પર્સનલ ઍક્સિડન્ટ પૉલિસી હેઠળ આવરી લેવાતા લાભ વિશે પૂરતી જાણકારી મેળવી લેવી ઘણી જરૂરી છે

22 September, 2021 03:33 PM IST  |  Mumbai | Nisha Sanghvi

અકસ્માતને લીધે આવતી પંગુતાને પગલે આવક ગુમાવવાની સ્થિતિ સામેનું કવચ

પ્રતીકાત્મક તસવીર

પર્સનલ ઍક્સિડન્ટ પૉલિસીની ગયા વખતની વાતને આજે આગળ વધારીએ. ગત લેખમાં આપણે જોયું કે આ પૉલિસીમાં ઍક્સિડન્ટને પગલે થનારા હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ, સંતાનોના શિક્ષણનો ખર્ચ, અકસ્માતમાં ઘાયલ થવાને પગલે વીમાધારક કોમામાં સરી પડે એ સ્થિતિમાં થતો ખર્ચ અને ફ્રૅક્ચરની/દાઝ્યાની સારવારનો ખર્ચ આવરી લેવાય છે. આજે આપણે લોન સામેના રક્ષણનું કવચ, અકસ્માતને લીધે આવતી પંગુતાને પગલે આવક ગુમાવવાની સ્થિતિ સામેનું કવચ, ઍર ઍમ્બ્યુલન્સનો ખર્ચ, કૃત્રિમ અવયવ, કાખઘોડી/વ્હીલચૅરનો ખર્ચ, હેરફેરનો ખર્ચ, પરિવારના પ્રવાસનો ખર્ચ તથા અંતિમક્રિયાના અને અસ્થિઓને ઘર સુધી પહોંચાડવાના ખર્ચ વિશે વાત કરીશું.

લોન સામેના રક્ષણનું કવચ

જો વીમા કંપનીએ ઍક્સિડેન્ટલ ડેથ બેનિફિટ અથવા કાયમી સંપૂર્ણ પંગુતાના ક્લેમનો સ્વીકાર કર્યો હોય તો કંપની અકસ્માતના દિવસે વીમાધારકની જેટલી લોન ઊભી હોય એ રકમ ઉપરાંત આકસ્મિક મૃત્યુ માટેની વીમાનીરકમના મહત્તમ ૨૫ ટકા રકમ ચૂકવે છે. આ ચુકવણી અમુક શરતોને આધીન હોય છે.

અકસ્માતને લીધે આવતી પંગુતાને પગલે આવક ગુમાવવાની સ્થિતિ સામેનું કવચ

અકસ્માતને લીધે વીમાધારકને પંગુતા આવી જાય અને એને કારણે એમણે આવક ગુમાવવાની સ્થિતિ આવી જાય તો મહત્તમ ૧૦૦ સપ્તાહ સુધીની આવકની ચુકવણી વીમા કંપની કરે છે. એમાં દરેક સપ્તાહ માટેની મહત્તમ રકમ મહિનાની આવકના ૨૫ ટકા સુધીની જ રહેશે. એમાં પણ દરેક સપ્તાહ માટે લઘુતમ ૧૦૦૦ રૂપિયા અને મહત્તમ ૫૦,૦૦૦ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે.

ઍર ઍમ્બ્યુલન્સનો ખર્ચ

વીમા કંપની જ્યારે બી૧થી લઈને બી૬ સુધીની કલમો હેઠળ પૉલિસીના ક્લેમનો સ્વીકાર કરે ત્યારે વીમાધારક દરદીને અકસ્માતના સ્થળેથી નિકટતમ હૉસ્પિટલ અથવા એકથી બીજી હૉસ્પિટલ સુધી લઈ જવાના ઍર ઍમ્બ્યુલન્સના ખર્ચની ભરપાઈ કરે છે. વાસ્તવિક ખર્ચ અથવા પાંચ લાખ રૂપિયા એ બન્નેમાંથી જેટલી ઓછી રકમ હોય એટલી ભરપાઈ કરવામાં આવે છે. પાંચ લાખ રૂપિયાની મર્યાદા દરેક વીમાધારક દીઠ વાર્ષિક મર્યાદા છે.

કૃત્રિમ અવયવ, કાખઘોડી/વ્હીલચૅરનો ખર્ચ

કાયમી સંપૂર્ણ પંગુતા અથવા કાયમી આંશિક પંગુતા હેઠળ કૃત્રિમ અવયવ, કાખઘોડી/વ્હીલચૅરનો ખર્ચ પણ ભરપાઈ થાય છે.

હેરફેરનો ખર્ચ

વીમાધારકના રહેણાકના સ્થળની બહાર ક્યાંક અકસ્માત થયો હોય તો આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન હેઠળ દરદીની હેરફેરનો ખર્ચ પણ ભરપાઈ કરવામાં આવે છે. એના માટેની કેટલીક શરતો પૉલિસીમાં લખવામાં આવી હોય છે. પરિવારના સભ્યની હેરફેરનો ખર્ચ પણ અમુક શરતોને આધીન રહીને ભરપાઈ કરવામાં આવે છે.

પરિવારના પ્રવાસનો ખર્ચ

કેટલીક વીમા કંપનીઓ પરિવારના સભ્યોના પ્રવાસનો ખર્ચ પણ ભરપાઈ કરી આપે છે. દા.ત. વીમાધારકને ઘરથી ૧૫૦ કિલોમીટર દૂર અકસ્માત નડ્યો હોય અને નિકટતમ પરિવારના સભ્યોએ ત્યાંની હૉસ્પિટલમાં જવું પડે તો તેના પ્રવાસનો ખર્ચ ભરપાઈ કરવામાં આવે છે. વીમા કંપની મહત્તમ ૫૦,૦૦૦ સુધીની રકમ જ ભરપાઈ કરે છે.

અંતિમક્રિયાનો અને અસ્થિઓને ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ

જો વીમા કંપની ઍક્સિડેન્ટલ ડેથ બેનિફિટનો ક્લેમ સ્વીકારે તો કંપની અંતિમક્રિયાના ખર્ચ માટે વધારાની નિશ્ચિત રકમની ભરપાઈ કરે છે. એમાં વીમાધારકના અસ્થિને અકસ્માતના સ્થળ કે હૉસ્પિટલથી એમના ઘર સુધી લઈ જવાના ખર્ચને પણ આવરી લે છે. આ રકમ સામાન્ય રીતે વીમાની રકમનો એક ટકો અથવા ૨૫,૦૦૦ રૂપિયા એ બન્નેમાંથી જે રકમ ઓછી હોય એટલી જ હોય છે.

છેલ્લે એટલું કહેવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિએ મેડિક્લેમ હોય કે પર્સનલ ઍક્સિડન્ટ પૉલિસી હોય કે પછી ક્રિટિકલ ઇલનેસ કવર હોય, એનો બારીકીપૂર્વક અભ્યાસ કરીને પછી જ પૉલિસી લેવી જોઈએ. આ વિષય ઘણો જટિલ હોવાથી સંબંધિત નિષ્ણાતની મદદ લેવાથી આખરે ફાયદો વીમાધારક કે તેના પરિવારને જ થાય છે.

business news