આવકવેરા ધારાની કલમ ૮૦પીએનો લાભ કરદાતાઓ માટે ખૂબ જ લાભદાયક છે

10 January, 2023 03:36 PM IST  |  Mumbai | Paresh Kapasi

કુલ આવકમાંથી કરપાત્ર આવક સંબંધે આ ડિડક્શન આપવામાં આવે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આપણે જાણીએ છીએ કે સરકારે અલગ-અલગ પ્રકારના કરદાતાઓ માટે અલગ-અલગ ડિડક્શન આપ્યાં છે. કુલ આવકમાંથી કરપાત્ર આવક સંબંધે આ ડિડક્શન આપવામાં આવે છે. સમાજના અલગ-અલગ વર્ગને સવલત તરીકે આ ડિડક્શન મળે છે. આવું જ એક ડિડક્શન પ્રોડ્યુસર કંપનીઓની આવક માટે આપવામાં આવ્યું છે. 

સરકારે પ્રોડ્યુસર કંપનીઓના નિશ્ચિત બિઝનેસને રાહત આપવાની દૃષ્ટિએ આવકવેરા ધારામાં કલમ ૮૦પીએ દાખલ કરી છે. આ કલમ હેઠળ કેટલીક પ્રોડ્યુસર (ઉત્પાદક) કંપનીઓની આવકને કરમુક્તિ મળે છે. 

કંપનીઝ ઍક્ટ, ૧૯૫૬ની કલમ ૪૬૫ હેઠળ રજિસ્ટર્ડ અથવા કલમ ૫૮૧બીમાં જણાવાયેલી અથવા કંપનીઝ ઍક્ટ, ૨૦૧૩ હેઠળ પ્રોડ્યુસર કંપની તરીકે રજિસ્ટર્ડ થયેલી તથા કેન્દ્ર સરકારે જેમને પ્રોડ્યુસર કંપની તરીકે જાહેર કરી છે એવી કંપનીઓને કલમ ૮૦પીએનો લાભ મળે છે.

આ ડિડક્શન કુલ આવકમાંથી મળે છે. પ્રોડ્યુસર કંપનીના મુખ્ય હેતુ સાથે સંકળાયેલા કોઈ પણ ઉદ્યોગ કે બિઝનેસમાંથી મળતા નફા તથા લાભ માટે એક્ઝૅમ્પ્શન આપવામાં આવે છે. આ કરલાભ કેટલીક નિશ્ચિત શરતોને આધીન છે.

કલમ ૮૦પીએની મુખ્ય જોગવાઈઓ

પાછલા વર્ષમાં ૧૦ કરોડ રૂપિયા કરતાં ઓછું ટર્નઓવર હોય એવી પ્રોડ્યુસર કંપનીના પાત્ર બિઝનેસને મળેલા નફા અને લાભને ૧૦૦ ટકા ડિડક્શન મળે છે આ ડિડક્શન ૧ એપ્રિલ ૨૦૧૯ના રોજથી ૧ એપ્રિલ ૨૦૨૫ સુધીના સમયગાળામાં આવતાં અસેસમેન્ટ વર્ષ માટે મળે છે.

પાત્ર બિઝનેસનાં નામ કલમ ૮૦પીએ હેઠળ આપવામાં આવ્યાં છે, જેમાં ખેતી, દૂગ્ધ વ્યવસાય, કૃષિ પેદાશોનું પ્રોસેસિંગ, મત્સ્યઉછેર, મરઘા-બતકાં ઉછેર, મૅન્યુફૅક્ચરિંગ, ટ્રેડિંગ, વેચાણ, માર્કેટિંગ તથા કેન્દ્ર સરકારે નક્કી કરેલી વસ્તુઓ સંબંધેની અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 

પ્રોડ્યુસર કંપનીઓને કુલ આવકમાંથી ડિડક્શન મળે છે. આ લાભ મેળવવા માટે કંપનીનું પાછલા વર્ષનું ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયા કરતાં ઓછું હોવું જોઈએ. ડિડક્શનનું પ્રમાણ ૧૦૦ ટકા છે.

આ લાભ મેળવવા માટે પ્રોડ્યુસર કંપનીએ કલમ હેઠળ નિર્ધારિત શરતોનું પાલન કરવાનું રહેશે. કેન્દ્ર સરકારે નક્કી કરેલી પ્રોડ્યુસર કંપની માટેની કૉન્સન્ટ્રેશન લિમિટનું પણ પાલન થવું જરૂરી છે.

ઉપરાંત, પ્રોડ્યુસર કંપનીએ આ લાભ મેળવવા માટે નિર્ધારિત સમયમર્યાદાની અંદર બિઝનેસની પ્રવૃત્તિ, બિઝનેસનું સ્વરૂપ, ટર્નઓવર, નફો વગેરેને લગતી માહિતી પૂરી પાડવી આવશ્યક છે. 

પ્રોડ્યુસર કંપનીએ ડિડક્શન ક્લેમ કરવા માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસેથી પ્રમાણપત્ર પણ મેળવવું જરૂરી છે. આ ડિડક્શનને પગલે કંપનીને લાગુ પડતી કરવેરાની જવાબદારી ઘટે છે અને એને પગલે બિઝનેસની પ્રવૃત્તિઓ વધુ સારી રીતે કરી શકાય છે.

નોંધનીય છે કે કૃષિ, બાગાયત, પશુ સંવર્ધન અને મત્સ્યઉછેરની પ્રવૃત્તિઓના સામાજિક-આર્થિક વિકાસના હેતુસર સરકારે આ ડિડક્શન આપેલું છે. વ્યક્તિગત ઉત્પાદકોને નહીં, પરંતુ રજિસ્ટર્ડ પ્રોડ્યુસર કંપનીઓને જ એ મળે છે.

business news income tax department