આમ આદમીના ખિસ્સામાં પૈસા આવે એ જ હોવો જોઈએ સરકારનો અગ્રક્રમ

14 June, 2021 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીડીપીમાં વધારો કરવો હોય તો બીજાં આર્થિક પગલાં સાથે સામાન્ય માણસના ખિસ્સામાં પૈસા મૂકવા પડશે, જેથી તે વધુ ખર્ચ કરી શકે. કન્ઝમ્પ્શનમાં વધારો જ ઇકૉનૉમીને ઝડપથી ફરી પાટે ચડાવી શકશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં અત્યારના કપરા સમયમાં રમાતા રાજકીય પક્ષોના આટાપાટાએ આમ પ્રજાનાં ભવાં ઊંચાં કરી નાખ્યાં છે. સત્તાધારી પક્ષની નજર આવનારી પાંચ રાજ્યોની ચૂંટણી પર મંડરાયેલી છે, જ્યારે કે તેની ફરજ અને તાતી જરૂર દેશના અર્થતંત્રના વિકાસને  મજબૂત ગતિ આપતા સામાન્ય લોકો તરફ આપવાની જરૂર છે, કારણ કે સામાન્ય લોકો દ્વારા કરવામાં આવતો વપરાશી ખર્ચ જે છે એ પરિવારને જરૂરી ચીજ, વસ્તુ, માલસામાન માટેની માગ જીડીપીના ૫૫ ટકા જેટલી છે. સામાન્ય લોકોનો ખર્ચ ૨૦૧૭ પછી ખાનગી વપરાશી ખર્ચ ઘટાડવા તરફ વળી ગયો છે. હવે આના કારણમાં કરકસર હોય કે આવક ઓછી થઈ ગઈ હોઈ શકે. કારણ ગમે એ હોય, ટૂંકમાં ખાનગી વપરાશી ખર્ચમાં ઘટાડો થયો છે એ એક હકીકત છે. ત્યારે સરકાર જો આ સામાન્ય વર્ગને ટેકો નહીં આપે તો દેશમાં કોરોના મહામારીને કારણે ઉદ્ભવેલા જીડીપી ગ્રોથના ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાની શક્યતા નહીંવત્‌ બની શકે છે. કદાચ નીકળી પણ ન શકાય. ભારતે રોજગારી ઊભી કરવાના મોરચા પર સૌથી ખરાબ દેખાવ કર્યો છે. ૨૦૧૭- ૧૮માં સરકારના સર્વે મુજબ દેશમાં બેરોજગારીનો દર ૪૫ વર્ષની સૌથી ઊંચી સપાટીએ હતો અને આ બધું નોટબંધી અને જીએસટીનો અમલ કર્યા બાદ થયું છે. ૨૦૧૯ દરમ્યાન સ્વરોજગાર અને નોકરી કરતા ૯૦ લાખ જેટલા લોકોની સંખ્યા ઘટી ગઈ. દેશમાં બેરોજગારીનો દર ૬થી ૭ ટકાના દરે વધવા લાગ્યો. દેશમાં કોરોના મહામારીએ સામાન્ય લોકોની નોકરીઓ અને વેપાર-ધંધા પર બેહદ અસર કરી છે. 

ઘણા સમયથી આર્થિક મંદીનો માર સહન કરતી દેશની પ્રજા સરકાર અને ડૉક્ટરો સામે યાચનાભરી નજરે જુએ છે. જોકે સરકારે દેશભરમાં મફત વૅક્સિન આપવાની અને અનાજ સહાય આપવાનું શરૂ કરતાં પ્રજામાં થોડા અંશે રાહત થવા પામી છે, છતાં આમ પ્રજા નોકરી, ધંધા તેમ જ આર્થિક સહાય મળે એવું ઇચ્છી રહી છે. જોકે દેશની આર્થિક રાષ્ટ્ર વ્યવસ્થા ઘાયલ થઈ ગઈ છે. દેશની આર્થિક વ્યવસ્થા જાળવી રાખવા સરકારી કર્મચારીઓનો પગારવધારો અટકાવી દીધો છે તો અમુક દિવસનો પગાર દાનમાં લેવામાં આવ્યો છે. સરકારે એક મોટી ભૂલ કરી છે કે નવી પેન્શન સ્કીમ દાખલ કરીને. જો જૂની સ્કીમ અમલમાં હોત તો સરકાર પાસેના ભંડોળમાં કમી ઊભી ન થઈ હોત. બીજી તરફ, ખાનગી નોકરી કરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે જેનો ડર પ્રજામાં છે એ કોરોનાની ત્રીજી લહેર ત્રાટકશે તો કેવાં પરિણામો આવશે?  નિષ્ણાતોના કહેવા અનુસાર કેન્દ્ર સરકારે મોટા પ્રમાણમાં આર્થિક સહાય દેશનાં રાજ્યોને આપવી પડશે તેમ જ સામાન્ય લોકોના ખિસ્સામાં પૈસા આવતા રહે એ માટેનાં મક્કમ પગલાં લેવાં પડશે. સરકાર લિક્વિડિટી વધારશે અને આમ આદમીના ખિસ્સા ભરેલા રહેશે તો તે એને વાપરશે અને તો જ દેશના જીડીપીમાં વધારો થઈ શકશે. અત્યારની પરિસ્થિતિમાં આ જ એક હકીકત છે. 

business news