૯ પ્રોડકટ્સની આયાત બંધ કરવા સરકાર વિચારણા કરી રહી છે. આ યાદીમાં ઇલેકટ્રોનિક આઇટમ્સની સાથે કેપિટલ ગુડ્સ અને અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લાદી શકે છે. મહત્ત્વની વાત એ છે કે સરકારે નક્કી કરેલ ઇમ્પોર્ટ પ્રતિબંધ માટેની યાદીમાં માત્ર બિનજરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થશે.

business news