વર્તમાન સંજોગોમાં વધી ગયેલું ડિબેન્ચરનું મહત્ત્વ

09 September, 2019 07:49 AM IST  |  મુંબઈ | વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

વર્તમાન સંજોગોમાં વધી ગયેલું ડિબેન્ચરનું મહત્ત્વ

છેલ્લા ચાર-પાંચ મહિનામાં અનેક જાણીતી કંપનીઓ ડિબેન્ચરોના પબ્લિક ઇશ્યુ લાવી છે અને એમાં ૯થી લઈને ૧૦.૨૫ ટકા સુધીનું વ્યાજ ઑફર કરાયું છે. વર્તમાન સંજોગોમાં ઇક્વિટી માર્કેટ નબળી ચાલી રહી છે અને આગામી દિવસોમાં એમાં સુધારાનો અવકાશ દેખાતો નથી એવા સમયે નિશ્ચિત વળતરની ખાતરી મળે એ આકર્ષક બાબત છે. આથી લોકો આવા ઇશ્યુમાં રોકાણ કરે એ સ્વાભાવિક છે.

ડિબેન્ચરના પબ્લિક ઇશ્યુ પ્રાઇમરી માર્કેટમાં ઓપન થાય અને એની સમાપ્તિની તારીખ બાદ સ્ટૉક એક્સચેન્જોમાં એનું ટ્રેડિંગ શરૂ થાય છે. રોકાણકારો એ વખતે પણ રોકાણ કરી શકે છે. ડિબેન્ચરોના ઇશ્યુ આવી રહ્યા હોય ત્યારે એના વિશે જનતાને પૂરતી જાણકારી હોય એ આવશ્યક છે.

શરૂઆતમાં કહેવાનું કે કંપનીઓને લોકો પાસેથી નાણાં એકઠાં કરવા માટે બે માર્ગ ઉપલબ્ધ હોય છે. એક, ઇક્વિટી અને બે, ડેટ. ઇક્વિટીમાં કંપનીઓ પોતાની માલિકીનો હિસ્સો ઘટાડીને એ હિસ્સો લોકોમાં વહેંચી દેતી હોય છે. આથી આવી મૂડીને લોકો માટે રિસ્ક કૅપિટલ કહેવાય છે. એનો અર્થ એવો થયો કે એમાં રોકાણ કરનારાઓને બજારમાં થનારા ભાવના ઉતાર-ચડાવના જોખમની અસર થાય છે.

ડેટ મારફત નાણાં ઊભાં કરવામાં આવે ત્યારે કંપનીઓએ પોતાની માલિકીના હિસ્સામાં કોઈ જ ઘટાડો કરવો પડતો નથી. તેઓ ડિબેન્ચર અને બૉન્ડ જેવાં ડેટ સાધનો દ્વારા લોકો પાસેથી નાણાં એકઠાં કરી શકે છે. કંપની ઇશ્યુનાં કદ તથા અન્ય પરિબળોના આધારે વ્યાજનો દર અને મુદત નક્કી કરે છે. બૉન્ડ અને ડિબેન્ચરની અનેક શ્રેણી હોય છે. એમાં કન્વર્ટિબલ અને નૉન-કન્વર્ટિબલ, સિક્યૉર્ડ અને અનસિક્યૉર્ડ ડિબેન્ચર, ક્યુમ્યુલેટિવ અને નૉન-ક્યુમ્યુલેટિવ, રીડિમેબલ અને નૉન-રીડિમેબલ, રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ, ફિક્સ્ડ અને ફ્લોટિંગ રેટ, કોલેબલ અને પુટેબલ ડિબેન્ચર્સ તથા ઝીરો કૂપન બૉન્ડ્સ-ડિબેન્ચર્સ વગેરેનો સમાવેશ છે.

બૉન્ડ અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપણે ગયા વખતના લેખમાં જોયો હતો. બૉન્ડનો ઇશ્યુ સાર્વભૌમ સંસ્થાઓ જ લાવી શકે છે, જ્યારે ડિબેન્ચરનો ઇશ્યુ પ્રાઇવેટ કંપનીઓ તથા અન્ય નાણાકીય સંસ્થાઓ લાવી શકે છે.

આજે આપણે ડિબેન્ચર વિશે થોડી વધુ વાત કરીશું :

૧. સિક્યૉર્ડ અને અનસિક્યૉર્ડ ડિબેન્ચરઃ સિક્યૉર્ડ ડિબેન્ચરમાં કંપનીએ રોકાણકારોનાં નાણાં પાછાં આપવા માટે જમાનત તરીકે ઍસેટ રાખવી જરૂરી છે. આ પ્રકારની સુરક્ષા હોવાને લીધે સિક્યૉર્ડ ડિબેન્ચર વધુ પસંદ કરાય છે. અનસિક્યૉર્ડમાં કોઈ જમાનત રાખવામાં આવતી નથી. એને કોઈ પણ જામીન વગરની પર્સનલ લોન સાથે સરખાવી શકાય.

૨. ક્યુમ્યુલેટિવ અને નૉન-ક્યુમ્યુલેટિવઃ ક્યુમ્યુલેટિવ ડિબેન્ચરમાં દર વર્ષે મળનારા વ્યાજને મુદ્દલ સાથે ઉમેરીને બીજા વર્ષે એ કુલ રકમ પર વ્યાજ આપવામાં આવે છે. આ રીતે દર વર્ષે મુદ્દલ વધતી જાય છે અને છેલ્લે જમા રકમ પાછી અપાય છે. નૉન-ક્યુમ્યુલેટિવમાં રોકાણકારને નિશ્ચિત વાર્ષિક વળતર મળે છે. એને મુદ્દલમાં ઉમેરવામાં આવતું નથી. આમ છેલ્લે પાકતી તારીખે શરૂઆતમાં હતું એટલું જ મુદ્દલ પાછું મળે છે.

૩. કન્વર્ટિબલ અને નૉન-કન્વર્ટિબલઃ કન્વર્ટિબલ ડિબેન્ચરમાં રોકાણકારને નિશ્ચિત સમયગાળા બાદ રોકાણને ઇક્વિટી શૅરમાં પરિવર્તિત કરવાનો વિકલ્પ મળે છે. નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચરને શૅરમાં પરિવર્તિત કરી શકાતાં નથી.

૪. ફિક્સ્ડ અને ફ્લોટિંગ રેટ ડિબેન્ચરઃ નામ પ્રમાણે જ ફિક્સ્ડ રેટમાં પાકતી તારીખ સુધી નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે અને ફ્લોટિંગ રેટમાં વ્યાજદર બદલાઈ શકે છે.

આ પણ વાંચોઃ નોકરિયાત લોકો અહીં કરો રોકાણ, થશે જબરજસ્ત કમાણી

આટલું જાણી લીધા બાદ એ પણ ધ્યાનમાં રાખવું કે નિશ્ચિત વળતરના સાધન તરીકે ડિબેન્ચરની પસંદગી કરવામાં આવતી હોય છે એથી એમાં જોખમ ઓછું હોવું જોઈએ. આ દૃષ્ટિએ સિક્યૉર્ડ ડિબેન્ચર વધારે યોગ્ય છે. ઉપરાંત ડિબેન્ચરને મળેલું રેટિંગ, કરવેરા બાદના વળતરનો દર, પ્રવાહિતા વગેરે બાબતોને પણ લક્ષમાં લેવી જોઈએ.

khyati@plantrich.in

business news