સરચાર્જ અને સેસના ડિડક્શન સંબંધે આવકવેરા ખાતાએ કરેલી સ્પષ્ટતા

04 October, 2022 03:53 PM IST  |  Mumbai | Paresh Kapasi

આ બાબતે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે નોટિફિકેશન ક્રમાંક ૧૧૧/૨૦૨૨ ૨૦૨૨ની ૨૮ સપ્ટેમ્બરે બહાર પાડ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આવકવેરા ધારાની કલમ ૧૫૫(૧૮) હેઠળ આવકની પુનઃ ગણતરી કરવા માટેની અરજી સંબંધે આવકવેરા નિયમોમાં નવો નિયમ ક્રમાંક ૧૩૨ લાગુ કરવામાં આવ્યો છે. આ બાબતે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે નોટિફિકેશન ક્રમાંક ૧૧૧/૨૦૨૨ ૨૦૨૨ની ૨૮ સપ્ટેમ્બરે બહાર પાડ્યું છે.

નોટિફિકેશન અનુસાર એક સ્પષ્ટતા કરવામાં આવી છે, જે એસેસમેન્ટ યર ૨૦૦૫-’૦૬થી અમલમાં આવે છે. એમાં કહેવામાં આવ્યું છે કે આવકવેરા ધારાની કલમ ૪૦(એ)(ii)ના સંદર્ભે ‘કરવેરો’ શબ્દમાં ‘સરચાર્જ’ અને ‘સેસ’ એ બન્ને વસ્તુઓ સામેલ ગણાય છે અને ગણાતી રહેશે. આમ, પાછલા સમયગાળા માટે પણ સેસ અને સરચાર્જનું ડિડક્શન ઉપલબ્ધ નહીં રહે.

અહીં જણાવવું રહ્યું કે કલમ ૧૫૫માં એસેસમેન્ટ ઑર્ડરના સુધારાઓ માટેની જોગવાઈઓ છે. એ મુજબ જો અમુક ચોક્કસ સંજોગોમાં આવેલા ફેરફારને કારણે કરદાતાની આવકની ગણતરી ફરીથી કરવાની જરૂર પડતી હોય એ કરદાતાનું એસેસમેન્ટ પણ બદલાશે. 

કલમ ૪૦(એ)(ii)માં કરાયેલા ફેરફારને પગલે ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૨ દ્વારા કલમ ૧૫૫માં નવી પેટા કલમ ૧૮ ઉમેરવામાં આવી છે. આ પેટા કલમ હેઠળ આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરીને એસેસિંગ ઑફિસર પાછલા જે વર્ષ સંબંધે સરચાર્જ કે સેસનું ડિડક્શન ક્લેમ કરવામાં આવ્યું હોય એ વર્ષની કુલ આવકની પુનઃ ગણતરી કરવાનો આદેશ આપી શકે છે. 
આવી રીતે ગણવામાં આવેલી આવકને ઓછી દર્શાવાયેલી આવક ગણવામાં આવશે અને એસેસીએ જેટલી આવક ઓછી દેખાડી હશે એ રકમના પચાસ ટકા લેખે દંડ સાથે કરવેરાની ચુકવણી કરવાની રહેશે. જોકે અહીં જણાવવું રહ્યું કે જો એસેસી એસેસિંગ ઑફિસરને અરજી કરીને વિનંતી કરે કે તેઓ સરચાર્જ કે સેસના ડિડક્શનના ક્લેમને ગણતરીમાં લીધા વગર કુલ આવકની પુનઃ ગણતરી કરે તો, ઓછી દર્શાવાયેલી મનાતી એ આવક પર કરવેરો ચૂકવવાની જરૂર નહીં પડે.

ઉક્ત ફેરફારનો અમલ કરવા માટે નવો નિયમ ક્રમાંક ૧૩૨ દાખલ કરાયો છે. એસેસિંગ ઑફિસર સમક્ષ કઈ રીતે અરજી કરવી એની રીત એમાં દર્શાવવામાં આવી છે. નવા નિયમમાં આ પ્રમાણેની જોગવાઈ છે...

એ) એસેસીએ ફૉર્મ ક્રમાંક ૬૯માં અરજી કરવાની રહેશે, જેમાં તેઓ એસેસિંગ ઑફિસરને સરચાર્જ કે સેસના ડિડક્શન માટેનો ક્લેમ માન્ય રાખ્યા વગર જ કુલ આવકની પુનઃ ગણતરી કરવાની વિનંતી કરશે.
બી) આ અરજી પીડીજીઆઇટી (સિસ્ટમ્સ)ને અથવા અન્ય નિર્દિષ્ટ કરવેરા સત્તાવાળાઓને ૩૧-૦૩-૨૦૨૩ના રોજ અથવા એની પહેલાં ઇલેક્ટ્રૉનિકલી કરવાની રહેશે.
સી) પીડીજીઆઇટી (સિસ્ટમ્સ) અથવા ડીજીઆઇટી (સિસ્ટમ્સ) ફૉર્મ ક્રમાંક ૬૯ આપવાને લગતી અને એની ચકાસણીને લગતી કાર્યપદ્ધતિ અને ધોરણો ઘડશે તથા અરજી એસેસિંગ ઑફિસરને ફૉર્વર્ડ કરશે.
ડી) અરજી મળ્યે એસેસિંગ ઑફિસર સંબંધિત ઑર્ડરમાં સુધારો કરીને કુલ આવકની પુનઃ ગણતરી કરશે. તેઓ ચૂકવવાપાત્ર કરવેરો (જો કોઈ હશે તો) ક્યાં સુધીમાં ચૂકવી દેવો એ જણાવતી નોટિસ કલમ ૧૫૬ અનુસાર ઇશ્યુ કરશે...
i. એસેસીએ જે એસેસમેન્ટ યર માટે ડિડક્શન ક્લેમ કર્યું હશે એ વર્ષ માટે; અને
ii. ઉપરોક્ત મુદ્દામાં જેનો ઉલ્લેખ કરાયો છે એ એસેસમેન્ટ યરના આદેશને પગલે પછીનાં એસેસમેન્ટ યર્સ માટે ખોટના કૅરી ફૉર્વર્ડમાં અથવા અનએબઝોર્બ્ડ ડેપ્રીસિએશન માટેના અલાવન્સમાં કે પછી કલમો ૧૧૫જેએએ અથવા ૧૧૫જેડી હેઠળ કરવેરાની ક્રેડિટમાં ફેરફાર થતો હોય તો ત્યાર પછીનાં એસેસમેન્ટ યર્સ માટે. 
(ઈ) એસેસી કરવેરાનું પેમેન્ટ કર્યાની તારીખથી ૩૦ દિવસની અંદર ફૉર્મ ક્રમાંક ૭૦માં પેમેન્ટની વિગતો એસેસિંગ ઑફિસરને પૂરી પાડશે.

business news income tax department goods and services tax