આઇટીસીનાં રિવર્સલ સંબંધિત જોગવાઈઓ

23 September, 2022 03:53 PM IST  |  Mumbai | Shrikant Vaishnav

કરપાત્ર વ્યક્તિએ આઇટીસી પ્રાપ્ત કરવા માટેની પોતાની પાત્રતા પુરવાર કરવાની હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બિઝનેસના ભાગરૂપે અથવા બિઝનેસના વિસ્તાર માટે ચીજવસ્તુઓ/સર્વિસિસના ઉત્પાદન અથવા વેચાણ માટે થતી ચીજવસ્તુઓ/સર્વિસિસની ખરીદી પર ચૂકવાયેલા જીએસટીની જે ક્રેડિટ ક્લેમ કરાય છે એને ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) કહેવાય છે. જીએસટીના સમગ્ર તંત્રમાં આઇટીસીની વિભાવના મુખ્ય છે. ‘એક દેશ, એક કર’ની આ વિભાવના હેઠળ એનો સમાવેશ થાય છે. 
જોકે, આઇટીસી ક્લેમ કરવા માટે પહેલાં એ પુરવાર કરવું પડે છે કે ક્લેમ કરવા જેવી ટૅક્સ ક્રેડિટ છે. કરપાત્ર વ્યક્તિએ આઇટીસી પ્રાપ્ત કરવા માટેની પોતાની પાત્રતા પુરવાર કરવાની હોય છે. આઇટીસીનો ક્લેમ પુરવાર કરવા સંબંધિત જોગવાઈ સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૧૫૫માં કરવામાં આવી છે.

આઇટીસીનું રિવર્સલ

જો આઇટીસી ભૂલથી ક્લેમ થઈ ગઈ હોય તો પ્રાપ્ત કરાયેલી આઇટીસીની રકમ જેટલી ચુકવણી કરીને એનું રિવર્સલ કરી શકાય છે. અમુક સંજોગોમાં આઇટીસી ક્લેમ કરવાની પાયાની શરતો પૂરી કરવામાં આવી હોવા છતાં ક્લેમ કરાયેલી આઇટીસી રિવર્સ કરવી જરૂરી બને છે. આવા વ્યવહારોમાં આરોગ્ય વીમો, ખાણી-પીણીના ખર્ચ વગેરે જેવા ખર્ચ પર બ્લૉક કરાયેલી ક્રેડિટનો સમાવેશ થાય છે. 

આઇટીસીનું રિવર્સલ એટલે શું એ જોઈ લઈએ. ઇન્પુટ, ઇન્પુટ સર્વિસ અને કૅપિટલ ગુડ્સની જે ક્રેડિટ અગાઉ પ્રાપ્ત કરાઈ હોય અને ઉપયોગમાં લેવાઈ ગઈ હોય એને પાછી આઉટપુટની કરવેરાની જવાબદારીમાં ઉમેરવામાં આવે ત્યારે આઇટીસીનું રિવર્સલ થયું કહેવાય. રિવર્સલ માટે કેટલો સમય લેવામાં આવ્યો છે એના આધારે ક્યારેક ચુકવણીની રકમ પર વ્યાજ પણ ભરવું પડે છે. 

આઇટીસીનું રિવર્સલ અહીં જણાવ્યા મુજબના સંજોગોમાં કરવાનું હોય છે

રજિસ્ટર્ડ પર્સન ખરીદીના ઇન્વૉઇસની તારીખથી ૧૮૦ દિવસની અંદર સપ્લાયરને આંશિક રીતે અથવા પૂરેપૂરું પેમેન્ટ કરવામાં નિષ્ફળ જાય ત્યારે (સીજીએસટી રૂલ્સનો નિયમ ક્રમાંક ૩૭) 

બ્લૉક્ડ ક્રેડિટ પર આઇટીસી પ્રાપ્ત કરવામાં આવી હોય ત્યારે (સીજીએસટી ઍક્ટની કલમ ૧૭(૫)

સંપૂર્ણપણે કરમુક્ત હોય એવી સપ્લાય માટે કેટલીક ચીજવસ્તુઓ/સર્વિસિસ પર આઇટીસી પ્રાપ્ત કરવામાં આવી હોય ત્યારે (સીજીએસટી રૂલ્સનો નિયમ ક્રમાંક ૪૨)

કેટલીક ચીજવસ્તુઓ/સર્વિસિસ/કૅપિટલ ગુડ્સ આંશિક રીતે બિઝનેસ માટે અને આંશિક રીતે અંગત ઉપયોગમાં લેવાયાં હોય અને એના પર આઇટીસી પ્રાપ્ત કરવામાં આવી હોય ત્યારે (સીજીએસટી રૂલ્સનો નિયમ ક્રમાંક ૪૩)

સંપૂર્ણપણે કરમુક્ત ગુડ્સ/સર્વિસિસ અથવા આંશિક રીતે કરમુક્ત તથા આંશિક રીતે કરપાત્ર ગુડ્સ/સર્વિસિસની સપ્લાય માટે કૅપિટલ ગુડ્સ પર આઇટીસી પ્રાપ્ત કરવામાં આવી હોય ત્યારે (સીજીએસટી રૂલ્સનો નિયમ ક્રમાંક ૪૩)

ખરીદવામાં આવેલા કૅપિટલ ગુડ્સના જીએસટીના હિસ્સા પર આવકવેરા ધારા હેઠળ ડેપ્રિશિયેશન ક્લેમ કરવામાં આવ્યું હોય ત્યારે ફ્રી સૅમ્પલ તરીકે વિતરીત કરવામાં આવેલા ગુડ્સ અથવા ખોવાઈ ગયેલા, નાશ કરી દેવાયેલા, ચોરી થયેલા વગેરે પ્રકારના ગુડ્સ પર આઇટીસી પ્રાપ્ત કરવામાં આવી હોય ત્યારેકમ્પોઝિશન સ્કીમમાં સ્થાનાંતર કરવામાં આવ્યું હોય અથવા જીએસટી રજિસ્ટ્રેશન રદ થઈ ગયું હોય ત્યારે (સીજીએસટી રૂલ્સનો નિયમ ક્રમાંક ૪૪)

બૅન્કિંગ અને અન્ય નાણાકીય કંપનીઓએ વિશેષ નિયમો હેઠળ આઇટીસીના ૫૦ ટકા હિસ્સાનું રિવર્સલ કરાવ્યું હોય ત્યારે આઇટીસી રિવર્સલને લગતા આ સંજોગો વિશે થોડી વધુ વાતો આવતા વખતે કરીશું.

business news goods and services tax