એલઆઇસીની બે કરોડની હોમ લોનનું વ્યાજ ૬.૬૬ ટકા

24 September, 2021 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દર ૨૨ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર, ૨૦૨૧ સુધી મંજૂર કરાયેલી લોન માટે ઉપલબ્ધ છે

પ્રતીકાત્મક તસવીર

હોમ લોન માટેની અગ્રણી કંપની એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડે (એલઆઇસી એચએફએલ) ગુરુવારે હોમ લોન માટે બે કરોડ રૂપિયા સુધીની લોન માટેનો તેનો અત્યાર સુધીનો સૌથી નીચો દર નક્કી કર્યો છે. આ દર ૬.૬૬ ટકા રાખવામાં આવ્યો છે.

આ વર્ષે જુલાઈમાં તેણે નવા દેવાદારોને ૫૦ લાખ રૂપિયા સુધીની રકમ માટે ૬.૬૬ ટકાના વ્યાજદરે હોમ લોન આપવાની જાહેરાત કરી હતી.

ગુરુવારે જાહેર કરાયેલી નવી ઑફર ૭૦૦ અને એથી વધુના સિબિલ સ્કોર ધરાવતા તમામ દેવાદારો માટે ઉપલબ્ધ રહેશે, પછી ભલે તેઓ પગારદાર હોય કે વ્યવસાયી કે સ્વયં રોજગાર કરનાર વ્યક્તિ હોય.

આ દર ૨૨ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર, ૨૦૨૧ સુધી મંજૂર કરાયેલી લોન માટે ઉપલબ્ધ છે. જોકે, એનું પ્રથમ વિતરણ (ડિસ્બર્સમેન્ટ) ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના ​​રોજ અથવા એ પહેલાં મેળવવામાં આવ્યું હોવું જરૂરી છે.

કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વાય. વિશ્વનાથ ગૌડે જણાવ્યું હતું કે ‘૧ જુલાઈ ૨૦૨૧થી ૫૦ લાખ રૂપિયા સુધીની હોમ લોન પર ૬.૬૬ ટકા ઑફર કરવામાં કંપની અગ્રેસર હતી અને હવે તેણે બે કરોડ રૂપિયા સુધીની લોન માટે સમાન દર રાખ્યો છે. આ પગલા દ્વારા વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કંપનીએ પ્રોસેસિંગ ફી પણ મહત્તમ ૧૦,૦૦૦ રૂપિયા અથવા લોનની રકમના ૦.૨૫ ટકા એ બન્નેમાંથી જે રકમ વધારે હોય એ રાખી છે.

business news