29 October, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટિંગ વખતે અંબાણી પરિવાર અને અનંત અંબાણીના સંબોધન વખતે મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા.
જિયો પ્લૅટફૉર્મ્સે શૅરબજારમાં કરેલા ધમાકેદાર ડેબ્યુ સાથે જ ભારતના સૌથી મૂલ્યવાન બિઝનેસ-ગ્રુપ્સના ક્રમમાં મોટો ઊલટફેર સર્જાયો છે. બુધવારે જિયોનો શૅર પ્રતિ શૅર ૧૩૫૮ રૂપિયાના ભાવે લિસ્ટ થતાંની સાથે જ રિલાયન્સ ગ્રુપ માર્કેટ કૅપિટલાઇઝેશન (માર્કેટકૅપ)ની દૃષ્ટિએ તાતા ગ્રુપને પાછળ છોડીને ભારતનું સૌથી મૂલ્યવાન બિઝનેસ ગ્રુપ બની ગયું હતું. જિયોના લિસ્ટિંગ બાદ રિલાયન્સ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટકૅપ ૨૮.૯ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ યાદીમાં તાતા ગ્રુપ ૨૫.૬ લાખ કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે અને અદાણી ગ્રુપ ૧૬.૬ લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા ક્રમે રહ્યું છે.
જિયોના લિસ્ટિંગથી રિલાયન્સ ગ્રુપના ઓવરઑલ વૅલ્યુએશનમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. શૅર એના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ના ૧૧૧૯ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ સામે ૨૧.૪ ટકા પ્રીમિયમ સાથે ૧૩૫૮ રૂપિયાના સ્તરે લિસ્ટ થયો હતો. આ ભાવે જિયોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૨.૫ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. આમ માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો પ્લૅટફૉર્મ્સનું સંયુક્ત બજારમૂલ્ય જ ૨૮.૭ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. આ સાથે જિયો પ્લૅટફૉર્મ્સ ૭૯.૮ લાખ શૅરહોલ્ડર્સ સાથે દેશમાં સૌથી મોટો શૅરહોલ્ડર બેઝ ધરાવતી કંપની પણ બની જવા પામી છે.
જિયોના લિસ્ટિંગ નિમિત્તે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) ખાતે પરંપરાગત
બેલ-રિન્ગિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી તથા પરિવારનાં મોભી કોકિલાબહેન અંબાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. લિસ્ટિંગ પૂર્વે આકાશ, ઈશા અને અનંત અંબાણીએ ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કર્યાં હતાં. જિયો પ્લૅટફૉર્મ્સના મૅનેજિંગ ડિરેક્ટર (MD) આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ‘આજનું લિસ્ટિંગ એ કોઈ અંતિમ પડાવ નથી, પરંતુ એક નવી શરૂઆત છે. અમે પારદર્શક સંવાદ જાળવી રાખીશું, અમારાં તમામ વચનો પૂરાં કરીશું અને પરિણામો આપીને તમારો વિશ્વાસ સતત જીતતા રહીશું.’
આ લિસ્ટિંગની બીજી એક ઐતિહાસિક વિશેષતા એ રહી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો પ્લૅટફૉર્મ્સ હવે ભારતની અનુક્રમે પ્રથમ અને બીજી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપનીઓ બની ગઈ છે. માત્ર આ બે કંપનીઓની સંયુક્ત માર્કેટકૅપ જ તાતા ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત મૂલ્ય કરતાં ૩.૧ લાખ કરોડ રૂપિયા વધારે છે. આમ જિયોના ડેબ્યુએ માત્ર લિસ્ટેડ કંપનીઓનાં જ નહીં પરંતુ દેશનાં ટોચનાં ઔદ્યોગિક જૂથોનાં સમીકરણો પણ બદલી નાખ્યાં છે.
આ સરખામણી પ્રત્યેક બિઝનેસ-ગ્રુપ હેઠળ નોંધાયેલી લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટકૅપના આધારે કરવામાં આવી છે. રિલાયન્સ ગ્રુપની ગણતરીમાં જિયો ફાઇનૅન્શિયલ સર્વિસિસનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
જિયોના ઐતિહાસિક IPOને ઊજવવા ગઈ કાલે રાત્રે મરીન ડ્રાઇવ પર જિયો ડ્રોન શો રાખવામાં આવ્યો હતો જેમાં અનંત અંબાણી પણ જોડાયા હતા. તસવીરો : આશિષ રાજે