સ્ટૉક માર્કેટની બેસુમાર તેજી અને વૉલેટિલિટી ઇન્ડેક્સ એક વર્ષના તળિયે

16 February, 2021 01:06 PM IST  |  Mumbai | Mayur Mehta

સ્ટૉક માર્કેટની બેસુમાર તેજી અને વૉલેટિલિટી ઇન્ડેક્સ એક વર્ષના તળિયે

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક માર્કેટમાં બેસુમાર તેજી સામે અમેરિકાનો વૉલેટિલિટી ઇન્ડેક્સ એક વર્ષના તળિયે પહોંચતાં સોનું વર્લ્ડ માર્કેટમાં ઘટ્યું હતું, જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૫ રૂપિયા ઘટ્યો હતો. જોકે ચાંદી પ્રતિ કિલો ૧૧૩૭ રૂપિયા ઊછળી હતી.

વિદેશી પ્રવાહો

વર્લ્ડમાં વિવિધ ફાઇનૅન્શિયલ માર્કેટમાં જોખમ, ગભરાટ અને તનાવને કારણે ઊભી થતી અનિશ્ચિતતાને બતાવતો સીબીઓઈ (શિકાગો બોર્ડ ઑપ્શન એક્સચેન્જ)નો વૉલેટિલિટી ઇન્ડેક્સ ગયા સપ્તાહે એક વર્ષના તળિયે પહોંચ્યો હતો, કારણ કે કોરોના વૅક્સિનેશન પ્રોગ્રામ ધારણા કરતાં વધુ સફળતાથી આગળ વધી રહ્યો છે અને ભારત સહિત અનેક દેશોમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. વૉલેટિલિટી ઇન્ડેક્સ તૂટતાં વર્લ્ડનો સ્ટૉક ઇન્ડેક્સ સોમવારે સતત ૧૧મા સેશનમાં વધ્યો હતો. સોનાનો સંબંધ હંમેશાં જોખમો, અનિશ્ચિતતા અને ગભરાટ સાથે જોડાયેલો હોવાથી આ તમામ બાબતો ઘટી રહી હોવાથી સોનું પણ ઘટી રહ્યું છે. સોનું પણ સોમવારે ઘટ્યું હતું. અમેરિકા સહિત અનેક દેશોમાં વધી રહેલા ઇન્ફ્લેશનનો સપોર્ટ સોનાની તેજીને મળ્યો નથી, કારણ કે વર્લ્ડના તમામ સ્ટૉક ઇન્ડેક્સ સતત વધી રહ્યા છે. બિટકૉઇનના ભાવ પણ અઢી ટકા ઘટ્યા હતા. આથી બિટકૉઇનની તેજીનો સપોર્ટ પણ સોનાને મળ્યો નહોતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ારતનો હોલસેલ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૨.૦૩ ટકા વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. હોલસેલ ઇન્ડેક્સ ડિસેમ્બરની સરખામણીમાં ૧.૨૨ ટકા વધ્યો હતો. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ડિસેમ્બરમાં એક ટકો ઘટ્યું હતું, જે નવેમ્બરમાં ૦.૫ ટકા ઘટ્યું હતું તેમ જ પ્રિલિમનરી એસ્ટિમેટમાં ૧.૬ ટકા ઘટ્યું હતું. જપાનનો ચોથા ક્વૉર્ટરનો ગ્રોથરેટ ત્રણ ટકા વધ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટરમાં ૫.૩ ટકા વધ્યો હતો. અમેરિકાનું કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ફેબ્રુઆરીમાં ઘટીને છ મહિનાના તળિયે ૭૬.૨ પૉઇન્ટે પહોંચ્યું હતું, જે જાન્યુઆરીમાં ૭૯ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા ૮૦.૮ પૉઇન્ટની હતી. ઇકૉનૉમિક ઇન્ડિકેટર સોનાની માર્કેટ માટે મિક્સ હતાં. અમેરિકાના કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ડેટા આગળ જતાં ડૉલરને ઘટાડી શકે છે, જે સોનાની તેજી માટે પૉઝિટિવ બની શકે છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જી-૭ની બેઠકમાં દરેક દેશોના ફાઇનૅન્સ મિનિસ્ટરોને કોરોનાની સ્થિતિથી બહાર આવવા ફિઝિકલ સ્ટીમ્યુલેસ લાવવાની અપીલ કરી હતી. જેનેટ યેલેનની દલીલ હતી કે આ પ્રકારના ફિઝિકલ સ્ટીમ્યુલેસથી ફાઇનૅન્શિયલ રિકવરી ઝડપી થશે. જેનેટ યેલેનની અપીલથી આગામી દિવસોમાં દરેક દેશમાં ઇઝી મનીનો ફ્લો વધશે, હાલમાં પણ ઇઝી મની ફ્લો સતત વધી રહ્યો છે, પણ એની અસરે વર્લ્ડના મોટા ભાગના સ્ટૉક ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચીને પણ સતત ઊંચે જઈ રહ્યા છે. ઇઝી મની ફ્લોની અસરથી અગાઉ સોનામાં તેજી જોવા મળતી હતી, કારણ કે સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સતત વધી રહ્યું છે. હાલમાં ફાઇનૅન્શિયલ માર્કેટમાં જોખમ, અનિશ્ચિતતા અને ગભરાટ ઝડપથી ઘટી રહ્યાં હોવાથી સોનાની તેજી માટે કોઈ નવું કારણ ન આવે ત્યાં સુધી સોનાની માર્કેટમાં શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ પ્રોજેક્શન મોટી તેજીનું નથી. સોનું વધુ પડતું ઘટશે ત્યારે સુધારો આવી શકે છે, પણ સળંગ તેજી આવવાની કોઈ શક્યતા દેખાતી નથી.

business news