આરોગ્ય વીમાની કાર્ડિઍક કૅર પૉલિસી

28 September, 2022 04:16 PM IST  |  Mumbai | Nisha Sanghvi

ક્લેમ ચૂકવાયા બાદ ક્રિટિકલ ઇલનેસ કવર બંધ થઈ જાય અને ટર્મ લાઇફમાં બાકી રહેતું કવર આગળ ચાલુ રહે છે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હૃદયની બીમારીઓ અને યોગ્યવીમો એ વિષયે આપણે ગયા વખતે વાત કરી હતી. આજે એ વાતને આગળ વધારીશું કે ગંભીર બીમારીઓ સંબંધે વીમાનું રક્ષણ કઈ રીતે ઉપલબ્ધ થાય છે.

ટર્મ ઇન્શ્યૉરન્સમાં ક્રિટિકલ ઇલનેસનું રાઇડર

ટર્મ લાઇફ પૉલિસીમાં ક્રિટિકલ ઇલનેસ રાઇડર તરીકે આવે છે. ટર્મ પૉલિસી હેઠળ ક્રિટિકલ ઇલનેસ કવરની વીમાની રકમ અને પ્રીમિયમ સામાન્ય રીતે ટર્મ લાઇફ પ્રીમિયમ કરતાં વધારે હોતી નથી. પૉલિસીની મુદત અલગ-અલગ હોય છે અને મર્યાદિત સમયગાળા માટે તથા ચોક્કસ વય સુધી પસંદ કરી શકાય છે. ટર્મ લાઇફ પૉલિસી હેઠળ ગંભીર બીમારી તરીકે આવરી લેવામાં આવતી બીમારીઓની યાદી હોય છે અને ક્લેમ કરવામાં આવે ત્યારે વીમાની રકમ વીમાધારકને મળી ગયા બાદ ટર્મ લાઇફ પૉલિસી ચાલુ રહે છે. સમગ્ર પૉલિસી ટર્મ દરમ્યાન પ્રીમિયમ સમાન રહે છે. ટર્મ લાઇફ હેઠળ પસંદ કરેલી પૉલિસીની મુદત સુધી જ ક્રિટિકલ ઇલનેસ રાઇડર મળે છે. અમુક ટર્મ લાઇફ પૉલિસીમાં ક્રિટિકલ ઇલનેસ અમુક ઉંમર સુધી જ આવરી લેવાય છે. એમાં રિસ્ક કવર વધારતા જવાનું શક્ય નથી. પૉલિસી ખરીદતી વખતે જ ક્રિટિકલ ઇલનેસની રકમ નક્કી કરી લેવી પડે છે. ક્લેમ આવે ત્યારે એકસામટી સંપૂર્ણ રકમ ચૂકવી દેવાય છે અને ટર્મ કવરમાંથી એ રકમ બાદ કરી દેવાય છે.

ક્લેમ ચૂકવાયા બાદ ક્રિટિકલ ઇલનેસ કવર બંધ થઈ જાય અને ટર્મ લાઇફમાં બાકી રહેતું કવર આગળ ચાલુ રહે છે. 

કાર્ડિઍક કૅર પૉલિસી

કાર્ડિઍક વીમો એ આ ઉદ્યોગમાં એક પ્રકારની વિશિષ્ટ પૉલિસી છે, જે હૃદયની અને હૃદય સિવાયની સંબંધિત બીમારીઓની સારવાર માટે સંપૂર્ણ કવર ઑફર કરે છે. તે હૃદયના દરદીઓ માટે આરોગ્ય વીમો પૂરો પાડે છે અને તેમની તમામ કાર્ડિયોવેસ્ક્યુલર જરૂરિયાતો માટે કવરેજ મળે છે. એ કાર્ડિયોવેસ્ક્યુલર અને રાબેતા મુજબના હૉસ્પિટલાઇઝેશનનું મિશ્રણ છે. હૃદયની બીમારીઓની વારંવાર કરવી પડતી સારવારની સ્થિતિમાં આર્થિક બોજ હળવો કરવામાં એનાથી મદદ મળે છે અને ખર્ચનું પૂરતું કવરેજ મળે છે.

આ પૉલિસી હૃદયની વિવિધ બીમારીઓ માટે અનેક વાર થતા ક્લેમને પણ આવરી લે છે. જોકે આ ક્લેમ વીમાની કુલ રકમ કરતાં વધારે રકમના હોઈ શકે નહીં. કાર્ડિઍક કૅર વીમા પૉલિસી સર્જિકલ અને બિન-સર્જિકલ સારવાર તથા આધુનિક સારવાર આવરી લે છે. ઉપરાંત, આઉટપેશન્ટ વિભાગમાં મળતી સારવાર અને અકસ્માતને લીધે થતા મૃત્યુ માટે એ પર્સનલ ઍક્સિડન્ટ કવર પણ ધરાવે છે. 

કાર્ડિઍક કૅર વીમા પૉલિસી હેઠળનાં ઇન્ક્લુઝન

કાર્ડિઍક કૅર પૉલિસીમાં હૃદયની તેમ જ હૃદય સિવાયની સંબંધિત બીમારીઓ પાછળ થતા અનેક પ્રકારના ખર્ચ આવરી લેવાય છે. આ પૉલિસીની મુખ્ય વિશેષતા એ છે કે જેમને પહેલેથી જ હૃદયની બીમારી હોય અથવા જેમણે હૃદયની સારવાર માટેની કોઈ સારવાર કરાવી દીધી હોય તે લોકો પણ એમાં આવરી લેવામાં આવે છે. જે વ્યક્તિઓએ પાછલાં ૭ વર્ષોમાં હૃદયની સર્જરી કરાવી હોય તેમણે આ પૉલિસી લઈ લેવી જોઈએ, કારણ કે એમને હૃદયની બીમારીઓનું જોખમ વધારે હોય છે.

પહેલેથી હોય એ બીમારીઓ (પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ) માટેનો વેઇટિંગ પિરિયડ

સામાન્ય રીતે પહેલેથી જે બીમારીઓ હોય એને આવરી લેતાં પહેલાં વેઇટિંગ પિરિયડ રાખવામાં આવતો હોય છે. મોટા ભાગે બેથી ચાર વર્ષનો વેઇટિંગ પિરિયડ હોય છે. 

હૃદયરોગ સિવાયની તકલીફો અને અકસ્માતો માટે હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ
કાર્ડિઍક કૅર પૉલિસીના સમયગાળા દરમ્યાન ઓછામાં ઓછા ૨૪ કલાક માટે હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની જરૂર હોય તો એનો ખર્ચ પૉલિસી હેઠળ આવરી લેવાય છે. સામાન્ય રીતે નીચે જણાવેલા ખર્ચને આવરી લેવાય છે...
રૂમનું ભાડું, બોર્ડિંગ અને નર્સિંગનો ખર્ચ, દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સ ચાર્જ, હૉસ્પિટલમાં દાખલ થવા પહેલાંનો ખર્ચ, હૉસ્પિટલમાં દાખલ થયા પછીનો ખર્ચ

business news