મંદ માગ અને આયાતમાં વધારો થતાં મસૂરના ભાવમાં સતત ઘટાડો

08 December, 2022 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી બાજુ મસૂરની વાવણીમાં વધારો થવાના અહેવાલને લીધે પણ ભાવ પર દબાણ આવ્યું છે

મંદ માગ અને આયાતમાં વધારો થતાં મસૂરના ભાવમાં સતત ઘટાડો

મંદ માગ અને આયાતમાં સતત વધારો થતો હોવાથી મસૂર બજારમાં ભાવ ઘટી રહ્યા છે. બીજી બાજુ મસૂરની વાવણીમાં વધારો થવાના અહેવાલને લીધે પણ ભાવ પર દબાણ આવ્યું છે. છેલ્લાં બે સપ્તાહથી ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.

સરકારી આંકડા અનુસાર મસૂરની વાવણી અત્યાર સુધીમાં ૦.૮૧ ટકા વધીને ૧૩.૩૮ લાખ હેક્ટર થઈ છે. આગામી સમયમાં મસૂરની વાવણી ઉપરાંત આયાત કેટલા પ્રમાણમાં થાય છે એના પર મદાર રાખે છે. સ્થાનિક પાકની બજારમાં આવક ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચની શરૂઆતમાં શરૂ થવાનો અંદાજ છે.

માર્ચ ૨૦૨૩ના અંતથી મસૂર આયાત ડ્યુટીની ડેડલાઇન એટલે કે સમયમર્યાદા પૂરી થશે. જો મસૂરના ભાવ ટેકાના ભાવ (એમએસપી) કરતાં નીચા રહેશે તો સરકાર આયાત પર નિયંત્રણ મૂકી શકે છે. કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં મસૂરનો પૂરતો પાક છે અને ત્યાં ભાવ ૭૦૦ ડૉલરથી ઓછો રહેવાનો અંદાજ છે. મસૂરમાં હાલ મર્યાદિત કામકાજ થઈ રહ્યું છે અને નિષ્ણાતો પણ સલાહ આપી રહ્યા છે કે જરૂર પૂરતો જ વેપાર કરવો.

દરમ્યાન બુધવારે મંદસુર માર્કેટમાં મસૂરની ૫૦ ગૂણીની આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૫૯૦૦-૬૦૫૦ રૂપિયાના સ્તરે હતા, જે મંગળવારની સરખામણીએ ૧૦૦ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.

લલીતપુર બજારમાં ૧૦૦થી ૨૦૦ ક્વિન્ટલની આવક થઈ હતી, પરંતુ ભાવમાં ફેરફાર થયો નહોતો. ઇન્દોરમાં ભાવ મંગળવારની સરખામણીએ ૧૦૦ રૂપિયા ઘટીને પ્રતિ ક્વિન્ટલ ૬૧૦૦-૬૧૫૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. કટની માર્કેટમાં પચીસ રૂપિયા વધીને પ્રતિ ક્વિન્ટલ ૬૫૦૦-૬૫૨૫ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. કાનપુરમાં યુપી અને એમપીના મસૂરના ભાવ સ્થિર છે.
બીના માર્કેટમાં મસૂરની ૪૦૦-૫૦૦ ક્વિન્ટલની આવક થઈ હતી અને ભાવ ૧૦૦ રૂપિયા જેટલા ઘટીને પ્રતિ ક્વિન્ટલ ૫૮૦૦-૬૨૫૦ રૂપિયાના સ્તરે બુધવારે ટ્રેડ થઈ રહ્યા હતા.

દિલ્હીના બજારમાં પણ મસૂરની ૧૮થી ૨૦ મોટરની આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૬૬૭૫ રૂપિયાના સ્તરે બોલાઈ રહ્યા હતા, જ્યારે જબલપુર માર્કેટમાં મસૂરની ૧૦૦ ગૂણીની આવકમાં ભાવ પ્રતિ ક્વિન્ટલ ૫૦૦૦-૫૭૫૦ રૂપિયાના સ્તરે હતા, જે મંગળવારની સરખામણીએ ૫૦ રૂપિયા ઘટ્યા છે.   

business news