વર્ષ સારું જ છે એવા આત્મવિશ્વાસથી ચાલો આપણે ૨૦૨૧ને વધાવી લઈએ

04 January, 2021 12:45 PM IST  |  Mumbai | Jitendra Sanghvi

વર્ષ સારું જ છે એવા આત્મવિશ્વાસથી ચાલો આપણે ૨૦૨૧ને વધાવી લઈએ

પ્રતીકાત્મક તસવીર

માત્ર ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં યાદગાર બની રહે એવા ૨૦૨૦ના વર્ષે આખરે વિદાય લીધી છે. માનવસૃષ્ટિએ રાહતનો દમ ખેંચ્યો છે. સામાન્ય મુશ્કેલીઓવાળું વર્ષ પણ પૂરું થાય એટલે નિરાંત લાગે અને આપણે નવા વર્ષના સ્વપ્ન જોવા માંડીએ.

તો ૨૦૨૦ના વર્ષે તો જગત પર કાળો કેર વર્તાવ્યો છે. આપત્તિઓની વણઝાર ખડી કરી દીધી છે. સમગ્ર જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખનાર વર્ષની વિદાય વિશેષ મહત્ત્વની બની રહે તે સ્વાભાવિક છે. તો પણ વિશ્વમાં સતત વધી રહેલા કેસોએ અને કોરોનાથી અનેકગણી વધુ ઝડપે ફેલાનાર વાઇરસે રંગમાં ભંગ પાડે તેમ ૨૦૨૧ના આગમનની ઉજવણીના માહોલને સીમિત રાખ્યો છે. સૌપ્રથમ  બ્રિટનમાં દેખાયેલ નવો વાઇરસ અતિ ઝડપે અન્ય દેશોમાં પણ ફેલાવા માંડ્યો છે. ભારતમાં પણ તેની ધીમી શરૂઆત થઈ છે. આમ જોવા જઈએ તો કોરોનાની શરૂઆત પણ એવી ધીમી જ હતી અને જોતજોતામાં દાવાનળની જેમ તેણે સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઈ લીધેલ. એટલે આપણને હવે જોખમ લેવું પરવડે તેમ નથી. 

સામાન્ય રીતે મોટી આફત કે મુશ્કેલી થોડા સમય માટે લોકોના મોટા સમુદાયને આંચકો આપે કે લાંબા સમય માટે નાના સમુદાયને, પણ કોરોનાની મહામારીએ તો એક વર્ષ જેટલા લાંબા સમય માટે સમગ્ર માનવજાત પર તેનો પંજો ફેલાવ્યો છે. એટલું જ નહીં ૨૦૨૦ના વર્ષે વિદાય લીધી છે, કોરોનાની મહામારીએ નહીં. માનવજાતને તેમાંથી સંપૂર્ણપણે મુક્ત થતાં તો પાંચ વર્ષ જેટલો લાંબો સમય  પણ લાગી શકે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયરોમાં  સુષુપ્ત અવસ્થામાં પડેલ અનેક વાઇરસ બહાર આવીને બીમારી ફેલાવી શકે. એટલે આપણે આવા વિવિધ પ્રકારના વાઇરસ  સાથે જીવતા શીખી જવું પડે. ડર રાખવાની જરૂર નથી તો છૂટ લેવાય તેમ પણ નથી કે પૂરેપૂરી સાવધાની રાખ્યા સિવાય ચાલે તેમ પણ નથી. 

કોરોનાની પૉઝિટિવિટી ઓછી થાય કે ન થાય, માનસિક પૉઝિટિવિટી વધારવી પડશે જે કોરોના કે તેના જેવા બીજા વાઇરસ સામે ઝઝૂમવા માટેની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પ્રદાન કરી શકે તેમ છે.

૧૯૧૮ના સ્પેનિશ ફ્લુ પછી એટલે કે સો વર્ષના સમય પછી વિશ્વના બધા દેશોએ (આંગળીના વેઢે ગણી  શકાય તેટલા દેશો સિવાય) આ  અપવાદરૂપ વિકટ સમસ્યાનો સામનો કર્યો છે. સ્પેનિશ ફ્લુનો ભૌગોલિક વ્યાપ પણ કદાચ હાલની મહામારી કરતાં ઓછો હતો. જોકે માત્ર ભારતમાં જ સ્પેનિશ ફ્લુએ અઢી કરોડ લોકોનો ભોગ લીધેલ. સમગ્ર વિશ્વમાં પાંચથી સાત કરોડની વચ્ચે. આજની મહામારીને એ સંદર્ભમાં મૂલવીએ તો તેની ભયાનકતા ઓછી લાગે,

પણ વૈશ્વિક અર્થતંત્રને પડેલ અકલ્પનીય ફટકાએ તો ૧૯૩૦ની આર્થિક મંદીની યાદ અપાવી દીધી. ૨૦૨૦ના વર્ષે ભારત સહિત અનેક દેશોને આર્થિક મંદીનો અનુભવ કરાવ્યો. ૨૦૦૮-૦૯ની વિશ્વની આર્થિક અને નાણાકીય કટોકટી કરતાં પણ હાલની આર્થિક સ્થિતિ નાજૂક ગણી શકાય.

આ બધા નુકસાન વચ્ચે અનેક કંપનીઓએ કોરોના વૅક્સિનની ટૂંક સમયમાં કરેલ રિસર્ચ દાદ માગી લે તેવી છે. ભારતમાં પણ તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. જોકે આ વૅક્સિનની પૂરતા  પ્રમાણમાં ઉપલબ્ધિ, અસરકારકતા (ઇફેક્ટિવનેસ), સલામતી અને આડઅસર જેવી અનેક સમસ્યાઓ આપણી સામે ઊભી જ છે.

૨૦૨૧ની સાલને, સારા અને સાચા અર્થમાં યાદગાર બનાવવી હોય તો આજે નહીં તો કાલે કોરોના કે તેના જેવા બીજા વાઇરસ ખતમ થવાના જ છે. 

એવા આત્મવિશ્વાસ સાથે તે ખતમ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી નિભાવવા દ્વારા જ આપણી આજની આર્થિક સમસ્યાઓને હલ કરીને ‘બૅક ટુ નોર્મલ’ ભણી આગળ વધી શકીશું.

૨૦૨૧માં દેશનું અને વિશ્વનું અર્થતંત્ર સુધરશે એવો આશાવાદ અસ્થાને નથી. ૨૦૨૦માં અર્થતંત્રને જે નુકસાન પહોંચ્યું તે અભૂતપૂર્વ છે. એટલે નીચા બૅઝ પર થતી રિકવરી નાની હોય તો પણ મોટી દેખાય. સવાલ છે આ રિકવરી કેટલા પ્રમાણમાં થશે અને તેની શરૂઆત કયારે થશે.

મુખ્ય આર્થિક પેરામિટર્સની હલચલ એક જ દિશાની નથી. એટલે ૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં સરકાર અસરકારક માગને વધારવા માટે કેવાં પગલાં લે છે જેનાથી મધ્યમ વર્ગની આવકમાં વધારો થાય તેના પર આપણા આર્થિક વિકાસનો મોટો આધાર રહેવાનો.

ગરીબોને અને છેવાડાના વર્ગને કૅશ અથવા કાઇન્ડ (રોકડ સહાય કે અનાજ-રૅશન આદિની સહાય)માં સરકાર તરફથી મદદ મળી, નાના અને મધ્યમ ઉદ્યોગોને સરકારની ગેરંટીવાળી થોડીઘણી લોનો મળી. તો બીજી બાજુ ખાનગી ક્ષેત્રે નાના-મોટા નોકરિયાત વર્ગની નોકરીઓ છીનવી લીધી, તો કેટલાયે કિસ્સાઓમાં તેમના પગારની આવક અડધી થઈ ગઈ છે. એટલે આ વર્ગને કરવેરા જેવા કોઈ પણ સ્વરૂપમાં રાહત આપીને તેમની આવક વધે તેવાં પગલાં લેવાં જોઈએ તો જ અર્થતંત્રમાં માગ વધે.

સરકારે માળખાકીય સવલતો માટેના મોટા પ્રોજેકટો માટેનું મૂડીરોકાણ ખર્ચ વધારવું પડશે, તો જ દેશમાં રોજગારીનું સર્જન થશે, તે થકી લોકોની આવક વધશે અને અસરકારક માગ પણ. કેન્દ્રીય પ્રધાન મંડળે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેકટોને મંજૂરી આપી છે તે આ દિશાનું પગલું છે અને તેથી આવકાર્ય પણ. આર્થિક વિકાસના ઐતિહાસિક ઘટાડાને કારણે અર્થતંત્રને ભારે નુકસાન થયું છે, પણ ઘણા બધા દેશોની કેન્દ્રવર્તી બૅન્કોની મોનેટરી-ક્રેડિટ પૉલિસીને કારણે સિસ્ટમમાં રોકડ રકમ  (લિક્વિડીટી) વધી છે. ઉપરાંત નીચા વ્યાજના દરોને કારણે અનેક દેશોમાંથી મૂડીરોકાણ ઊભરતા દેશોના સ્ટૉક માર્કેટ ભણી વધ્યું છે. ભારતને એનો મોટો ફાયદો થયો છે અને ૨૦૨૦માં ૨૫ બિલ્યન ડૉલર જેટલું વિદેશી પોર્ટફોલિયોનું મૂડીરોકાણ ભારતમાં આવ્યું છે જેને કારણે સેન્સેક્સ ૧૬ ટકાના વધારા સાથે આજે ઐતિહાસિક ઊંચાઈ પર છે. વૅક્સિનની ઝડપી શોધ અને ભારતમાં ઝડપી રિકવરીની આશાએ પણ તેમાં ભાગ ભજવ્યો છે. જેણે હાઈ નેટવર્થવાળા વ્યક્તિઓ-કંપનીઓની મૂડીમાં વધારો કર્યો છે. આમ સાધનસંપન્ન અને સાધનવિહોણા વર્ગ કે મધ્યમ વર્ગ વચ્ચેની આર્થિક અસમાનતા ગયે વર્ષે વધી છે. ૨૦૨૧માં આ પરિસ્થિતિમાં બદલાવ લાવવો પડશે. નહીં તો દેશમાં સામાજિક તણાવ અને અનરેસ્ટ જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે. કિસાનોના ૪૦-૪૫ દિવસ લાંબા આંદોલનનો બન્ને પક્ષોની વાટાઘાટની શરૂઆત પછી પણ અંત નજરે પડતો નથી જે હાલના તણાવમાં વધારો કરી શકે. 

અર્થતંત્રની તાકાતની વાત કરીએ તો સ્ટૅમ્પ ડયુટીના ઘટાડાને કારણે ડિસેમ્બર મહિને મુંબઈમાં થયેલ રેકૉર્ડ ૧૯,૦૦૦ કરતાં વધુ ફ્લૅટના દસ્તાવેજો, ૨૦૨૦-૨૧ના પ્રથમાર્ધમાં ભારતમાં આવેલ ૩૦ બિલ્યન ડૉલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ, ૫૮૧ બિલ્યન ડૉલરનું વિદેશી હૂંડિયામણ, ડિસેમ્બર મહિને સતત ત્રીજે મહિને વધેલ જીએસટીની આવક (૧.૧૫ લાખ કરોડ રૂપિયા) અને વર્તમાન કરન્ટ અકાઉન્ટ સરપ્લસનો સમાવેશ કરી શકાય.

બીજી તરફ કૉર સૅકટર (આઠ ઉદ્યોગો જેનું ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪૦ ટકા વેઇટેજ છે) ના ઇન્ડેકસમાં નવેમ્બરમાં સતત નવમે મહિને થયેલ ઘટાડો, નિકાસોનો નબળો દેખાવ, છૂટક ભાવાંકનો લગભગ સાત ટકા (રિઝર્વ બૅન્કની ઉપરની મર્યાદા છ ટકા)નો વધારો, ઊંચી ફિસ્કલ ડેફિસિટ, બેરોજગારી, ગરીબી અને કૂપોષણમાં વધારો અર્થતંત્રનાં નબળાં પાસાં છે.

મહામારીમાં વિશ્વમાં ૧૮ લાખથી વધુ લોકોએ જિંદગી ગુમાવી છે (ભારતમાં દોઢ લાખ લોકોએ). લાખો લોકો બેરોજગાર થયા છે, ગરીબોની સંખ્યા વધી છે. ગામડાઓનું અર્થતંત્ર વધુ કથળ્યું છે. ૨૦૨૧માં આ પરિસ્થિતિમાં બદલાવ આવવાની અપેક્ષા છે.

૨૦૨૧ અને પછીના વર્ષોમાં રોજગારીના ક્ષેત્રો અને પ્રકારો બદલાશે. આર્થિક ક્ષેત્રે ઘણા બધા ‘નવા નોર્મલ’ પ્રસ્થાપિત થશે. મહામારીએ બદલાતી પરિસ્થિતિમાં એડજસ્ટ થવાની ધીરજ, કુશળતા અને તાકાત બક્ષ્યા છે તેના અમલ થકી ૨૦૨૧ પાસેથી ઘણી મોટી આશા રાખી શકાય. મહામારીની સૌથી મોટી શીખ એ છે કે વિજ્ઞાન અને ટેક્નૉલૉજીએ ગમે તેટલી મોટી હરણફાળ ભરી હોય અને ભવિષ્યમાં તે ગમે તેટલી વધુ ઝડપે વિકસે તો પણ કુદરતના નિયમોની ઐસીતૈસી કરીને અપનાવેલ લાઇફસ્ટાઇલ બદલીને જ મહામારી સામેના જંગમાં જીત મેળવી શકાશે. જાણીતા છતાં અજાણ્યા (જોખમ તરીકેની જાણ પણ એના કદથી અજાણ) એવા ઘણાબધા ‘જો’ અને ‘તો’ વચ્ચે ભરપૂર આત્મવિશ્વાસ અને સખત મહેનતનો અન્ય વિકલ્પ નજરે પડતો નથી. પડકારને તકમાં ફેરવવાનો આ અવસર ચૂકવાની મોટી કિંમત ચૂકવવી ન પડે એ જોવાની સંયુક્ત જવાબદારી સરકાર સાથે પ્રજાની પણ છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news