નવ દિવસમાં દેવીનાં નવ સ્વરૂપ પાસેથી શીખવાના બોધપાઠ

26 September, 2022 04:40 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

નવરાત્રિમાં નાણાકીય બાબતોની નવી જાણકારી સાથે આગળ વધીને દશેરાનું શુભમુહૂર્ત ઊજવાય એવી શુભકામના. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

નવરાત્રિના પ્રથમ દિવસે લેખ પ્રગટ કરવા મળે એનાથી વધુ સારું શું હોય? શક્તિનાં નવ રૂપના આ દિવસો આપણને આર્થિક દૃષ્ટિએ કયા બોધપાઠ આપે છે એના વિશે વિચાર કરતાં-કરતાં અહીં જણાવ્યા પ્રમાણેના મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા છેઃ

દિવસ  ૧ – મા શૈલપુત્રી

પર્વતની પુત્રી તરીકે ઓળખાતાં આ માતા જાગરૂકતા સૂચવે છે. પર્વત દર્શાવે છે કે જે મૂળથી મજબૂત હોય એ શિખર સર કરી શકે છે. આર્થિક દૃષ્ટિએ આપણાં મૂળ એટલે નાણાકીય લક્ષ્યોનું નિર્ધારણ. આ લક્ષ્યોના આધારે પહેલાં આયોજન કરવામાં આવે છે અને એની સાથે યોગ્ય સરસામાન એટલે કે ઍસેટ્સમાં કરાયેલાં રોકાણોની મદદથી સમૃદ્ધિનું શિખર સર કરી શકાય છે.

દિવસ ૨ – મા બ્રહ્મચારિણી

આ માતા શાંતિ અને સમર્પણનું પ્રતીક છે. કોઈ પણ સંજોગોમાં વિચલિત થવું નહીં એવો બોધ તેઓ આપે છે. આપણે પોતાનાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત કર્યા બાદ નાણાકીય શિસ્ત અપનાવીને પોતાના માર્ગ પરથી વિચલિત થઈએ નહીં એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. શિસ્તબદ્ધ રીતે કરાતું રોકાણ નિશ્ચિતપણે સંપત્તિસર્જન તરફ દોરી જાય છે. એના માટે સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ખૂબ જ ઉપયોગી થાય છે. 

દિવસ ૩ – મા ચંદ્રઘંટા

૧૦ હાથવાળાં આ માતાજી કોઈ પણ પડકારનો સામનો કરવા માટેની હરપળની સજ્જતા દર્શાવે છે. બજારમાં ટૂંકા ગાળા માટે આવતી ઊથલપાથલોનો સામનો કરીને પોતાના રોકાણના માર્ગ પર ટકી રહેવું એવો બોધ એમના પરથી મળે છે. રોકાણકાર પોર્ટફોલિયોના ડાઇવર્સિફિકેશન દ્વારા આ સજ્જતા કેળવી શકે છે.

દિવસ ૪ – મા કુષ્માંડા

મા કુષ્માંડાએ અંધકારમય સૃષ્ટિમાં પ્રકાશ લાવ્યો હતો. આ જ રીતે વિશ્વસનીય નાણાકીય સલાહકાર રોકાણકારોના માર્ગ પર પ્રકાશ પાથરે છે. રોકાણને લગતું જ્ઞાન દરેકને હોતું નથી. આવી સ્થિતિમાં પ્રામાણિકપણે સલાહ આપનારા લોકોની જરૂર પડે છે. પ્રતિકૂળ સંજોગોમાં રોકાણકારને સાથ-સહકાર આપવાનું પણ તેઓ કામ કરે છે. 

દિવસ ૫ – મા સ્કંદમાતા

તેઓ ભગવાન કાર્તિકેયનાં માતા છે. તેમને રાક્ષસો સામેના યુદ્ધમાં આગેવાની સોંપવામાં આવી હતી. તેઓ નેતૃત્વનો ગુણ શીખવે છે. તેઓ એ બોધ આપે છે કે આપણે પોતાની તમામ નાણાકીય બાબતોમાં આગેવાની લઈને વિશ્વાસપૂર્વક તથા સમજી-વિચારીને નિર્ણયો લેવા જોઈએ. પોતે કેટલું જોખમ ખમી શકે છે, પોતાની નાણાકીય જરૂરિયાતો શું છે અને એ પૂરી કરવામાં કયા અવરોધ આવે છે; એ દરેક વાતની જાણ બીજા કોઈને હોઈ શકે નહીં. આથી નાણાકીય વિષયમાં પૂરતી જાણકારી મેળવીને સમજદારીપૂર્વક રોકાણના નિર્ણયો લેવા જોઈએ. 

દિવસ ૬ – મા કાત્યાયની

માતા કાત્યાયની અનિષ્ટોનો નાશ કરનારાં છે, પરંતુ ઉદાર પણ છે. એમનાથી કંઈ અજાણ રહી શકતું નથી. પોતાની શક્તિનો ઉપયોગ ક્યારે કરવો એની એમને ખબર છે. રોકાણમાં પણ આપણે હંમેશાં સતર્ક રહેવું જોઈએ અને સમય આવ્યે લાગણીઓને બાજુએ રાખીને યોગ્ય નિર્ણય લેવાનો હોય છે. ગેરમાર્ગે દોરનારી અને લોભામણી વાતોનાં અનિષ્ટોનો સંહાર કરીને પોતાના નાણાકીય આયોજનના માર્ગ પર અવિરત ચાલતા રહેવાનો બોધ આ માતા આપે છે.

દિવસ ૭ – મા કાલરાત્રિ

માતા દુર્ગાનું આ ઘણું જ કઠોર રૂપ છે. તેઓ સંજોગો અનુસાર ત્વરિત નિર્ણયો લેવાનો બોધ આપે છે. જોખમ ખમવાની પોતાની શક્તિના આધારે રોકાણના વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય છે. બીજાઓનું અનુકરણ કરવાને બદલે પોતાના સ્વભાવ અને શક્તિ અનુસાર નિર્ણયો લેવાની કઠોરતા અપનાવવાની હોય છે. 

દિવસ ૮ – મા મહાગૌરી

મા દુર્ગાનો સૌમ્ય અવતાર એટલે મા મહાગૌરી. તેઓ સાધકોને તમામ પાપોમાંથી મુક્તિ અપાવે છે. રોકાણકારો માટે નવરાત્રિનો આ આઠમો દિવસ રોકાણના યજ્ઞને પ્રજ્વલિત રાખીને દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખવાનો બોધ આપે છે. રોકાણકારના બધા જ નિર્ણયો પરિપૂર્ણ હોય એવું જરૂરી નથી. આથી એ બધાનો સ્વીકાર કરતાં જઈને ધીરજપૂર્વક સંપત્તિસર્જન કરતાં રહેવું જોઈએ. 

દિવસ ૯ – મા સિદ્ધિદાત્રી

આ માતા અલૌકિક શક્તિઓનું પ્રતીક છે. રોકાણના માર્ગ પર એમની શક્તિઓ લઈને ચાલવાનો બોધ આપણને મળે છે. ધીરજપૂર્વક પોતાના પથ પર અડગ ચાલનારાઓને સિદ્ધિ અચૂક મળે છે.

નવરાત્રિમાં નાણાકીય બાબતોની નવી જાણકારી સાથે આગળ વધીને દશેરાનું શુભમુહૂર્ત ઊજવાય એવી શુભકામના. 

business news