મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમની કામગીરીના આકલન વખતે કઈ ભૂલ કરવી નહીં?

11 August, 2022 05:42 PM IST  |  Mumbai | Amit Trivedi

મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમના વળતરની તુલના કોઈક બેન્ચમાર્ક સાથે કરવામાં આવતી હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: આઇસ્ટૉક)

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના કૉમેન્ટેટર સંજય માંજરેકરની એક લેખમાં પ્રગટ થયેલી ટિપ્પણી સાથે આજની વાત શરૂ કરીએ. 

એ લેખમાં કહેવાયું હતું, ‘ભુવનેશ્વર કુમારે ઉત્કૃષ્ટ રમત દ્વારા રાષ્ટ્રીય ટીમમાં પુનઃ પ્રવેશ કર્યો છે. તેને હવે ચોક્કસપણે ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મળશે.’ 

‘૧૮ મહિના પહેલાં આપણને એવું લાગ્યું હતું કે ભુવીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર હવે પૂર્ણવિરામ મુકાઈ જશે.’ 

ઉપરોક્ત બન્ને મુદ્દા એકદમ તાર્કિક લાગે છે. જોકે એમાં એક પ્રકારનો પૂર્વગ્રહ દેખાય છે. એને બિહેવિયરલ ફાઇનૅન્સની ભાષામાં ‘રિસેન્સી બાયસ’ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિની ભૂતકાળની કામગીરીના આધારે અભિપ્રાય બદલવામાં આવતા હોય છે. આપણે મ્યુચ્યુઅલ ફન્ડ વિશે વાત કરી રહ્યા હોવાથી એના સંબંધે કહેવાનું કે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફન્ડની કોઈ સ્કીમની કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય ત્યારે આપણે રિસેન્સી બાયસથી બચવું જોઈએ.

કોઈ પણ સ્કીમની લાંબા સમયગાળાની કામગીરી જોઈએ ત્યારે એમાં વચ્ચે-વચ્ચે અનેક નબળા ગાળા જોવા મળે છે. એવા સમયે સ્કીમમાંથી રોકાણ છૂટું કરી દેવામાં આવે તો પછીથી થનારી રિકવરીનો લાભ ચૂકી જવાય છે. 

આ સાથે એ પણ કહેવાનું કે ક્રિકેટમાં કે બીજી કોઈ પણ રમતમાં આઉટ ઑફ ફૉર્મ ખેલાડીની જગ્યાએ બીજા ખેલાડીને રમાડવામાં આવે એ બરાબર છે, પરંતુ મ્યુચ્યુઅલ ફન્ડમાં તમે એક સ્કીમમાંથી નીકળીને બીજીમાં જાઓ ત્યારે શક્ય છે કે તમને એક્ઝિટ લોડ અને કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે. 

મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમના વળતરની તુલના કોઈક બેન્ચમાર્ક સાથે કરવામાં આવતી હોય છે. દરેક પ્રકારની ઍસેટમાં ઉતાર-ચડાવ આવતા હોય છે અને એને લીધે એમાં મળેલા વળતરમાં પણ વધારો-ઘટાડો થતો રહે છે. 

આ મુદ્દાને વિગતવાર સમજાવવા માટે આ સાથેના ચિત્રનો અભ્યાસ કરીએ. એમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૨૧ના ગાળામાં અલગ-અલગ ઍસેટ્સની કામગીરી દર્શાવવામાં આવી છે. એમાંથી ઉદાહરણ જોઈ લઈએ... 

ધારો કે કોઈ વ્યક્તિ જાન્યુઆરી ૨૦૧૭માં ક્યાંક રોકાણ કરવા ઇચ્છતી હતી. તેણે આ ચાર્ટ જોયો. એ વખતની સ્થિતિ પ્રમાણે ૨૦૧૬માં સરકારી સિક્યૉરિટીઝમાં સૌથી વધુ વળતર મળ્યું હતું, પરંતુ ૨૦૧૭માં એ ઍસેટ્સમાં સાવ કંગાળ વળતર મળ્યું હતું. આ જ રીતે ૨૦૧૬માં સ્મૉલ કૅપ ક્ષેત્રનો દેખાવ પણ ઘણો જ નબળો હતો, પરંતુ ૨૦૧૭માં એ ક્ષેત્ર સર્વોત્તમ રહ્યું હતું. વળી, જેમણે ૨૦૧૭ની કામગીરીના આધારે ૨૦૧૮માં સ્મૉલ કૅપમાં રોકાણ કર્યું હોત તેમણે નિરાશ થવું પડ્યું હોત. 

આ ઉદાહરણ પરથી કહી શકાય કે અલગ-અલગ ઍસેટ્સના વળતર બાબતે કોઈ નિશ્ચિત પૅટર્ન નથી હોતી. આમ, તાજેતરના ભૂતકાળની કામગીરી પરથી ભવિષ્યની કામગીરીનો અંદાજ બાંધી શકાતો નથી. એક ઍસેટ ક્લાસની એક નબળી કામગીરી ધરાવતી સ્કીમમાંથી નાણાં ઉપાડીને બીજી ઍસેટની સારી કામગીરી બજાવનારી સ્કીમમાં નાણાં રોકવામાં આવે તો એ મોટી ભૂલ કહેવાય. કોઈ બૉલર ફ્લૅટ વિકેટ પર એક પણ બૅટ્સમૅનને આઉટ કરી શકે નહીં ત્યારે એ બૉલરની જગ્યાએ કોઈ બૅટ્સમૅનને રમાડવામાં આવે, એના જેવી આ વાત થઈ. 

કોઈ પણ સ્કીમની કામગીરીનું આકલન કરતી વખતે રિસેન્સી બાયસનો ભોગ બની જવાય નહીં એ વાતનું ધ્યાન રાખવું. પોર્ટફોલિયોમાં દરેક ઍસેટ ક્લાસ અને દરેક પ્રોડક્ટનું અલગ-અલગ મહત્ત્વ હોય છે. દા.ત. ઇક્વિટી લાંબા ગાળે સંપત્તિસર્જન કરાવે છે, ડેટ ફન્ડ્સ સલામતી પૂરી પાડે છે અને લિક્વિડ ફન્ડ્સ નાણાંની પ્રવાહિતા માટે ઉપયોગી થાય છે. અહીં એ પણ નોંધવું ઘટે કે દરેક રોકાણકારની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. આ જ કારણ છે કે દરેકનો પોર્ટફોલિયો અલગ-અલગ હોય છે. 

business news