નવપરિણીતો અને જીવન વીમા પૉલિસી

22 February, 2023 02:58 PM IST  |  Mumbai | Priyanka Acharya

દલાયેલા સંજોગોમાં જીવનસાથીઓ એકબીજાનું નૉમિનેશન રાખવાનું પસંદ કરી શકે છે. આવી સ્થિતિમાં તેમણે નૉમિનેશનમાં ફેરફાર કરાવી લેવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હાલમાં ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ નામની જાણીતી સિરિયલમાં એક પાડોશી પુષ્પાને કહે છે કે તેમના નવપરિણીત પુત્ર અશ્વિને જીવન વીમાની પૉલિસી લઈ જ લેવી જોઈએ. આ એપિસોડ જોતી વખતે મારા ધ્યાનમાં આવ્યું કે સામાન્ય રીતે લોકોના જીવનમાં કોઈ મોટી ઘટના બને ત્યારે જ જીવન વીમા પૉલિસી લેવામાં આવે છે. દા.ત. નવી નોકરી, લગ્ન, નવી પ્રૉપર્ટીની ખરીદી, બાળકનો જન્મ કે પચ્ચીસમો અથવા પચાસમો જન્મદિવસ વગેરે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે તાર્કિક આધારે નહીં, પરંતુ લાગણીઓમાં તણાઈને જીવન વીમા પૉલિસી લેતા હોઈએ છીએ. 
આજે આપણે ફક્ત નવપરિણીતો માટે જીવન વીમા પૉલિસી લેવા વિશે વાત કરવાના છીએ. સામાન્ય રીતે લગ્ન પહેલાં વર અને કન્યા બન્નેનાં માતા-પિતાએ એક અથવા વધારે પૉલિસી લઈને રાખી હોય એ શક્ય છે. જે રીતે લગ્ન બાદ છોકરા અને છોકરીની જિંદગીમાં ઘણા ફેરફારો આવે છે એ જ રીતે જીવન વીમા પૉલિસી બાબતે પણ સમીક્ષા કરીને આવશ્યક ફેરફારો કરવા જોઈએ. તેમણે જીવનસાથી તરીકે એકબીજાના આર્થિક રક્ષણ માટે પૉલિસી પૂરતી છે કે નહીં એનો વિચાર કરવો જોઈએ. જરૂર પડ્યે તેમણે હ્યુમન લાઇફ વૅલ્યુના આધારે પૂરતી રકમની પૉલિસી લેવા પર ધ્યાન આપવું જોઈએ. 

નવપરિણીતો સંતાનપ્રાપ્તિ બાબતે પણ નિર્ણય લેવાની બાબતે સ્પષ્ટ હોય છે. આજકાલ મોટા ભાગનાં દંપતી એક જ સંતાનને જન્મ આપવા માગતાં હોય છે. બીજી બાજુ, ‘ડબલ ઇન્કમ નો કિડ્સ’ જેવાં પણ કેટલાંક યુગલો હોય છે. આ બન્ને પ્રકારના લોકોએ પોતપોતાની આવશ્યકતા અનુસાર જીવન વીમા પૉલિસી લેવી જરૂરી છે. સંતાન ધરાવતાં માતા-પિતાએ સમગ્ર પરિવારની તથા સંતાનને જન્મ નહીં આપનાર માતા-પિતાએ એકબીજાની આર્થિક સલામતી માટે જીવન વીમો લઈ લેવો જોઈએ. અહીં એક દાખલો આપીને વાત સમજાવવા જેવી છે. ધારો કે કોઈ યુગલ ત્રણ વર્ષ પછી બાળકને જન્મ આપવા માગે છે અને બાળક ત્રણ મહિનાનું થયા બાદ એના માટે પૉલિસી લેવા માગે છે. આ સ્થિતિમાં તેઓ અત્યારથી જ મ્યુચ્યુઅલ ફન્ડની એવી એસઆઇપી શરૂ કરાવી શકે, જેમાં જોખમ ઓછું હોય. ત્રણ વર્ષે જ્યારે એ ફન્ડમાં સારી એવી રકમ જમા થઈ જાય ત્યારે પૉલિસી ખરીદી શકે છે. બાળકના જન્મ પછી ખર્ચ વધે અને પૉલિસી લેવાનું શક્ય ન બને એ સ્થિતિમાં આવી રીતે પહેલેથી વ્યવસ્થા કરી રાખી હોય તો પૉલિસી લેવાનું આસાન બને છે. 

આ પણ વાંચો: જીવન વીમો પ્રેમની અભિવ્યક્તિ સમાન છે

નવપરિણીતો કુંવારા હોય એ સમયે પૉલિસી લેવાઈ હોય તો એમાં નૉમિની તરીકે તેમનાં માતા-પિતા કે ભાઈ-બહેનનું નામ હોઈ શકે છે. બદલાયેલા સંજોગોમાં જીવનસાથીઓ એકબીજાનું નૉમિનેશન રાખવાનું પસંદ કરી શકે છે. આવી સ્થિતિમાં તેમણે નૉમિનેશનમાં ફેરફાર કરાવી લેવો જોઈએ. વળી, નવપરિણીતોએ નામ, રહેવાની જગ્યા વગેરેને લગતા ફેરફારો પણ કરાવી લેવા જોઈએ. અગાઉના લેખોમાં કહ્યું છે એ મુજબ પતિની જીવન વીમા પૉલિસીમાં મૅરિડ વુમન પ્રૉપર્ટી ઍક્ટની જોગવાઈઓનો લાભ લેવાય એ માટે પ્રપોઝલ ફૉર્મમાં આવશ્યક વિગતો ભરી લેવી. 
એક સમયની બે અજાણી વ્યક્તિઓ ભેગી મળીને સંસાર માંડે છે ત્યારે તેમના જીવનમાં ઘણો ફેરફાર આવતો હોય છે. જીવન વીમા પૉલિસી લેવા સારો ફેરફાર તેમના જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. વળી, ભેગા મળીને નિર્ણય લેવાની પણ શરૂઆત આ રીતે થાય તો સોનામાં સુગંધ ભળે એમ કહી શકાય. 

business news