સોનું સાત મહિનાના તળિયેથી સુધર્યું: કૉપરની તેજીના સથવારે ચાંદી પણ વધી

23 February, 2021 11:36 AM IST  |  Mumbai | Mayur Mehta

સોનું સાત મહિનાના તળિયેથી સુધર્યું: કૉપરની તેજીના સથવારે ચાંદી પણ વધી

પ્રતીકાત્મક તસવીર

કોરોના-વૅક્સિનને પગલે વિશ્વમાં સંક્રમિત કેસની સંખ્યામાં ઘટાડો અને અનેક દેશોના ઇકૉનૉમિક રિકવરીના પ્રોત્સાહક ડેટાને પગલે સોનું ગયા સપ્તાહે ઘટીને સાત મહિનાના તળિયે પહોંચ્યું હતું. વધુ પડતા ઘટાડાને પગલે નીચા ભાવે લેવાલી નીકળતાં સોનું સોમવારે સુધર્યું હતું, જ્યારે કૉપરના ભાવ ૧૦ વર્ષની ઊંચાઈએ પહોંચતાં એના સપોર્ટથી ચાંદી પણ સવા ટકો વધી હતી. મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૪૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૫૬ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહો

સોનું સતત ઘટ્યા બાદ સોમવારે નીચા મથાળેથી સુધર્યું હતું. ગયા શુક્રવારે વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૭ મહિનાના તળિયે ૧૭૫૬.૨૯ ડૉલરે પહોંચ્યું હતું. ૨૦૨૧ના આરંભથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧૮૬.૭૧ ડૉલરનો એટલે કે લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયા બાદ સોનું હવે ધીમે-ધીમે ૧૮૦૦ ડૉલર તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા મુકાયેલું ૧.૯ ટ્રિલ્યન ડૉલરનું રિલીફ પૅકેજ ચાલુ સપ્તાહના અંતે મંજૂર થવાની ધારણા છે. ઉપરાંત ફેડ પ્રેસિડન્ટ જેરોમ પૉલ અમેરિકન કૉન્ગ્રેસ સમક્ષ સેમી ઍન્યુઅલ મૉનેટરી રિપોર્ટ મંગળવારે રજૂ કરશે જેમાં ટ્રેઝરી યીલ્ડ સતત વધી રહ્યા હોવાથી એને કાબૂમાં લેવા કોઈ પગલાંની જાહેરાત કરે એવી શક્યતાને પગલે સોનામાં નીચા મથાળેથી લેવાલી શરૂ થઈ હતી. સોનાના સથવારે ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો પ્રોવિઝનલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૯.૨ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને ૬ વર્ષની ઊંચાઈએ ૫૮.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૭.૬ પૉઇન્ટ હતો. અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં જાન્યુઆરીમાં ૦.૬ ટકાનો વધારો નોંધાયો હતો જે સતત બીજા મહિને વધારો થયો હતો. એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં વાર્ષિક ૨૩.૭ ટકાનો વધારો નોંધાયો હતો તેમ જ એક્ઝિસ્ટિંગ હોમના ભાવ પણ જાન્યુઆરીમાં ૧૪.૧ ટકા વધ્યા હતા. અમેરિકામાં રિલીફ પૅકેજ બાદ એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં મોટો ઉછાળો આવવાની શક્યતા રિયલ એસ્ટેટ એક્સપર્ટ બતાવી રહ્યા છે. બિટકૉઇનના ભાવ ઇન્ટરનૅશનલ માર્કેટમાં ફરી ઑલટાઇમ હાઈ સપાટી ૫૭,૦૦૦ ડૉલરને પાર કરી ગયા હતા. અમેરિકાના ઇકૉનૉમિક ઇન્ડિકેટર સ્ટ્રૉન્ગ હોવાથી સોનામાં તેજી થવાના ચાન્સ ધૂંધળા હોવાના સંકેત મળી રહ્યા છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ચીને ઑફિશ્યલી અમેરિકાને અપીલ કરી હતી કે ડોનલ્ડ ટ્રમ્પના શાસનમાં બન્ને દેશો વચ્ચેના બિઝનેસ રિલેશનમાં મોટી દરાર પડી હતી એને સુધારવા માટે નવેસરથી વાતચીત ચાલુ કરવામાં આવે. અમેરિકા-ચીન વચ્ચેના બિઝનેસ રિલેશન નવેસરથી શરૂ થવાની દિશામાં આ અપીલ મહત્ત્વની માનવામાં આવે છે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-રિલેશન વધુ મજબૂત બનશે તો સોનામાં તેજીના ચાન્સ ઘટશે. ચાલુ સપ્તાહે અમેરિકાના ફોર્થ ક્વૉર્ટરના ગ્રોથરેટના ડેટાનું સેકન્ડ એસ્ટિમેટ રજૂ થશે. આ ઉપરાંત ભારત, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલૅન્ડ સહિત અનેક દેશોના ગ્રોથરેટના ડેટાની સાથે અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સના ડેટા, પર્સનલ ઇન્કમ અને યુરો એરિયાનો બિઝનેસ સર્વે રજૂ થશે. આ તમામ ઇકૉનૉમિક ડેટાની અસર સોનાના શૉર્ટ ટર્મ ભાવિ પર જોવા મળશે. કોરોનાના કેસ રવિવારે નૉર્થ અમેરિકન દેશો, સાઉથ અમેરિકન દેશો અને યુરોપિયન દેશોમાં ઘટ્યા હતા. જો આગામી દિવસોમાં વધુ કેસ ઘટશે તો સોનાનું લૉન્ગ ટર્મ ભાવિ નિરાશાજનક રહેશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૪૬,૬૪૯

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૪૬,૪૬૨

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૬૯,૩૭૦

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news