19 October, 2026 02:21 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
શૅરબજારને અને ખાસ કરીને પ્રાઇમરી ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ્સ (IPO) માર્કેટને ઉત્તેજન મળે એવી ઘટના આકાર પામી રહી છે જે માટે જિયો પ્લૅટફૉર્મનો IPO નિમિત્ત બનશે. દિવાળી પૂર્વે એક અલગ દિવાળી આ પબ્લિક ઇશ્યુને કારણે બજારમાં ઊજવાય તો નવાઈ નહીં. યાદ રહે, આ એક ન્યુ ઇકૉનૉમીની કંપની છે
આખરે રિલાયન્સ ગ્રુપની ડિજિટલ સર્વિસિસ કંપની જિયો પ્લૅટફૉર્મના IPOની તારીખ નક્કી થઈ ગઈ. પ્રાઇસ બૅન્ડ ૧૦૬૫થી ૧૧૧૯ રૂપિયા જાહેર થઈ છે. આ વરસનો વધુ એક જંગી અને ઐતિહાસિક IPO જેમાં રોકાણકારો અરજીઓ કરવા દોડશે, ઇશ્યુ છલકાશે, લિસ્ટિંગનો જબરદસ્ત ઉન્માદ રહેશે. નવા રોકાણકારો બજારમાં પ્રવેશશે, વધુ ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલશે એવી ચર્ચા જોર પકડી રહી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સ અને ઍન્કર ઇન્વેસ્ટર્સ તો સક્રિય થઈ જ ગયા છે. કંપનીના ઇશ્યુની સાઇઝ અંદાજિત ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની રહેશે. આ ૨૧ ઑક્ટોબરે આગમન થશે અને લિસ્ટિંગ પણ. હાલ તો ગ્રેમાર્કેટમાં આ શૅરના પ્રીમિયમ પણ વધી રહ્યા હોવાના અહેવાલ છે. દિવાળી પહેલાં એક અલગ દિવાળી. સેકન્ડરી માર્કેટના હાલ જે પણ હોય, પ્રાઇમરી માર્કેટ આ દિવાળી ઊજવશે એવું કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો શૅરબજારમાં આને કારણે નવી વાઇબ્રન્સી આવશે એવું કહેવાય છે. આની અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને અને એના શૅરધારકોને પણ થશે જેના ભાવને કરન્ટ મળશે જે લાંબા સમયથી ઠંડા રહ્યા અને ઘટતા પણ રહ્યા હતા.
મ્યુચ્યુઅલ ફન્ડનો સપોર્ટ સહી હૈ
ભારતીય રોકાણકારો માટે હાલ એક બાબત મજાની અને નોંધપાત્ર એ છે કે તેમણે રોકાણનો પ્રવાહ ચાલુ રાખ્યો છે, શૅરબજારમાં સીધું રોકાણ નહીં તો મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં ચાલુ રાખ્યું છે, ખાસ કરીને ઇક્વિટીલક્ષી સ્કિમમાં અને એમાં પણ વિશેષ કરીને સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં. બજારમાં આડેધડ વૉલેટિલિટી અને અનિશ્ચિતતા છતાં SIP માર્ગે સપ્ટેમ્બરમાં ૩૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ જમા થયું છે. ઇક્વિટી સ્કિમ્સમાં નેટ પ્રવાહ ૩૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ આવ્યો છે. આ આંકડા રીટેલ રોકાણકારોનો બજારમાં અને ઇકૉનૉમીમાં વિશ્વાસ દર્શાવે છે. શૅરબજારની એક સપોર્ટ સિસ્ટમ સમાન બની ગયેલાં ફન્ડ્સની કુલ ઍસેટ્સ ૮૫ લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે જેમાં પણ ઇક્વિટીઝનો ફાળો સૌથી વધુ છે. ઇન શૉર્ટ, ઇન્વેસ્ટર્સના બહુ મોટા વર્ગને આવો સમય લાંબા ગાળાનો ઉત્તમ સમય લાગે છે. તેમનું રોકાણ ચાલુ રહેવાથી તેમને ઍવરેજનો લાભ પણ મળતો રહે છે. આ જ ખરી શક્તિ છે જે તેમને લાંબે ગાળે લાભ આપે છે અને એટલે જ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ... લાગે છે.
બ્લૅકરૉકનો ભારત માટે આશાવાદ
બીજી બાજુ વિદેશી રોકાણકારો માર્કેટમાં ભલે નેટ સેલર્સ રહ્યા, વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ ભારતમાં રોકાણ કરવામાં ખાસ રસ લઈ રહી છે જેના તાજા પુરાવારૂપે વિશ્વની વિરાટ ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લૅકરૉકે એક જાહેરાતમાં કહ્યું છે કે એ એનું ભારતનું રોકાણ આગામી પાંચ વર્ષમાં બમણું કરીને ૧૦૦ અબજ ડૉલર કરશે. આ કંપનીએ ભારતની યુવા શક્તિને ધ્યાનમાં રાખી ભારતના વિકાસ માટે ઊંચો આશાવાદ વ્યક્ત કરવા સાથે ૭ ટકાના ગ્રોથ રેટનો અંદાજ પણ મૂક્યો છે. આ કંપનીના ચીફ ઑપરેટિંગ ઑફિસર જોનાથન ગ્રેના મતે જો અર્નિંગ ગ્રોથ ચાલુ રહ્યો તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો શૅરબજારમાં પાછા ફરશે એવી આશા અવશ્ય રાખી શકાય.
IMFનો આશાવાદ
દરમ્યાન ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)એ પણ ભારતનો વિકાસદર વર્ષ ૨૦૨૭ અને ૨૦૨૮ માટે ૭ ટકાનો અંદાજ્યો છે. આ માટે એણે ભારતની સ્થાનિક બજારોની તેજી, રિફૉર્મ્સનાં પગલાં, યુકે-યુરોપિયન યુનિયન સાથેના વેપારકરાર, સરળ નીતિ વિષયક ફેરફાર વગેરેને કારણ ગણાવ્યાં છે. આ બાબતો લાંબા ગાળાની હોવાથી એને એ પરિપ્રેક્ષ્યમાં સમજવી જોઈશે. એક મહત્ત્વના અહેવાલ મુજબ ભારત પ્રાઇવેટ કૅપિટલ ઊભી કરવાના વર્લ્ડ બૅન્ક ગ્રુપમાં ભારત પણ જોડાયું છે અને આ ગ્રુપે અત્યાર સુધીમાં ૧૧૨ અબજ ડૉલરની મૂડી ઊભી કરી છે. આ માર્ગે વધુ મૂડી ઊભી કરવા યુએસ અને યુકે સાથે ભારત પણ સહભાગી બન્યું છે.
કૅપિટલ ગેઇન ટૅક્સ
દરમ્યાન નાણાપ્રધાને કરેલા નિવેદન મુજબ સરકાર લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ વિશે વિચારણા કરવા તૈયાર છે. આ ટૅક્સનો બોજ બજારને અને રોકાણકારોને ભારે લાગે છે. હવે LTCG વિશે સાંભળવા તૈયાર થઈ છે. માત્ર આટલા સમાચારને પગલે બજારે ગયા મંગળવારે ૧૧૦૦ પૉઇન્ટનો ઉછાળો માર્યો હતો. બજારના તૂટીને હાલહવાલ થયા પછી સરકારને આ વિચાર આવ્યો છે. આ ટૅક્સ જાય અથવા હળવો કરાય તો ફૉરેન ઇન્વેસ્ટર્સના રોકાણપ્રવાહ પર પણ પૉઝિટિવ અસર થઈ શકે. જોકે સરકાર ટૅક્સમાં ઘટાડો કરશે કે એને ફરી નાબૂદ કરશે એવું પાક્કું કહી શકાય નહીં. જો નિર્ણય માર્કેટ માટે નેગેટિવ આવશે તો એણે મોટા કડાકા માટે પણ તૈયાર રહેવું પડશે.
માર્કેટ બહેતર રિકવરી તરફ
સોમવારે બજારમાં કરેક્શનનો ધબડકો અને મંગળવારે રિકવરીનો ઉછાળો જોવાયો. બુધવારે સાધારણ કરેક્શન જોવાયું. મજાની વાત જુઓ, ગુરુવારે આ બજારે સેન્સેક્સમાં ૧૫૦૦ અને નિફટીમાં ૩૭૦ પૉઇન્ટનો કુદકો માર્યો અને શુક્રવારે પુનઃ રિકવરી ચાલુ રાખી બન્ને બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઉપર ગયા જેમાં નિફ્ટી ૨૩,૦૦૦ને પાર અને સેન્સેક્સ ૭૪,૭૦૦ પાર કરી બંધ રહ્યાં હતાં. આને સારી રિકવરી કહી શકાય, પરંતુ એ કયાં સુધી ચાલે છે એ હાલના સંજોગોમાં કળવું કઠિન છે, કારણ કે નેગેટિવ પરિબળો હજી ઊભાં છે જેમાં સૌથી મોટું પરિબળ મોંઘવારીનું છે. અલબત્ત, આ હાલાતમાં પણ લૉન્ગ ટર્મ રોકાણની તકનો લાભ લેવામાં સાર ખરો.
ફુગાવાની અને વ્યાજદરની ચિંતા ખરી
બીજી બાજુ ફુગાવાનો-મોંઘવારીનો દર સપ્ટેમ્બરમાં વધીને ૫.૫૪ ટકા થઈ ગયો છે જે રિઝર્વ બૅન્કના ૪ ટકાના ટાર્ગેટ સામે ઘણો વધુ કહેવાય. આ મોંઘવારી દર હજી વધવાનો ભય માથે છે. પરિણામે ફરી એક વાર વ્યાજવધારાની શક્યતા ઊભી થઈ છે. અમેરિકા-ઈરાન મામલો બરાબર ઉકેલાય નહી ત્યાં સુધી ક્રૂડ શાંત પડે એવી શક્યતા નથી. પરિણામે મોંઘવારી માથે લટકતી રહેશે જે બજાર-બચત-રોકાણ સામે અવરોધ બનશે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
કોઈ કંપની IPO લાવી રહી હોય અને એણે SEBIમાં પોતાના દસ્તાવેજ ફાઇલ કરી દીધા હોય એ પછી કંપનીને એના ઇશ્યુનું કદ નાનું કે મોટું કરવું હોય તો SEBIએ એને ૬ મહિનાનો સમય આપવાનો નિર્ણય લીધો છે. આ IPO ૩૧ માર્ચ ૨૦૨૭ના રોજ અથવા એ પહેલાં ખૂલતો હોવો જોઈએ.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધી અહેવાલો IT કંપનીઓ પર સતત અસર કરતા રહે છે જેથી એમાં વૉલેટિલિટી ચાલ્યા કરતી હોવાથી આવા સ્ટૉક્સના રોકાણકારોએ સતેજ રહેવું જરૂરી બને છે.
SEBI સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (SMI) IPOના નિયમો હળવા કરવાની યોજના ધરાવતી હોવાના અહેવાલ છે, જો આમ થયું તો SMI માર્કેટને પણ વેગ મળશે.
મિડલ ઈસ્ટમાં હજી તનાવ ચાલુ હોવાની બાબત ચિંતાનો વિષય ગણાય, જેના પર નજર રાખવી અને સાવચેત રહેવું જરૂરી રહેશે.
યુએસમાં હાલ મોંઘવારીદર, વ્યાજદર, બૉન્ડ્સ યિલ્ડ અને ટૂંકમાં યોજાનાર મિડ ટર્મ પોલ પર પણ નજર રાખવી રહી.