મ્યુચ્યુઅલ ફન્ડ અને પીએમએસમાં લાગુ પડતો કરવેરો

21 June, 2022 02:53 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

રોકાણ માટેની લઘુતમ રકમ, રોકાણનો વહીવટ કરવાનો ખર્ચ, પારદર્શકતા, કરવેરા વગેરે બાબતે એમાં ફરક હોય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

રોકાણના ક્ષેત્રે અનેક નિષ્ણાતો કામ કરતા હોય છે. તેઓ પોતાની નિપુણતાનો લાભ રોકાણકારોને આપે છે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફન્ડ અને પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ (પીએમએસ) મારફતે તેઓ પોતાની સેવા આપતા હોય છે. રોકાણ માટેની લઘુતમ રકમ, રોકાણનો વહીવટ કરવાનો ખર્ચ, પારદર્શકતા, કરવેરા વગેરે બાબતે એમાં ફરક હોય છે. જોકે રોકાણકારની દૃષ્ટિએ જોઈએ તો, તેમને ફક્ત કરવેરા છૂટ્યા બાદ મળતા ચોખ્ખા વળતર સાથે જ નિસબત હોય છે. આથી આપણે મ્યુચ્યુઅલ ફન્ડ અને પીએમએસ એ બન્નેને લાગુ પડતા કરવેરા વિશે આજે વાત કરીશું... 

આપણી વાતને ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એપ્રિલ ૨૦૨૧માં જિયાએ મ્યુચ્યુઅલ ફન્ડ ‘એ’માં ૫૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. તેમને દરેક યુનિટના ૧૦૦ રૂપિયાના હિસાબે ૫૦,૦૦૦ યુનિટ મળ્યાં. ફન્ડ મૅનેજરે ૨૫ સ્ટૉક્સના ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં રોકાણ કર્યું હતું. વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન ફન્ડ મૅનેજરે સ્ટૉક ‘એક્સ’ વેચ્યા અને એમાંથી મળેલી રકમનું સ્ટૉક ‘એલ’માં રોકાણ કર્યું. ૨૦૨૨ની ૩૧ માર્ચે તેમના ફન્ડના યુનિટની એનએવી ૧૦૫ રૂપિયા હતી. મ્યુચ્યુઅલ ફન્ડમાં કરાયેલું રોકાણ જ્યારે છૂટું કરવામાં આવે અને એની રકમ રોકાણકારને મળે ત્યારે જ એના પર કરવેરો લાગુ પડે છે; ફન્ડ મૅનેજર કોઈ પણ ખરીદી કે વેચાણ કરે ત્યારે પણ નહીં અને એનએવીમાં ફેરફાર થાય ત્યારે પણ નહીં. જિયાએ મ્યુચ્યુઅલ ફન્ડ ‘એ’માં કરાયેલું રોકાણ છૂટું કર્યું નહીં હોવાથી તેમને નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં કોઈ કરવેરો લાગુ નહીં પડે. 

ધારો કે જિયાએ મે ૨૦૨૨માં મ્યુચ્યુઅલ ફન્ડ ‘એ’નું રોકાણ છૂટું કર્યું અને તેમને રિડમ્પ્શનના ૫૫ લાખ રૂપિયા મળ્યા. તેમણે ૫૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને રિડમ્પ્શનના ૫૫ લાખ મળ્યા. તેમનું રોકાણ એક વર્ષ કરતાં વધારે સમય માટે હોવાથી તેમને મળનારો લાભ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન કહેવાય. આમ, તેમને પાંચ લાખ રૂપિયાનો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન થયો. તેમણે ઉપાડી લીધેલા રોકાણની રકમ પર ૪૧,૬૦૦ રૂપિયાનો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે.

ખુશીએ એપ્રિલ ૨૦૨૧માં પીએમએસ ‘બી’માં ૫૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. પીએમએસ મૅનેજરે ૨૫ સ્ટૉક્સના ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં એ રકમ રોકી. વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન પીએમએસ મૅનેજરે સ્ટૉક ‘વાય’નું ૭.૫ લાખ રૂપિયામાં વેચાણ કર્યું. એ સ્ટૉક ૫ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. તેમણે વેચાણની રકમ જેટલી જ રકમના સ્ટૉક ‘એમ’ની ખરીદી કરી. મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણકારના ડીમૅટ ખાતામાં શૅર આવતા નથી, જ્યારે પીએમએસમાં કોઈ પણ સ્ટૉક્સની ખરીદી અને વેચાણ રોકાણકારના ડીમૅટ ખાતામાંથી કરવામાં આવે છે. ખુશીનું રોકાણ એક વર્ષ કરતાં ઓછા સમય માટે રહ્યું હોવાથી તેમને નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં ૨.૫ લાખ રૂપિયા (સ્ટૉક ‘વાય’ના વેચાણની ૭.૫ લાખ રૂપિયાની રકમમાંથી ખરીદીની ૫ લાખ રૂપિયાની રકમ બાદ કરતાં મળેલો આંકડો)નો શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન થયો કહેવાય. એના પર તેમણે ૩૯,૦૦૦ રૂપિયાનો શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ભરવો પડશે.

હવે, ધારો કે પીએમએસના ફન્ડ મૅનેજરે સ્ટૉક ‘એમ’નું ૧૦ લાખ રૂપિયામાં વેચાણ કર્યું અને એ જ રકમ સ્ટૉક ‘એન’માં રોકી. અહીં પણ તેમણે ૨.૫ લાખ રૂપિયાના શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન (વેચાણની રકમના ૧૦ લાખ રૂપિયામાંથી ખરીદીના ૭.૫ લાખ રૂપિયા બાદ કરતાં મળેલી રકમ) પર ૩૯,૦૦૦ રૂપિયાનો શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ થશે. 

business news