સોનાએ ૧૭૦૦ ડૉલરની સપાટી તોડી

06 March, 2021 10:29 AM IST  |  Mumbai | Mayur Mehta

સોનાએ ૧૭૦૦ ડૉલરની સપાટી તોડી

પ્રતીકાત્મક તસવીર

ફેડના ચૅરમૅન જેરોમ પોવેલે અમેરિકી ટ્રેઝરી યીલ્ડની સતત આગળ વધતી તેજીને સ્વાભાવિક ગણીને એને રોકવાનો ઇનકાર કરતાં અમેરિકી ડૉલર મજબૂત બન્યો હતો અને સોનામાં વેચવાલીનો દોર આગળ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૧૭૦૦ ડૉલરની સપાટી તોડી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ૯ મહિનાના તળિયે અને ભારતીય માર્કેટમાં સોનું ૧૧ મહિનાના તળિયે પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૨૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૯૮ રૂપિયા તૂટી હતી.

વિદેશી પ્રવાહો

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ જૉબ સમિટમાં ફેડ ચૅરમૅન જેરોમ પોવેલના વક્તવ્ય પછી સોનામાં તેજી થવાની રહીસહી આશા પર પાણી ફરી વળ્યું હતું. ફેડના ચૅરમૅનના વક્તવ્ય બાદ સોનું ઘટીને ૧૭૦૦ ડૉલરની સપાટીની અંદર ચાલ્યું ગયું હતું. જેરોમ પોવેલે જણાવ્યું હતું કે અમેરિકન ટ્રેઝરી બૉન્ડના યીલ્ડમાં થઈ રહેલો વધારો નોંધપાત્ર છે, પણ એ અસામાન્ય નથી અને ફેડ ટ્રેઝરી યીલ્ડના વધારાને રોકવા કોઈ પગલાં લેવા માગતું નથી. જેરોમ પોવેલના વક્તવ્ય પછી ટ્રેઝરી યીલ્ડ વધીને ૧.૫૭ ટકા થયા થયા હતા અને કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. સોનાના ભાવમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો થઈ રહ્યો છે. સોનું ઘટતાં એની પાછળ ચાંદી પણ ઘટી હતી. ચાંદી ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં પાંચ ટકા ઘટી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના પૉલિસી મેકરે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટથી ઇકૉનૉમિક ગ્રોથ થવાને બદલે ઘટી રહ્યો હોવાનું નિવેદન કરતાં બ્રિટિશ પાઉન્ડ ઘટીને ત્રણ સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. યુરોપિયન દેશોમાં કોરોના-વૅક્સિનેશન અન્ય દેશો કરતાં ધીમું હોવાની કમેન્ટને પગલે યુરોનું મૂલ્ય ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. બૅન્ક ઑફ જપાનના ચૅરમૅન હરુહિકો કુરોડાએ લૉન્ગ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ ટાર્ગેટને બદલાવવાનો ઇનકાર કરતાં જૅપનીઝ યેનનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ૯ મહિનાના તળિયે પહોંચ્યું હતું.  યુરો-પાઉન્ડ અને જૅપનીઝ યેન ગગડતાં અમેરિકી ડૉલરને વધુ મજબૂતી મળી હતી. ચીનના પ્રીમિયરે ૨૦૨૧ના ગ્રોથ ટાર્ગેટ ૬ ટકા, ઇન્ફલેશન ટાર્ગેટ ૩ ટકા અને બજેટ ડેફિસિટ ટાર્ગેટ ૩.૨ ટકાનો મૂક્યો હતો. ૨૦૨૧માં ૧.૧૦ કરોડ નવી નોકરીઓ ઊભી કરવાનું લક્ષ્ય મૂક્યું હતું. ચીને ડિફેન્સ બજેટમાં ૬.૮ ટકાનો વધારો કર્યો છે. ડિફેન્સ બજેટનો વધારો દક્ષિણ સમુદ્રી વિસ્તારમાં અમેરિકી આક્રમણના ભયનો સામનો કરવા કર્યો હોવાનું ચાઇનીઝ મીડિયા જણાવી રહ્યું છે. અમેરિકન ઇકૉનૉમિક ગ્રોથમાં ઝડપી રિકવરી સામે સ્પર્ધાત્મક કરન્સીની નબળાઈથી ડૉલર વધુ મજબૂત બની રહ્યો છે જે સોનાની તેજી માટે નેગેટિવ છે. ચીને ડિફેન્સ બજેટમાં કરેલા વધારાથી જિયોપૉલિટિકલ ટેન્શન વધશે તો સોનામાં એકાએક તેજી જોવા મળી શકે છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકામાં બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા વધુ એક રિલીફ પૅકેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધારવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે ત્યારે ફેડના ચૅરમૅનનો બૉન્ડ યીલ્ડની તેજી રોકવાનો ઇનકાર થતાં હવે બૉન્ડ યીલ્ડ અને અમેરિકી ડૉલરની તેજી સતત આગળ વધશે એ નક્કી થઈ ચૂક્યું છે. વર્લ્ડની કરન્સી બાસ્કેટમાં ડૉલરની પ્રતિસ્પર્ધી કરન્સીનું ભાવિ હાલમાં ડામાડોળ હોવાથી ડૉલરને મજબૂતી મળતી રહેશે. સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં ઑગસ્ટ-૨૦ના આરંભમાં વધીને ૨૦૬૭.૧૫ ડૉલર થયો હતો જે ઘટીને શુક્રવારે એક તબક્કે ૧૬૮૬.૪૦ ડૉલર થયો હતો. સોનાનો ભાવ ૭ મહિનામાં અંદાજે ૩૮૦ ડૉલર તૂટ્યો છે. વર્લ્ડમાં કોરોનાના કેસ છેલ્લા બે દિવસથી ઘટવાને બદલે વધી રહ્યા છે. ખાસ કરીને સાઉથ અમેરિકામાં બ્રાઝિલ સહિત અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. યુરોપિયન દેશોમાં પણ ખાસ કરીને ઇટલી, પોલૅન્ડ અને ફ્રાન્સની સ્થિતિ હજી ખરાબ છે. આ તમામ ઘટનાક્રમ જોતાં સોનું શૉર્ટ ટર્મ હજી વધુ ઘટશે, પણ કોરોનાના વધી રહેલા કેસ જો કાબૂમાં આવવાને બદલે વધશે તો સોનામાં નીચા મથાળેથી ગમે ત્યારે ઝડપી સુધારો જોવા મળશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૪,૫૧૬

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૪,૩૩૮

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૫,૧૨૮

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news