અમેરિકામાં ઇકૉનૉમિક રિકવરીનો વિશ્વાસ વધતાં ડૉલરના સુધારાથી...

13 February, 2021 02:18 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકામાં ઇકૉનૉમિક રિકવરીનો વિશ્વાસ વધતાં ડૉલરના સુધારાથી...

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કોરોના વાઇરસના કેસ સતત ઘટી રહ્યા હોવાથી તેમ જ જૉબલેસ ડેટા ઘટતાં ઇકૉનૉમિક રિકવરીનો વિશ્વાસ વધ્યો હતો. એને કારણે ડૉલર સુધરતાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં એને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૮૦થી ૫૮૨ રૂપિયા ઘટ્યું હતું. જોકે ચાંદી પ્રતિ કિલો ૧૧૧ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકામાં કોરોનાના કેસ છેલ્લા એક અઠવાડિયાથી એક લાખથી ઓછા આવી રહ્યા છે, જે એક તબક્કે રોજના સવાબેથી અઢી લાખ આવી રહ્યા હતા. અમેરિકામાં વૅક્સિનેશન પ્રોગ્રામ ઝડપથી આગળ વધી રહ્યો હોવાથી હવે ઇકૉનૉમિક રિકવરીનો વિશ્વાસ વધતાં ડૉલર સુધર્યો હતો. વળી વીતેલા સપ્તાહ દરમ્યાન અમેરિકાના જૉબલેસ ક્લેમ છેલ્લાં ચાર સપ્તાહની નીચી સપાટીએ પહોંચતાં જૉબ માર્કેટમાં પણ સુધારો થવાની આશા વધી હતી. ડૉલરના સુધારાને પગલે સોનું અને ચાંદી વર્લ્ડ માર્કેટમાં ઘટ્યાં હતાં. જોકે સોનું શુક્રવાર સુધીમાં ચાલુ સપ્તાહે નજીવું સુધર્યું હતું, કારણ કે સપ્તાહના શરૂઆતના દિવસોમાં સોનામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. પ્લૅટિનમના ઊંચા મથાળે વેચવાલી આવતાં ભાવ પ્રત્યાઘાતી ઘટ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના જૉબલેસ ક્લેમ વીતેલા સપ્તાહમાં ૭.૯૩ લાખ આવ્યા હતા, જે અગાઉના સપ્તાહે ૮.૧૨ લાખ હતા. વળી વીતેલા સપ્તાહે જૉબલેસ ક્લેમ છેલ્લાં ચાર સપ્તાહની નીચી સપાટીએ પહોંચતાં ડૉલર સુધર્યો હતો. ભારતનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ડિસેમ્બરમાં એક ટકો વધ્યું હતું જે નવેમ્બરમાં ૨.૧ ટકા ઘટ્યું હતું તેમ જ માર્કેટની ધારણા પણ ૦.૨ ટકા ઘટાડાની હતી એની સામે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન વધ્યું હતું. ભારતનું ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ઘટીને ૧૬ મહિનાના તળિયે ૪.૦૬ ટકાએ પહોંચ્યું હતું, જે ડિસેમ્બરમાં ૪.૫૯ ટકા હતું. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બેથી છ ટકા વચ્ચે ઇન્ફ્લેશન રહેવાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રિટનનો ગ્રોથરેટ ૨૦૨૦ના ચોથા ક્વૉર્ટરમાં ૭.૮ ટકા ઘટ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૮.૭ ટકા ઘટ્યો હતો. બ્રિટનની એક્સપોર્ટ ડિસેમ્બરમાં એક ટકો વધીને ૯ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી, જ્યારે ઇમ્પોર્ટ પણ ૦.૧ ટકો વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી. સોનાના વપરાશમાં ભારતનો ક્રમ વિશ્વમાં બીજા ક્રમે હોવાથી ભારતના ઇકૉનૉમિક ડેટામાં આવેલો સુધારો આગામી દિવસોમાં ફિઝિકલ ડિમાન્ડ વધવાના સંકેત આપે છે જે સોનાની તેજીને સપોર્ટ કરશે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજ બાદ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે મોટા ફન્ડની મંજૂરી મેળવવાની તૈયારી કરી રહ્યા છે. બાઇડનના ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજને હજી સેનેટની મંજૂરી મળી નથી જે આગામી સપ્તાહે મળવાની ધારણા છે. આ ઉપરાંત યુરોપિયન દેશોમાં કોરોનાના કેસ ધીમે-ધીમે કન્ટ્રોલમાં આવી રહ્યા છે. બ્રિટન, ફ્રાન્સ, સ્પેનમાં ૧૦,૦૦૦થી ઓછા અને જર્મનીમાં ૫૦૦૦થી ઓછા સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. આમ સોના-ચાંદીની માર્કેટ માટે આગામી બે મહિના નિર્ણાયક સાબિત થવાના છે. છેલ્લાં બે સપ્તાહમાં સોનું વધારે પડતું ઘટી ગયું હોવાથી હવે વધુ ઘટાડાની શક્યતા નથી, પણ સોનામાં મોટી તેજી થવા માટેનાં હાલમાં કોઈ કારણ દેખાતાં ન હોવાથી સોનું મોટા ભાગે રેન્જબાઉન્ડ ૧૭૮૦થી ૧૮૫૦ ડૉલર વચ્ચે રહેવાની શક્યતા વધુ છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૭,૩૮૬

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૧૯૬

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૮,૩૭૭

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news