દરેકે સુખી થવું ઘણું સહેલું છે, પરંતુ બીજાઓ કરતાં વધારે સુખી થવું ઘણું અઘરું અથવા અશક્ય હોય છે

27 February, 2023 12:15 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

સામાન્ય રીતે લોકો બીજાઓના રોકાણના નિર્ણયોનું અનુકરણ કરતા હોય છે, જ્યારે ખરેખર તો દરેકે પોતે જ પોતાનાં નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો છે એના વિશે વિચારોમાં સ્પષ્ટતા લાવવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

જો તમે પોતાના પોર્ટફોલિયોથી ખુશ ન હો કે બચતથી સંતુષ્ટ ન હો અથવા ખર્ચ બાબતે નાખુશ હો તો શક્ય છે કે એમાં મનોવૈજ્ઞાનિક પાસું સંકળાયેલું હોય. એને નાણાકીય શિસ્ત સાથે કદાચ સંબંધ ન હોય. કોઈ પણ બાબતે અસ્પષ્ટતા હોય અથવા તો અમુક બાબતે વધુપડતું જોર આપવામાં આવતું હોય તો પણ ધાર્યું પરિણામ મળતું નથી.

સામાન્ય રીતે લોકો બીજાઓના રોકાણના નિર્ણયોનું અનુકરણ કરતા હોય છે, જ્યારે ખરેખર તો દરેકે પોતે જ પોતાનાં નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો છે એના વિશે વિચારોમાં સ્પષ્ટતા લાવવી જોઈએ.

આ લેખમાળામાં અત્યાર સુધીમાં આપણે ઍસેટ અલોકેશન કરવાનો યોગ્ય રસ્તો, અર્થશાસ્ત્ર, રોકાણનો વ્યૂહ તથા સ્ટૉક્સ અને મ્યુચ્યુઅલ ફન્ડસ વિશે વાત કરી ચૂક્યા છીએ. આમાં સૌથી મુખ્ય મુદ્દો એ છે કે તમે પોતાનાં નાણાં કેવી રીતે ઉપયોગમાં લો છો.

ઘણા લોકો સોશ્યલ મીડિયા પર કોઈએ કહ્યું હોય એથી અથવા કોઈ સંબંધી કે મિત્રે કર્યું હોય એ રીતે રોકાણ કરતા હોય છે. ખરી રીત તો દરેક વ્યક્તિએ પોતાનાં નાણાકીય લક્ષ્યો પૂરાં થાય એ રીતે રોકાણ કરવાનું હોય છે.

બચત કરવાથી અને બચતનું ગમે ત્યાં રોકાણ કરી લેવાથી કામ પૂરું થતું નથી. નાણાં ક્યાં રોકવાં એ બાબતે સ્પષ્ટતા હોવી જરૂરી છે. દરેક રોકાણકારે રોકાણ માટે આવશ્યક પૂરતી માહિતી ભેગી કરી લેવી જોઈએ. ત્યાર પછી પોતાની વ્યક્તિગત સ્થિતિને આધારે રોકાણ કરવું જોઈએ.

ઘણી વાર લોકો ખર્ચાઓની બાબતે પણ બીજાઓનું અનુકરણ કરતા હોય છે. વાસ્તવમાં દરેક વ્યક્તિને પોતાને શેમાં સંતોષ મળે છે એ જોવાની જરૂર હોય છે. કોઈ એક વ્યક્તિ માટેની સમૃદ્ધિની વ્યાખ્યા બીજા બધા કરતાં અલગ હોય છે.

અહીં એક ઉદાહરણ યાદ આવે છે. કોઈ બર્થડે પાર્ટીમાં એક બાળક અચાનક લાલ રંગનો ફુગ્ગો પકડીને ‘આ ફુગ્ગો મારો છે’ એવું બોલવા લાગે ત્યારે બીજાં બધાં બાળકો પણ પોતપોતાનો ફુગ્ગો મૂકીને લાલ રંગના એ જ ફુગ્ગા માટે લડવા-ઝઘડવા લાગે છે. આ માનવસહજ વૃત્તિ છે.

બધા મનુષ્યોની ઇચ્છાઓ સમાન હોતી નથી. આમ છતાં લોકો બીજાઓની ઇચ્છાઓનું અનુકરણ કરતા જોવા મળે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ જ વાત ઊડીને આંખે વળગે છે. સામાજિક દૃષ્ટિએ થતી તુલનાની અસર આર્થિક નિર્ણયો પર અને એને પગલે ભાવનાત્મકતા પર પણ પડે છે. લોકો બીજા કોઈના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરની રીલ અને પોસ્ટ જોઈને પોતાની વસ્તુઓને ગૌણ માનવા લાગે છે. તેઓ હતાશ અને ખિન્ન થઈ જાય છે, જેની દુનિયામાં બીજા કોઈને અસર થતી નથી.

કહેવાયું છે કે દરેકે સુખી થવું ઘણું સહેલું છે, પરંતુ બીજાઓ કરતાં વધારે સુખી થવું ઘણું જ અઘરું અથવા અશક્ય હોય છે.

પોતે બીજાઓની ઇચ્છાઓને આધારે જીવે છે એવું કોઈ નહીં સ્વીકારે, પરંતુ ઘણી વાર એ જ વાસ્તવિકતા હોય છે. આખો ઍડ્વર્ટાઇઝિંગ ઉદ્યોગ આવી ઉછીની ઇચ્છાઓને કારણે જ વધ્યો છે.

આ જ વાત રોકાણોને પણ લાગુ પડે છે. બીજાઓનાં રોકાણો જોઈને પોતાના રોકાણ વિશે નિર્ણયો નહીં લો. દરેકની જોખમ ખમવાની શક્તિ અલગ-અલગ હોય છે.

લોકો બીજી એ ભૂલ કરતા હોય છે કે પોતે નક્કી કરેલાં લક્ષ્યો એટલે જાણે ‘પત્થર કી લકીર’. માર્ગમાં ગમે ત્યારે લક્ષ્યો બદલી કાઢવામાં જરાય ખોટું નથી. બધા જ નિર્ણયો સાચા પડે એવું પણ નથી. તમારાં લક્ષ્યો આખરી મુકામ નથી, પરંતુ એક પ્રવાસ છે એવું તમે જ્યારે દૃઢપણે સ્વીકારી લો છો ત્યારે તમારા પરનું દબાણ ઘટી જાય છે અને પોતે હંમેશાં સાચા પડવાની ચિંતામાંથી મુક્ત થઈ જાઓ છો.

આજે તમારા માટે જે કંઈ મહત્ત્વનું છે એ આવતી કાલે કદાચ ન પણ હોય. આજે તમે એવું ઇચ્છતા હો કે ૪૦મા વર્ષે નિવૃત્ત થઈ જવું, પરંતુ સમય-સંજોગ અનુસાર તમારે કદાચ એ નિર્ણય બદલવો પડે. અહીં એક ઉપમા આપી શકાય. તમારે ક્યાં જવું છે એ નક્કી હોય તો એના આધારે તમે પરિવહનનું સાધન નક્કી કરી શકો છો. તમારે એક કિલોમીટર દૂર જવું હોય તો પ્લેનમાં જવાનું શક્ય નથી. એના માટે તો ચાલીને અથવા સાઇકલ-સ્કૂટર-રિક્ષામાં જવાનું હોય. આ હકીકત હોવા છતાં લોકો ક્યાં જવું છે એનો વિચાર કરવાને બદલે પરિવહનના સાધન વિશે નાહકની દલીલ કરતા હોય છે.

સંપત્તિસર્જનના માર્ગમાં તમારે યોગ્ય દિશામાં વિચારવું જરૂરી છે. આ કાર્યમાં કોઈ સવાલ ઊભો થાય તો વિનાસંકોચ તમે પૂછી શકો છો. એનો જવાબ ચોક્કસ અપાશે. 

business news