ITમાં સૂપડાં સાફ જેવી સ્થિતિ, બજાર ૧૦૬૯ પૉઇન્ટ ગબડ્યું

25 February, 2026 07:21 AM IST  |  Mumbai | Anil Patel

સતત પાંચમા દિવસની ખરાબીમાં IT ઇન્ડેક્સ જૂન ૨૦૨૩ પછીના તળિયે જઈને ૧૩૮૬ પૉઇન્ટ ડૂલ : ઇન્ફોસિસ, વિપ્રો, TCS, તાતા એલેક્સી, તાતા ટેક્નૉલૉજીઝ, લાર્સન ટેક્નૉલૉજીઝ, ઇન્ફો એજ, હેક્સાવેર, માસ્ટેક, ઝેનસાર સહિત સંખ્યાબંધ IT શૅરમાં નવા નીચા ભાવ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ઘરઆંગણે બજાર ખરડાયું છે. ઍન્થ્રોપિકનું ક્લાઉડ કોડ ટૂલ્સ ભારતીય IT સેક્ટરના પરંપરાગત બિઝનેસ મૉડલ માટે મૃત્યુઘંટ વગાડશે. IT કંપનીઓની આવકની સરવાણી સુકાઈ જશે એવો ડર વધવા માંડ્યો છે. IT ઇન્ડેક્સ સતત પાંચમા દિવસે ખરાબીમાં સાડાચાર ટકા ગગડી નવા ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ઇન્ફોસિસ, વિપ્રો, તાતા એલેક્સી, ઝેનસાર ટેક્નો, ૬૩ મૂન્સ, ઇન્ફો એજ, માસ્ટેક, કેપીઆઇ ટેક્નો, લાર્સન ટેક્નૉલૉજીઝ, હેક્સાવેર, હૅપીએસ્ટ માઇન્ડ, હિન્દુજા ગ્લોબલ, ઇમુદ્રા, સિયેન્ટ, TCS, એક્સેલ્યા સહિત સંખ્યાબંધ IT શૅરમાં વરવા વર્સ્ટ લેવલ દેખાયું છે. ચાલુ કૅલૅન્ડર વર્ષના બે મહિના પણ પૂરા થયા નથી ત્યાં IT બેન્ચમાર્ક લગભગ ૨૦ ટકા ડૂલ થઈ ગયો છે. સવાલ માત્ર IT સેક્ટરની ખરાબીનો નથી. IT ખુવાર થશે તો એની પાછળ વહેલા મોડા જે સેકન્ડ ઑર્ડર ઇફેક્ટ્સ આવશે એનું શું? રિયલ એસ્ટેટ, ટૂરિઝમ, ઇલેક્ટ્રોનિકસ, બૅ​ન્કિંગ, વ્યક્તિગત અને કૉર્પોરેટ ટૅક્સનું કલેક્શન, અર્બન કન્ઝમ્પ્શન, ગાડીઓ અને વાહનોનું વેચાણ, ક્વિક કૉમર્સ, સ્ટેટ GST કલેક્શન વગેરે સઘળું માર ખાશે. બેરોજગારી અને ગરીબીની ચિંતા લેફ્ટિસ્ટો કરશે. આપણે એમાં નથી પડવું.

સેન્સેક્સ આગલા બંધથી ૨૪૩ પૉઇન્ટ નરમ ૮,૦૫૨ ખૂલી છેવટે ૧૦૬૯ પૉઇન્ટ તૂટી ૮૨,૨૨૬ તથા નિફ્ટી ૨૮૮ પૉઇન્ટ બગડી ૨૫,૪૨૫ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૮૩,૦૭૯ અને નીચામાં ૮૧,૯૩૪ થયો હતો. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૦૭૦ શૅર સામે ૨૧૦૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૫૩ લાખ કરોડ ઘટી ૪૬૫.૬૪ લાખ કરોડે રહ્યું છે. સેન્સેક્સ નિફ્ટીની સવા ટકા ખરાબી સામે IT ઇન્ડેક્સ સાડાચાર ટકા, ટેલિકૉમ પોણાબે ટકા, રિયલ્ટી અઢી ટકા, નિફ્ટી મીડિયા સવા ટકો, નિફ્ટી ડિફેન્સ ૦.૬ ટકા માઇનસ હતું. સેન્સેક્સ નિફ્ટી ખાતે જૂજ શૅર પ્લસ હતા. JSW સ્ટીલ ૧.૧ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર એકાદ ટકો, NTPC બે ટકા, હિન્દાલ્કો પોણો ટકો, તાતા સ્ટીલ અડધો ટકો સુધરી હતી.

ટેક મહિન્દ્ર નીચામાં ૧૩૩૬ થઈ ૬.૩ ટકા તૂટી ૧૩૫૧ તથા HCL ટેક્નો ૧૩૨૨ થઈ ૫.૮ ટકા ગગડી ૧૩૪૪ બંધ રહી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. લાર્સન ૪૪૪૦ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી હેવી પ્રૉફિટ-બુકિંગમાં ૪૨૨૯ થઈ ૩.૪ ટકા કે ૧૪૯ રૂપિયા બગડી ૪૨૬૮ થઈ છે. સ્ટેટ બૅન્ક પણ ૧૨૩૫ નજીક નવું બેસ્ટ લેવલ દેખાડી ૧૨૨૮ના લેવલે ફ્લૅટ હતી. લાર્સનની ખરાબી બજારને ૧૪૮ પૉઇન્ટ નડી છે. નોંધપાત્ર ઘટેલી અન્ય જાતોમાં ઇન્ફોસિસ ચારેક ટકા, એટર્નલ ૫.૩ ટકા, TCS ૩.૮ ટકા, ટ્રેન્ટ ત્રણેક ટકા, ભારતી ઍરટેલ ૨.૮ ટકા, વિપ્રો ૨.૮ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિકસ ૧.૧ ટકા, આઇશર ૧.૪ ટકા, SBI લાઇફ સવા ટકો ICICI બૅન્ક એક ટકો, મારુતિ એકાદ ટકો, જિયો ફાઇનૅન્સ એક ટકો મુખ્ય હતી. રિલાયન્સ નીચામાં ૧૪૧૫ બતાવી છેવટે નજીવા સુધારે ૧૪૩૦ હતી. HDFC બૅન્ક ૧.૪ ટકા ઘટી ૯૧૧ બંધમાં બજારને ૧૬૯ પૉઇન્ટ ભારે પડી છે.

કાર ટ્રેડ ૧૧ ટકા કે ૨૨૨ રૂપિયા ગગડી A ગ્રુપમાં ખરડાઈ હતી. સ્પાઇસ જેટ ૧૪.૧૧ની મલ્ટિયર બૉટમ બનાવી પોણાદસ ટકા તૂટી ૧૪.૩૧ થઈ છે. લાર્સન ટેક્નૉ ૮.૪ ટકા કે ૨૯૦ રૂપિયા ડૂલ હતી. નાટકો ફાર્મા ૫.૭ ટકા, એસકેએફ ઇન્ડિયા ૫.૫ ટકા, એન્ડ્યુરન્સ ૪.૫ ટકા વધી છે. 

ફ્રૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝમાં નજીવો લિસ્ટિંગ ગેઇન, યશ તેજનું આજે લિસ્ટિંગ

મુંબઇની ગાર્મેન્ટ કંપની ફ્રૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૨૧૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં બોલાતા આઠના પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૨૨૯ ખૂલી ૨૧૭ બંધ રહેતાં એમાં પોણો ટકો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. લાતુરની યશતેજ ઇન્ડસ્ટ્રીઝનો SME IPO આજે લિસ્ટેડ થશે. એમાં પ્રીમિયમ ઝીરો થયેલું છે. બોરીવલીની હિલ્ટન મેટલ એક્સ રાઇટ થતાં ઉપરમાં ૧૯.૯૨ થઈ પાંચ ટકા વધીને ૧૯.૫૯ રહી છે. પદમ કૉટન એક્સ-રાઇટ થતાં ૪.૬ ટકા વધી ૨.૫૦ હતી. કૃષિવાલ ફૂડ્સ ઉપરમાં ૩૨૪ થઈ નજીવી ઘટી ૩૨૨ હતી, પરંતુ એનો પાર્ટપેઇડ ૧૩૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૮ ટકા ઊછળી ૧૨૨ રહ્યો છે. ઓલા ઇલેક્ટ્રિક પચીસનું ઑલટાઇમ તળિયું દેખાડી ૨.૮ ટકા ગગડી ૨૫.૧૫ રહી છે. ક્વૉલિટી વૉલ્સ પણ ૨૫.૭૨ના વર્સ્ટ લેવલે જઈ સાડાત્રણ ટકા તૂટી ૨૬.૧૧ હતી.

IT ઇન્ડેક્સ ૨૯,૦૮૧ના ઐતિહાસિક તળિયે જઈ ૪.૫ ટકા કે ૧૩૮૬ પૉઇન્ટ કપાઈ ૨૯,૨૪૨ બંધ થયો છે. નિફ્ટી IT પણ પોણાત્રણ વર્ષનું બૉટમ બનાવી ૪.૭ ટકા ડૂલ હતો. ITના ૭૭માંથી ૭૧ શૅર ખરડાયા હતા. ૬૩ મૂન્સ, સાઇબર ટેક સિસ્ટમ, સિએન્ટ, ઇમુદ્રા, હૅપીએસ્ટ માઇન્ડ, હેક્સાવેર, હિન્દુજા ગ્લોબલ, ઇન્ફોસિસ, TCS, KPIT ટેક્નો, લાર્સન ટેક્નો, માસ્ટેક, ઇન્ફો એજ, નેટવર્ક પિપલ, તાતા એલેકસી, વિપ્રો, ઝગલ, ઝેનસાર ટેક્નો સહિત સંખ્યાબંધ શૅરમાં સાવ નીચા ભાવ દેખાયા છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૧૨૬૫ની ૩૨ મહિનાની બૉટમ બનાવી ચારેક ટકા ગગડી ૧૨૭૬ બંધમાં બજારને ૧૫૬ પૉઇન્ટ નડી છે. TCS ૩.૮ ટકા ખરડાઈ ૨૫૭૪, HCL ટેક્નો ૬.૧ ટકા, ગગડી ૧૩૩૯, ટેક મહિન્દ્ર સાડાછ ટકા ઘટી ૧૩૪૬, વિપ્રો ૨.૮ ટકા બગડી ૨૦૦, લાટિમ ૬.૯ ટકા તૂટીને ૪૪૯૮ હતી. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સવાછ ટકા, સિગ્નિટી ટેક્નો ૫.૬ ટકા, કોફૉર્જ સવાછ ટકા, લાર્સન ટેક્નૉલૉજી ૮.૪ ટકા, ઇમુદ્રા સાડાચાર ટકા, રામકો સિસ્ટમ્સ પોણાદસ ટકા, એફલી સવાસાત ટકા સાફ થઈ છે. ઇનોવાના સવાપાંચ ટકા ઊછળી ૪૪૪ હતી. ૬૩ મૂન્સ ૧૬ મહિનાના તળિયે જઈ અઢી ટકા વધીને ૬૦૦ ઉપર ગઈ છે. 

મોબિક્વિક સ્ટૉક બ્રોકિંગ બિઝનેસમાં, શૅર ખરાબ બજારે વધ્યો

ફિનટેક કંપની વન મોબિક્વિક સિસ્ટમ્સની સબસિડિયરી મોબિક્વિક સિક્યૉરિટીઝ બ્રોકિંગને BSE તરફથી સ્ટૉક બ્રોકિંગ બિઝનેસ શરૂ કરવાની મંજૂરી મળી છે. મોબિક્વિકનો શૅર ગઈ કાલે ઉપરમાં ૨૨૭ થઈ બે ટકા વધીને ૨૦૬ બંધ થયો છે. કંપની ડિસેમ્બર ૨૦૨૪માં બેના શૅરદીઠ ૨૭૯ના ભાવે ૫૭૨ કરોડનો ઇશ્યુ લાવી હતી. NSE તરફથી ૨૯ એપ્રિલથી ડેરિવેટિવ્ઝમાંથી હુડકો, પિરામલ ફાર્મા, તાતા ટેક્નૉલૉજીઝ તથા ટૉરન્ટ ફાર્માને બાકાત કરવાનું નક્કી થયું છે. ગઈ કાલે હુડકો ૨.૧ ટકા ઘટીને ૧૯૦, પિરામલ ફાર્મા દોઢ ટકો ઘટીને ૧૫૯, ટૉરન્ટ ફાર્મા બે ટકા વધીને ૪૩૯૯ની ટૉપે અને તાતા ટેક્નૉલૉજીઝ પોણાપાંચ ટકા તૂટીને ૫૭૨ના તળિયે બંધ થઈ છે. મહારાષ્ટ્ર ક્રિષ્ના વૅલી ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી ૧૩૩ કરોડના પ્રોજેક્ટ માટેના ટેન્ડરમાં પરેલ એન્જિનિયરિંગને લોઍક્ટ બિડર જાહેર કરાઈ છે. શૅર ઉપરમાં ૨૮.૮૦ થઈ દોઢ ટકા વધીને ૨૮.૩૫ હતો.

શૅરે હોટેલ્સ તરફથી ૬૩૩ કરોડના રોકાણથી હૈદરાબાદના માધાપુર ખાતે ૩૩૦ રૂમની લક્ઝરી હોટેલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. હોટેલની સાથે જ એના ભાગરૂપ ૩૬,૨૫૫ ચોરસફુટ કમર્શિયલ રીટેલ સ્પેસ પણ ડેવલપ કરાશે. શૅર ઉપરમાં ૮૭૧ થઈ સવાબે ટકા ઘટીને ૮૪૩ બંધ થયો છે. સિગ્મા ઍડ્વાન્સ સિસ્ટમ્સને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી ૧૦૦ કરોડનો નવો ઑર્ડર મળ્યો છે. શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૮૩ નજીક જઈ ૪.૩ ટકા ગગડી ૧૬૭ બંધ હતો. ચંડીગઢ બ્રાન્ચમાં ૫૭૦ કરોડની ગોલમાલ થવાના પગલે આગલા દિવસે સવાસોળ ટકા તૂટી ૭૦ રૂપિયા બંધ રહેલી IDFC ફર્સ્ટ બૅન્ક ગઈ કાલે નીચામાં ૬૮.૫૧ થઈ સવા ટકો સુધરી ૭૧ રહી છે. ઑલેક્ટ્રા ગ્રીનટેકને પ્રધાનમંત્રી ઈ-ડ્રાઇવસ્કીમ હેઠળ ૧૦૮૫ ઈ-બસ માટેનો ઇરાદાપત્ર મળ્યો છે. શૅર ઉપરમાં ૧૦૪૨ થઈ બે ટકા ઘટીને ૧૦૨૨ બંધ થયો છે.

ગૌડિયમ અને ક્લીન મૅક્સમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ગાયબ

ગઈ કાલે મેઇન બોર્ડમાં એક ભરણું ખૂલ્યું છે. પુણેની ગોવિંદનાથ ગાડગિલ ગ્રુપની PNGS રેવા ડાયમન્ડ જ્વેલરીનો ૧૦ના શૅરદીઠ ૩૮૬ની અપરબૅન્ડમાં કુલ ૩૮૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩૮ ટકા સહિત કુલ ૬૨ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ગગડી ૪ રૂપિયા ચાલે છે. સોમવારે કુલ પાંચ ભરણાં ખૂલ્યાં હતાં. એમાંથી બીજા દિવસના અંતે મેઇનબોર્ડમાં ચર્ચગેટ ખાતેની ક્લીન મૅક્સ એ​ન્વિરો એનર્જી સૉલ્યુશન્સનો એકના શૅરદીઠ ૧૦૫૩ના ભાવનો અતિ મોંઘો કુલ ૩૧૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૪૮ ટકા તથા ગુજરાતના ગોંડલની શ્રીરામ ​​ટ્વિસ્ટેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૪ની અપરબૅન્ડ સાથે ૧૧૦ કરોડ પ્લસનો ઇશ્યુ ૬૮ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ક્લીન મૅક્સમાં પ્રીમિયમ ઝીરો થયું છે તથા શ્રીરામ ​ટ્‍વિસ્ટેક્સમાં રેટ વધીને ૯ ચાલે છે. SME સેગમેન્ટમાં ખૂલેલાં ૩ ભરણાંમાં બીજા દિવસના અંતે ગુડગાવની એકૉર્ડ ટ્રાન્સફૉર્મર ઍન્ડ ​સ્વિટ્ચગિઅરનો ૧૦ના શૅરદીઠ ૪૬ના ભાવનો ૨૫૫૯ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૩૯ ગણો, ગાઝિયાબાદની કિયાસા રીટેલનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૬૯૭૨ લાખનો BSE SME  ઇશ્યુ કુલ ૬૦ ટકા તથા ફરીદાબાદની મોબિલાઇસ ઍપ લૅબનો ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવનો ૨૦૧૦ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૧૨.૫ ગણો ભરાયો છે. હાલ એકૉર્ડમાં ૧૩ રૂપિયા, કિયાસામાં ૨૬ રૂપિયા અને મોબીલાઇસમાં ૧૬ રૂપિયા પ્રીમિયમ છે. કલકત્તાની SME કંપની મનીલામ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૬૯ના ભાવનો ૪૦ કરોડનો NSE SME ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૬ ગણા સહિત કુલ સવાછ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગૌડિયમ IVFનો પાંચના શૅરદીઠ ૭૯ના ભાવનો ૧૬૫ કરોડનો ઇશ્યુ કુલ સવાસાત ગણા પ્રતિસાદમાં પુરો થયો છે. પ્રીમિયમ હાલમાં ઝીરો ચાલે છે. 

ગુજરાતની ઓ​મ્નિટેક અને મુંબઈની યાપ આજે મૂડીબજારમાં

આજે બે ભરણાં ખૂલવાનાં છે. મેઇનબોર્ડ ખાતે ગુજરાતના રાજકોટની ઓમ્નિટેક એન્જિનિયરિંગ પાંચના શૅરદીઠ ૨૨૭ની અપરબૅન્ડમાં ૧૬૫ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૫૮૩ કરોડનો IPO આજે કરશે. કંપની હાR પ્રિસિઝન એન્જિનિયર્ડ કમ્પૉનન્ટ્સ બનાવે છે. ઇશ્યુમાંથી આશરે ૨૩૪ કરોડ રૂપિયા નવા પ્રોજેક્ટની સ્થાપનામાં તથા ૫૦ કરોડ દેવાની પરત ચૂકવણીમાં વપરાશે. કંપનીએ ગયા વર્ષે ૯૨ ટકા વધારામાં ૩૫૦ કરોડ નજીકની આવક ઉપર ૧૩૨ ટકા વૃદ્ધિદરથી ૪૩૮૭ લાખ નેટનફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૨૩૭ કરોડ નજીક અને નેટ નફો ૨૭૭૮ લાખ થયો છે. છેલ્લા દોઢ વર્ષમાં દેવું ૬૬ ટકા વધીને ૩૮૩ કરોડ જેવું થઈ ગયું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૬૧૮૩ લાખ થશે. કંપનીના પ્રમોટર્સની શૅરદીઠ સરેરાશ પડતર લગભગ ઝીરોથી માંડી પાંચ પૈસાની છે. ચાલુ વર્ષના ૬ મહિનાની કમાણી ઍન્યુલાઇઝડ કરતાં ઇશ્યુ પ્રાઇસ ૫૦.૬ની તેમ જ ગયા વર્ષની કમાણી મુજબ આજે ૬૪નો અતિઊંચો પીઇ બતાવે છે. ઇશ્યુમાં કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૧૧નું ડિસ્કાઉન્ટ છે. ગ્રેમાર્કેટમાં ૧૩થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૧૫ થઈ હાલમાં ૭ ચાલે છે.

SME સેગમેન્ટમાં અંધેરી વેસ્ટની યાપ ડિજિટલ ૧૦ના શૅરદીઠ ૧૪૫ની અપરબૅન્ડમાં કુલ ૮૦૧૧ લાખનો NSE SME ઇશ્યુ આજે કરવાની છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની ન્યુ એજ ડિજિટલ કન્ટેન્ટ તથા માર્કેટિંગ સર્વિસિસ એજન્સી તરીકે કામ કરે છે. ગયા વર્ષે ૩૬.૬ ટકા વધારામાં ૧૫૪ કરોડ પ્લસની આવક ઉપર ૩૭૫ ટકાના જબ્બર વૃદ્ધિદરથી ૧૧૯૩ લાખનો નેટ નફો બતાવનારી આ કંપનીએ ચાલુ વર્ષના પ્રથમ નવ મહિનામાં ૯૧૪૨ લાખની આવક અને ૯૨૧ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૨૫૩૫ લાખ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ શૂન્ય છે. જાન્યુઆરીમાં કંપનીએ શૅરદીઠ ૧૦૦ના ભાવે પ્રીઇશ્યુ પ્લેસમેન્ટ કર્યું હતું. હવે પબ્લિક પાસે એના ૧૪૫ માગે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange