વરસાદના અભાવે દેશમાં સોયાબીન, મકાઈ, કપાસનાં વાવેતર ઘટી શકે

21 July, 2021 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાન ખાતાના કહેવા પ્રમાણે દેશમાં વરસાદની છ ટકાની ખાધ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં હવામાન ખાતાએ સામાન્ય ચોમાસાની આગાહી કરી હોવા છતાં ચોમાસાના પોણા બે મહિના પૂરા થવા આવ્યા હોવા છતાં સમગ્ર દેશમાં વરસાદની છ ટકાની ખાધ જોવા મળી રહી છે. દેશની અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું હતું કે જો વરસાદ હજી સમયસર અને પૂરતો નહીં આવે તો દેશમાં ખરીફ પાકની પૅટર્ન બદલાઈ શકે છે અને ખાસ કરીને સોયાબીન, કપાસ અને મકાઈનાં વાવેતર પર મોટી અસર પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. દેશમાં ખરીફ પાકોનું વાવેતર પણ ગત સપ્તાહ સુધી ઘટ્યું હતું.

ક્રિસિલે આજે જાહેર કરેલા પોતાના ચોમાસા-ખરીફ પાકો પરનાં અહેવાલમાં જણાવ્યું હતું કે અપૂરતા વરસાદને પગલે દેશમાં ખરીફ પાકોનાં વાવેતરમાં ઘટાડાની સાથે ઉત્પાદન પર પણ અસર પહોંચી શકે છે. દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ત્રીજી જૂને કેરલામાં બેઠું હતું અને ૨૩ જૂન સુધીમાં દેશમાં ૯૩ ટકા ખરીફ વાવેતર વિસ્તારને કવર કરી લીધું હતું, જે સામાન્ય દિવસો કરતાં સાત દિવસ વહેલું હતું. ચોમાસાની સારી શરૂઆત થયા બાદ વરસાદ એક મહિના સુધી ખેંચાયો હતો અને જુલાઈ બીજા સપ્તાહમાં તેની પ્રગતિ ફરી શરૂ થઈ હતી, પરંતુ વરસાદ અપૂરતો જોવા મળી રહ્યો છે.

ક્રિસિલ કહે છે કે જો એકાદ સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો કપાસ, સોયાબીન અને મકાઈનું વાવેતર ઘટી શકે છે અને ખેડૂતો બીજા પાક તરફ વળી શકે છે.

business news