માણસ કમાવાની શરૂઆત કરે ત્યારે જ જીવન વીમો લઈ લેવો જોઈએ

18 May, 2022 01:49 PM IST  |  Mumbai | Priyanka Acharya

ઘણા લોકો સામે ચાલીને કેમ જીવન વીમો લેતા નથી એની પાછળના કેટલાક મુદ્દાઓની આજે ચર્ચા કરીએ.

પ્રતીકાત્મક તસવીર

આપણા સામાજિક જીવનમાં એક વસ્તુ ખાસ નોંધવામાં આવી છે કે લોકો જીવન વીમા વિશે સહજતાથી વાત કરતા નથી. બીજી અનેક નકામી વાતો થતી હોય છે, પરંતુ જીવન વીમા જેવી મહત્ત્વપૂર્ણ બાબત વિશે ભાગ્યે જ વાત થતી હોય છે. ઘણા લોકો સામે ચાલીને કેમ જીવન વીમો લેતા નથી એની પાછળના કેટલાક મુદ્દાઓની આજે ચર્ચા કરીએ.
૧. હું દર વર્ષે કેટલા પૈસા ભરું તો વીસ વર્ષે કેટલા પૈસા પાછા મળે એવું લોકો પૂછતા હોય છે. જીવન વીમા પૉલિસી લેતી વખતે આવી ગણતરીઓ ભૂલભરેલી હોય છે. અહીં પૈસા પાછા મેળવવા કરતાં પ્રીમિયમના પૈસાથી કેટલી બધી આર્થિક સુરક્ષા મળે છે એનો વિચાર કરવાનું મહત્ત્વનું છે. જીવન વીમો નાણાંનું રોકાણ કરવા માટેનું સાધન નથી. એ તો તમારા જીવનને સુગમ અને ચિંતામુક્ત બનાવવાનું માધ્યમ છે. ક્યારેક વીમા કંપનીઓ પ્રીમિયમની અમુક રકમ સામે પાકતી મુદતે કેટલા પૈસા પાછા મળે એનું ગણિત સમજાવતી હોય છે, પરંતુ આખરે તો ઘરની કમાનાર વ્યક્તિના અકાળ અવસાનની સ્થિતિમાં પરિવારને કેટલું આર્થિક રક્ષણ મળે છે એ અગત્યનું હોય છે. 
૨. મને કંપની તરફથી ગ્રુપ ઇન્શ્યૉરન્સમાં જીવન વીમો મળ્યો છે. લોકો આ વિધાન સામાન્ય રીતે બોલતા હોય છે, પરંતુ વાસ્તવમાં કેટલી રકમનો વીમો છે એના વિશે ઘણા લોકોને ખબર હોતી નથી. તમને વીમો મળે છે એ વાત સાચી, પરંતુ ધારો કે તમે એક નોકરી છોડી અને બીજી નોકરી શરૂ કરો એની વચ્ચે ન કરે નારાયણ ને જીવને કોઈ હાનિ થઈ જાય તો પરિવારનું શું? કંપની તરફથી વીમો હોય એ સારી વાત, પરંતુ એનાથી પણ સારી વાત એ કે તમારો પોતાનો પણ અલગથી વીમો હોવો જોઈએ, જેને કંપનીની પૉલિસી સાથે કોઈ સંબંધ ન હોય. કંપની તમારા હોદ્દાને અનુરૂપ પૉલિસી આપશે, જે શક્ય છે કે તમારી જરૂરિયાતોને પૂરી કરતી ન હોય. વળી કંપની પોતાને પરવડે એટલું જ પ્રીમિયમ ચૂકવશે. આથી તમારી પોતાની અલગ પૉલિસી હોવી જોઈએ. 
૩. આજકાલ દરેક જણ જે કંઈ નવું કરે એ સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દે છે. આ એક ટ્રેન્ડ બની ગયો છે. પહેલાં વરસાદના છાંટા હોય કે ક્યાંક નવી ડિશ ટ્રાય કરી હોય કે પછી કોઈ નવું કપડું ખરીદ્યું હોય, એવી કેટકેટલીય વસ્તુઓના ફોટા અપલોડ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિએ જીવન વીમાની પૉલિસી ખરીદી હોય અને સોશ્યલ મીડિયા પર તેનો ફોટો અપલોડ કર્યો હોય એવું ક્યારેય જોયું છે? આપણે ભલે કોઈને કહેતા ન હોઈએ, પણ જીવન વીમો લેવાની ઘટના ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે. કોઈને જાણ કરવાની નથી એનો અર્થ એવો નથી કે તેનું કોઈ મહત્ત્વ નથી. હવે તમને કોઈ માણસ નવી જીવન વીમા પૉલિસી લીધાનું જાહેર કરતો દેખાય તો સમજી લેજો કે એમણે આ લેખ વાંચી લીધો છે. 
૪. જીવન વીમો ક્યારે લેવો જોઈએ એના વિશે લોકોમાં અસ્પષ્ટતા છે. વ્યક્તિ જ્યારે કમાવાની શરૂઆત કરે છે ત્યારે એનો ઉત્સાહ એટલો બધો હોય છે કે ખર્ચ કરવા માટેના ઘણા પ્લાન હોય છે. વળી એ ઉંમરે મૃત્યુનો વિચાર કરનાર મૂર્ખ કહેવાય એવી માન્યતા છે. નોકરી-ધંધાનાં અમુક વર્ષ વીતી ગયાં પછી એમ લાગે કે અત્યાર સુધી કંઈ થયું નથી તો હવે શું થવાનું. અમુક વર્ષો પછી એમ થાય કે અત્યાર સુધી વીમો લીધો નથી, તો હવે લઈને શું ફાયદો. જોકે હકીકતમાં માણસ જ્યારે કમાવાની શરૂઆત કરે ત્યારે જ જીવન વીમો લઈ લેવો જોઈએ. જેમ જેમ પગાર વધે એમ એમ નવી પૉલિસીઓ લેતા જવાનું પણ શક્ય છે. નાની ઉંમરે પૉલિસી લીધી હોય તો પ્રીમિયમ ઓછું હોય છે. તમે ગમે તેટલી પૉલિસીઓ લઈ શકો છો એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ.

સવાલ તમારા…

મારો મિત્ર તો ચોખ્ખું કહે છે કે જીવન વીમા પાછળ કરાતો ખર્ચ નિરર્થક છે. આપણા પૈસા નૉમિની વાપરે એનો શું મતલબ? એના કરતાં તો આપણે જ મોજમજાથી જીવી લેવું જોઈએ. શું ખરેખર આ વિચાર યોગ્ય છે?
જીવન વીમો ભલે ગ્લેમરસ બાબત નથી, પરંતુ એને કારણે એનું મહત્ત્વ ઘટી જતું નથી. જીવનું જોખમ જીવનના દરેક તબક્કે હોય છે અને એ દરેક તબક્કે જીવન વીમાની જરૂર હોય છે. દરેક પરિવારમાં જીવન વીમો હોવો જ જોઈએ. 

business news