લૉકડાઉન ઇફેક્ટ : માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન માઈનસ 16.7 ટકા

13 May, 2020 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન ઇફેક્ટ : માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન માઈનસ 16.7 ટકા

પ્રતીકાત્મક તસવીર

માર્ચના મધ્ય ભાગથી દેશનાં અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાઇરસને નાથવા માટે શરૂ કરવામાં આવેલા લૉકડાઉનની અસરો અર્થતંત્ર ઉપર જોવા મળી રહી છે. આજે કેન્દ્ર સરકારે માર્ચ મહિનાના ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (ઔદ્યોગિક ઉત્પાદન)ના આંકડા જાહેર કર્યા હતા જે વૃદ્ધિના બદલે નેગેટિવ ૧૬.૭ ટકા આવ્યા છે. માર્ચ મહિનામાં લૉકડાઉનની વ્યાપક અસરો તા. ૨૫ માર્ચથી શરૂ થઈ હતી એટલે વિશ્લેષકો એવું માની રહ્યા છે કે એપ્રિલનું ઉત્પાદન આના કરતાં પણ ખરાબ રહેશે. માર્ચ ૨૦૨૦માં ઔદ્યોગિક ઉત્પાદન માઇનસ કે નેગેટિવ ૧૬.૭ ટકા રહ્યું છે જે આગલા વર્ષે ૨.૭ ટકા હતું. સમગ્ર નાણાકીય વર્ષ માટે દેશનું ઔદ્યોગિક ઉત્પાદન નેગેટિવ ૦.૭ ટકા રહ્યું છે જે આગલા વર્ષે ૩.૮ ટકાની વૃદ્ધિ દર્શાવતું હતું. અહીં નોંધવું જોઈએ કે દેશવ્યાપી ઉત્પાદનની અસર માર્ચમાં ઓછી હોવાથી અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખી રહ્યા હતા કે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન નેગેટિવ આઠ ટકા આસપાસ રહેશે. ઉત્પાદન કે મૅન્યુફૅક્ચરિંગ માર્ચ મહિનામાં ૨૦.૬ ટકા સંકોચાયું છે જે ફેબ્રુઆરીમાં ૩.૨ ટકા વધ્યું હતું. વીજળીનું ઉત્પાદન માર્ચમાં ૬.૮ ટકા ઘટ્યું છે જે આગલા મહિને ૮.૧ ટકા વધ્યું હતું અને ખાણ-ખનીજ ઉત્પાદન ફેબ્રુઆરીમાં ૧૦ ટકા વધ્યા પછી માર્ચમાં શૂન્ય રહ્યું છે. ચીજોની દૃષ્ટિએ પ્રાથમિક ચીજોનું ઉત્પાદન ફેબ્રુઆરીમાં ૭.૪ ટકા વધ્યું હતું જે માર્ચમાં ૩.૧ ટકા ઘટ્યું છે. કાચો માલ એટલે કે ઇન્ટરમીડિયરી ગુડ્સનું ઉત્પાદન માર્ચમાં ૧૮.૫ ટકા ઘટ્યું છે. એન્જિનિયરિંગ કે અન્ય ચીજો માટેના કેપિટલ ગુડ્સનું ઉત્પાદન ફેબ્રુઆરીમાં ૯.૭ ટકા ઘટ્યા બાદ માર્ચમાં વધુ ૩૫.૬ ટકા ઘટ્યું છે.

business news