છેલ્લા કલાકે પ્રોફિટ બુકિંગના લીધે ઈન્ટ્રાડેનો વધારો ધોવાયો

08 September, 2020 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા કલાકે પ્રોફિટ બુકિંગના લીધે ઈન્ટ્રાડેનો વધારો ધોવાયો

પ્રતિકાત્મક તસ્વીર

મેટલ, ઓટો અને બૅન્કિંગ શૅર્સમાં ઘટાડાને લીધે સ્થાનિક શૅરબજારો ઘટાડે બંધ રહ્યા હતા. છેલ્લા કલાકે પ્રોફિટ બુકિંગ થતા ઈન્ટ્રાડેનો વધારો ધોવાયો હતો.

સેન્સેક્સ 51.88 પોઈન્ટ્સ (0.14 ટકા) ઘટીને 38,365.35ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 37.60 પોઈન્ટ્સ (0.33 ટકા) ઘટીને 11,317.40ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ત્રણ ટકાથી પણ વધુ વધીને 22.72 બંધ રહ્યો હતો.

સરકારે આજે ઓફર ફોર સેલના માધ્યમે નોન-રિટેલ રોકાણકારોને ભારત ડાયનેમિક્સમાંથી 15 ટકા હિસ્સો વેચતા શૅર ઈન્ટ્રાડેમાં 14 ટકા ઘટીને અંતે 13.8 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. સતત ચોથા દિવસે ભારતી એરટેલનો શૅર ઘટાડે ટ્રેડ થયો હતો. આજે શૅર ચાર મહિનાની નીચલી સપાટીને સ્પર્શયો હતો. ગયા અઠવાડિયે સુપ્રિમ કોર્ટે એજીઆરની ચૂકવણી 10 વર્ષમાં કરવાનો આદેશ આપતા કંપનીના શૅર ઉપર પ્રતિકૂળ અસર પડી છે. ભારતી એરટેલને આશા હતી કે કમસેકમ 15 વર્ષનો સમય મળશે.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.5 ટકા ઘટીને 14,483 અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.93 ટકા ઘટીને 14,437.53ના સ્તરે બંધ રહ્યો હતો.

એનએસઈમાં 957 શૅર્સ વધ્યા હતા, 1695 કંપનીનો શૅર્સ ઘટ્યા હતા અને 170 સ્થિર રહ્યા હતા. બીપીસીએલ, એચસીએલ ટેકનોલોજીસ, વિપ્રો, ઈન્ફોસિસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅર્સ નિફ્ટીમાં સૌથી વધુ વધ્યા હતા. જ્યારે ભારતી ઈન્ફ્રાટેલ, તાતા મોટર્સ, ઝીન એન્ટરટેઈનમેન્ટ, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ અને તાતા સ્ટીલના શૅર્સમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ફક્ત નિફ્ટી આઈટી 1.20 ટકા વધ્યો હતો, તે સિવાયના દરેક સૂચકાંક ઘટાડે બંધ રહ્યા હતા. નિફ્ટી બૅન્ક, 0.87 ટકા, નિફ્ટી ઓટો 0.88 ટકા, નિફ્ટી ફાઈ. સર્વિસ 0.51 ટકા, નિફ્ટી એફએમસીજી 0.60 ટકા, નિફ્ટી મીડિયા 3 ટકા, નિફ્ટી મેટલ 2.99 ટકા, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી પીએસયુ બૅન્ક 1.57 ટકા ઘટ્યા હતા. 

sensex nifty