ટાર્ગેટ મૅચ્યુરિટી ફન્ડ : સલામતી અને ઓછા ખર્ચ સાથે ઝડપી પ્રવાહિતાનો લાભ

06 October, 2022 04:54 PM IST  |  Mumbai | Jayesh Chitalia

આ ફન્ડ ઓપન એન્ડેડ હોવાથી રોકાણકાર ચાહે ત્યારે એન્ટ્રી-એક્ઝિટ લઈ શકે છે. આ એક ડેટ ફન્ડનું સ્વરૂપ હોવાથી એને ટૅક્સ પણ એ મુજબ લાગે છે. સલામતી સાથે પ્રવાહિતા ઇચ્છતા ઇન્વેસ્ટર્સ માટે આ રોકાણ વિચારવા જેવું ખરું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં રોકાણ પ્રવાહ સતત આવતો તેમ જ વધુ ને વધુ રોકાણકારો આ ઉદ્યોગમાં પ્રવેશતા જવાથી તમામ દૃષ્ટિએ એનો વિકાસ ઝડપ પકડી રહ્યો છે, જેમાં સ્પર્ધા વધશે અને ઇનોવેશન પણ આવતું રહેશે એ સારી નિશાની ગણાય. આને પરિણામે ફન્ડ્સ પણ વધુ જવાબદાર અને શિસ્તબદ્ધ બનશે એવી આશા ચોક્કસ રાખી શકાય.

 આ ઉદ્યોગમાં એસઆઇપી, એસટીપી, ડાઇવર્સિફાઇડ ફન્ડ, લાર્જ કૅપ, સ્મૉલ કૅપ, મિડ કૅપ, મલ્ટિકૅપ ફન્ડ વગેરેની વાતો ઘણી વાર થઈ છે, આજે આપણે ટાર્ગેટ મૅચ્યુરિટી ફન્ડની ચર્ચા કરી એને સમજીશું. નામ મુજબ આ ફન્ડ ચોક્કસ ટાર્ગેટ સાથે ઑફર થાય છે. આ એક પેસિવલી મૅનેજ્ડ ડેટ ફન્ડ હોય છે, જેમાં ચોક્કસ મુદતે ફન્ડ પાકે છે. આ ફન્ડ ઇન્ડેક્સ આધારિત હોય છે, જેથી એની કામગીરી પણ એ મુજબની હોય છે. ફન્ડ જે ઇન્ડેક્સને ટ્રૅક કરે છે એ મુજબની મુદતે પાકતા બૉન્ડ્સમાં રોકાણ કરે છે. આ ફન્ડ જ્યાં સુધી હોલ્ડ થાય છે ત્યાં સુધી એના બૉન્ડ્સ પર જે વ્યાજ પાક્યું હોય છે એ પણ આમાં જ રિઇન્વેસ્ટ થાય છે. ફન્ડની મૅચ્યુરિટી વખતે રોકાણકારોને તેમનાં રોકાયેલાં નાણાં પરત કરાય છે.

આ ફન્ડમાં મોટે ભાગે સરકારી સિક્યૉરિટીઝ, પીએસયુ બૉન્ડ્સ, સ્ટેટ ડેવલપમેન્ટ બૉન્ડ્સ વગેરે સમાન સાધનો હોય છે, જે એકંદરે સલામત ગણાય છે. જોકે એનું વળતર પણ એ અનુસાર મર્યાદિત હોય છે. અમુક ફન્ડ માત્ર સરકારી સિક્યૉરિટીઝ ધરાવતાં હોવાનું પણ બને છે, જ્યારે કેટલાંક ફન્ડ મિક્સ પ્રકારનાં હોય છે, પરંતુ એ ચોક્કસ કે એમાં ઇક્વિટી શૅર નથી હોતા. આ એક પૅસિવ ફન્ડ હોવાથી અને માત્ર એણે ઇન્ડેક્સને ફૉલો કરવાનું હોવાથી એનો ખર્ચ નીચો રહે છે, એમાં પણ ડાયરેક્ટ રોકાણ પર ખર્ચ હજી ઓછો આવે છે.

ઓપન એન્ડેડનો ઍડ્વાન્ટેજ

મજાની વાત એ છે કે આ ફન્ડ પૅસિવ ભલે હોય, પરંતુ એ ઓપન એન્ડેડ હોવાથી રોકાણકાર એમાં ગમે ત્યારે પ્રવેશી શકે, ગમે ત્યારે બહાર નીકળી શકે છે. તેમને મૅચ્યુરિટી સુધી ફન્ડમાં રોકાણ રાખી મૂકવામાં વ્યાજનું જોખમ પણ હોતું નથી. જોકે આ ફન્ડને ડેટ ફન્ડની જેમ ટૅક્સ લાગુ પડે છે. જો એને ત્રણ વર્ષ સુધી હોલ્ડ કર્યા બાદ વેચો-રિડીમ કરો તો ઇન્ડેક્સેશન બાદ ૨૦ ટકા ટૅક્સ લાગે છે. આમ ટૅક્સ જવાબદારી ઓછી હોવાથી કર બાદનું વળતર ઊંચું રહે છે. જો ફન્ડને ત્રણ વર્ષથી ઓછો સમય રાખો તો એને પાત્ર કરવેરાના દર મુજબ શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ થાય છે.

ટાર્ગેટ મૅચ્યુરિટી ફન્ડનો વિશેષ લાભ એ ગણાય કે એમાં ઓછા ખર્ચે વળતર કેટલું મળવાનું છે એ સ્પષ્ટ નજર સામે હોય છે. લૉન્ગ ટર્મ ડેટ ફન્ડમાં માર્ક ટુ માર્કેટ રિસ્ક હોય છે, વ્યાજદર વધે તો રોકાણકારોનું વળતર ઘટી શકે અથવા માર્ક ટુ માર્કેટ લોસ થઈ શકે, જ્યારે ટાર્ગેટ મૅચ્યુરિટી ફન્ડમાં રોકાણકાર મૅચ્યુરિટી સુધી રોકાણ જાળવી રાખે તો તેને લોસની શક્યતા રહેતી નથી. આ ઉપરાંત આ ફન્ડ ઓપન એન્ડેડ હોવાથી પોર્ટફોલિયોમાંની કોઈ સિક્યૉરિટીઝમાં ક્રેડિટ ડાઉનગ્રેડ કે ડિફૉલ્ટ થાય તો રોકાણકાર એમાંથી બહાર નીકળી શકે છે. 

સવાલ તમારા…

વર્તમાન સમયમાં માર્કેટ સતત વૉલેટાઇલ રહે છે ત્યારે મ્યુચ્યુઅલ ફન્ડની કઈ સ્કીમ બહેતર ગણાય?

આ સવાલના જવાબનો આધાર તમે કેટલા સમય માટે રોકાણ કરવા ચાહો છો એના પર રહે છે. જો તમે શૉર્ટ ટર્મ માટે જ રોકાણ કરવાના હો તો લિક્વિડ ફન્ડ બહેતર છે. જો મિડિયમ ટર્મ માટે કરવાના હો તો ડેટ અથવા બૅલૅન્સ ફન્ડ અને લૉન્ગ ટર્મ માટે ઇક્વિટી ફન્ડ. એમાં પણ ખાસ કરીને લાર્જ કૅપ ફન્ડ વધુ સારું. મલ્ટિકૅપ સારું, પરંતુ એમાં ક્યાંક વળતરમાં ફરક પડી શકે. આ સાથે એક વાત એની રિપીટ વૅલ્યુ સાથે કહેવી પડે કે એસઆઇપી અને એસટીપી કાયમ સારા ગણાય. ખાસ કરીને વૉલેટિલિટીમાં તો એ ઍવરેજનો સારો લાભ આપે છે. 

business news