મ્યુચ્યુઅલ ફન્ડના ફોલિયોમાં નૉમિની રાખવાનું મહત્ત્વ

30 June, 2022 03:50 PM IST  |  Mumbai | Amit Trivedi

નૉમિનેશન એ એક એવી સુવિધા છે જે ખાતાધારકોના મૃત્યુના કિસ્સામાં રોકાણની રકમ કોઈકના હાથમાં આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે

પ્રતીકાત્મક તસવીર

‘શું હું મ્યુચ્યુઅલ ફન્ડ ફોલિયોમાં નૉમિની રાખી શકું?’ કોઈકે મને આ પ્રશ્ન પૂછ્યો હતો. ખરેખર તો બધાને એની ખબર હોવી જોઈએ, પરંતુ કેટલાક લોકો આ સુવિધા વિશે જાણતા નથી.
જ્યારે તમે વ્યક્તિગત રોકાણકાર તરીકે મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરો છો ત્યારે તમે કોઈકને નૉમિનેટ કરી શકો છો. સંબંધિત ખાતાના તમામ રોકાણકારોના મૃત્યુની કમનસીબ ઘટનામાં રોકાણની રકમ મેળવવાનો નૉમિનીને અધિકાર છે. આનો અર્થ એ થયો કે સંયુક્ત ખાતામાં પણ નૉમિનેશનની સુવિધા શક્ય છે.

સંયુક્ત ખાતું જો ‘જૉઇન્ટ’ અથવા ‘ઍની વન ઓર સર્વાઇવર’ મોડમાં હોય તો નૉમિનેશન ફોર્મમાં તમામ અકાઉન્ટધારકોની સહી કરવી આવશ્યક છે. આમ કરવા પાછળનું કારણ તમામ ધારકોએ સર્વાનુમતે કોઈને નૉમિનેટ કર્યા હોવાની ખાતરી કરવાનું છે. આ બાબતે નોંધવું ઘટે કે ખાતાના તમામ ધારકોનાં મૃત્યુ થાય તો જ નૉમિનીને રોકાણની રકમ મળે છે. 

હવે એક સવાલ એ છે કે શું ફક્ત એક જ નૉમિની હોઈ શકે? ખરેખર એવું નથી, એક ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ત્રણ નૉમિનીને નૉમિનેટ કરી શકાય છે. આ સુવિધાની ખાસિયત એ છે કે તમે દરેક નૉમિનીને કેટલા ટકા રકમ મળશે એ પણ દર્શાવી શકાય છે. જો એવી ટકાવારી નક્કી કરવામાં આવી ન હોય તો તમામ નૉમિનીને સરખા ભાગે રકમ મળશે એવો અર્થ થાય.

જોકે કાયદો કહે છે કે નૉમિનીને આપમેળે એ રકમની માલિકીનો અધિકાર મળતો નથી. નૉમિનેશન દ્વારા નૉમિનીને રકમ ફક્ત આપવામાં આવે છે, તેમની માલિકી એના પર હોતી નથી. ત્યાર બાદ આ રકમ મરનારની ઇચ્છા મુજબ કાયદેસરના વારસદારોમાં વહેંચવાની હોય છે. વસિયતનામું ન હોય તો સંબંધિત ઉત્તરાધિકાર કાયદા મુજબ કાયદેસરના વારસદારોમાં આવક વહેંચવાની હોય છે. આમ, વસિયતનામું નૉમિનેશનની ઉપરવટ હોય છે.

ફાઇનૅન્શિયલ પ્લાનર્સ અને રોકાણ સલાહકારો ભલામણ કરે છે કે વસિયતનામું અને નૉમિનેશન એ બન્નેમાં સમાન વ્યક્તિનું નામ હોવું જોઈએ. આનાથી કાયદેસરના વારસદારોને સંપત્તિનું વિતરણ સરળતાથી કરવામાં મદદ મળે છે.

નૉમિનેશન બાબતે બીજી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. ફક્ત વ્યક્તિગત રોકાણકારોને નૉમિનેશન કરવાની મંજૂરી છે. આમ, જો તમે તમારી પ્રૉપરાઇટરી બિઝનેસના નામે રોકાણ કરો તો નૉમિનેશન કરી શકાતું નથી. આ કિસ્સામાં પ્રૉપરાઇટરે પોતાના કાનૂની વારસદારોને કેવી રીતે નાણાં મળશે એ પહેલેથી નક્કી કરી રાખવું સલાહભર્યું છે. જો રોકાણ માઇનર વ્યક્તિના નામે હોય તો પણ નૉમિનેશન કરી શકાતું નથી. આ બાબતે આપણે અગાઉ વાત કરી ગયા છીએ.

નૉમિનેશન એ એક એવી સુવિધા છે જે ખાતાધારકોના મૃત્યુના કિસ્સામાં રોકાણની રકમ કોઈકના હાથમાં આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. આથી, જેઓ સિંગલ નામે રોકાણ કરે છે તેમણે નૉમિનેશનની સુવિધાનો ઉપયોગ કરવામાં ઢીલ કરવી જોઈએ નહીં. હવે સેબીએ તાજેતરના એક પરિપત્રમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના મ્યુચ્યુઅલ ફન્ડ ખાતામાં નૉમિની
રાખવા માગતા ન હોય તો એ મુજબનું ડિક્લેરેશન કરવાનું ટૂંક સમયમાં ફરજિયાત કરવામાં આવશે.

business news