શૅરના બાયબૅક સંબંધે શૅરધારકોને લાગુ પડતા કરવેરા વિશે જાણો

17 January, 2023 05:12 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

વર્ષ દરમ્યાન ૫૦ કરતાં વધુ કંપનીઓએ કુલ ૩૭,૫૧૯ કરોડ રૂપિયા મૂલ્યના શૅરનું બાયબૅક કરવાના ઇશ્યુની જાહેરાત કરી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વર્ષ ૨૦૨૨માં શૅરના બાયબૅકની દૃષ્ટિએ ઘણું સક્રિય હતું. વર્ષ દરમ્યાન ૫૦ કરતાં વધુ કંપનીઓએ કુલ ૩૭,૫૧૯ કરોડ રૂપિયા મૂલ્યના શૅરનું બાયબૅક કરવાના ઇશ્યુની જાહેરાત કરી. ટીસીએસ અને બજાજ ઑટો એમાં મુખ્ય હતી. આમાં હવે પેટીએમની પેરન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સ પણ જોડાઈ છે.  

કંપનીઓ શૅરધારકોને અનેક રીતે લાભ કરાવી શકે છે. શૅરના ભાવ વધે ત્યારે અને ડિવિડન્ડ જાહેર થાય ત્યારે લાભ થતો જ હોય છે. ક્યારેક શૅરનું બાયબૅક પણ લાભદાયક હોય છે. કંપનીએ અગાઉ વેચેલા શૅર પોતે જ પાછા ખરીદી લે એને બાયબૅક કહેવાય છે. જો બાયબૅક ઇશ્યુ ભાવ કરતાં વધારે ભાવે થાય તો ફાયદાકારક જ રહે છે. બાયબૅક જાહેર કરનારી કંપનીના શૅરના ભાવમાં ટૂંકા ગાળા માટે ભાવ વધતો હોય છે. 

બાયબૅક કરનારી કંપનીની પાસે સારી એવી રોકડ ઉપલબ્ધ હોય એવું પણ કહી શકાય. બાયબૅકને પગલે બજારમાંના શૅરની સંખ્યા ઘટી જતી હોવાથી પ્રતિ શૅર કમાણી (અર્નિંગ પર શૅર) વધી જાય છે. જોકે આમાં કરવેરાને લગતી જોગવાઈઓ તરફ પણ શૅરધારકોએ ધ્યાન આપવું જોઈએ. બાયબૅક કયા પ્રકારનું છે એના આધારે એ કરમુક્ત પણ હોઈ શકે છે. 

બાયબૅક ડાયરેક્ટ ટેન્ડર ઑફર અથવા ઓપન માર્કેટ માર્ગે કરવામાં આવી શકે છે. 

ટેન્ડર ઑફરમાં બજારભાવ કરતાં ઊંચા હોય એવા પૂર્વનિર્ધારિત ભાવે શૅરધારકો કંપનીને શૅર પાછા વેચી શકે છે. તેઓ પોતાની પાસેના બધા અથવા અમુક શૅર વેચી શકે છે. ટેન્ડર ઑફર પદ્ધતિમાં વ્યક્તિગત શૅરધારકોને મળનારા લાભ પર કોઈ કરવેરો લાગુ થતો નથી. જોકે જે કંપનીએ બાયબૅક કર્યું હોય એણે શૅરદીઠ લાભ અર્થાત્ ઇશ્યુ ભાવ અને બાયબૅકના ભાવ વચ્ચેના તફાવત પર ૨૦ ટકા કરવેરો વત્તા સરચાર્જ ભરવો પડે છે. 

ધારો કે સિગ્મા કંપની પ્રતિ શૅર ૬૦૦ રૂપિયાના ભાવે ૧૦,૦૦૦ શૅરનું બાયબૅક કરવા માગે છે. તમારી પાસે એ કંપનીના ૧૦૦ શૅર છે, જે તમને પ્રતિ શૅર ૧૦૦ના ઇશ્યુ ભાવે મળ્યા હતા. કંપની પ્રતિ શૅર ૫૦૦ રૂપિયા વધારે (૬૦૦-૧૦૦)ના ભાવે બાયબૅક કરે છે. ૧૦,૦૦૦ શૅરના ૫૦૦ રૂપિયાના હિસાબે એણે ૫૦ લાખ ચૂકવ્યા. આ રકમ પર એણે ૨૦ ટકા બાયબૅક ટૅક્સ વત્તા લાગુ પડતા અન્ય સરચાર્જ ચૂકવવાના રહે છે. આ સ્થિતિમાં તમારી શૅરદીઠ ૫૦૦ રૂપિયાની એટલે કે કુલ ૫૦,૦૦૦ રૂપિયાની આવક કરમુક્ત રહેશે. આ રીતે ટેન્ડર ઑફર રૂટ શૅરધારકોને લાભદાયક ઠરે છે. 

ઓપન માર્કેટ રૂટમાં ચિત્ર બદલાઈ જાય છે. મોટા ભાગની કંપનીઓ આ જ વિકલ્પ પસંદ કરે છે. 

ઓપન માર્કેટ રૂટમાં કંપનીઓ સ્ટૉક એક્સચેન્જો મારફતે બાયબૅક કરે છે. આ ઑફર લાંબા સમય સુધી ચાલે છે. કંપનીઓ માટે કરવેરાની દૃષ્ટિએ કોઈ ફેરફાર થતો નથી, પરંતુ બાયબૅકમાં મળેલી રકમ શૅરધારકોના હાથમાં આવે ત્યારે એ કરપાત્ર બને છે. 

સિગ્મા કંપની ઓપન માર્કેટ રૂટ પસંદ કરે તો શૅરધારકે કરવેરો ચૂકવવાનો આવે. જો તમે એક વર્ષ કરતાં ઓછા સમય સુધી આ શૅર રાખ્યા હોય તો તમને શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગે, જે ૧૫ ટકા વત્તા સરચાર્જ છે. જો ૧૨ મહિના કરતાં વધુ સમય શૅર તમારી પાસે રહ્યા હોય તો એને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગે. લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ વાર્ષિક એક લાખ રૂપિયા સુધીના લાભ માટે શૂન્ય છે. એનાથી વધુ રકમ માટે એ ૧૦ ટકા વત્તા સરચાર્જ છે.  

કેટલાક રોકાણકારો માટે બાયબૅકની ઑફરો કરવેરાની દૃષ્ટિએ લાભ લેવા માટે સારી છે. કોઈ રોકાણમાં કૅપિટલ ગેઇન થયો હોય તો એને બાયબૅકમાં થયેલા નુકસાનની સામે ભરપાઈ કરી શકાય છે. જે ખોટ સરભર કરી શકાઈ ન હોય એનાં આઠ અસેસમેન્ટ વર્ષ સુધી કૅરી ફૉર્વર્ડ કરી શકાય છે. 

business news share market stock market income tax department