24 January, 2025 07:25 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે શરૂઆતના અડધા કલાકમાં જ બુધવારના બંધથી નીચે રહ્યા બાદ નિફ્ટી એ લેવલથી પૂરો દિવસ ઉપર જ રહ્યો એ સારો સંકેત ગણાય કે ન ગણાય એ નક્કી કરવા ગુરુવાર નિફ્ટીના વિક્લી ઑપ્શન્સનો સેટલમેન્ટ દિવસ છે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ તો રેડમાં જ બંધ રહ્યા હતા. મિડકૅપનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ડેક્સોએ નિફ્ટી-ફિફ્ટીને આઉટપર્ફોર્મ કરી 1-2 ટકા અપ બંધ આપ્યું હતું. સેન્સેક્સ નગણ્ય 0.15 ટકા સુધરીને 76,520 અને નિફ્ટી માત્ર 0.22 ટકા વધી 23,205 થયો હતો. ગુરુવારે નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ સૌથી વધુ 2.81 ટકા વધી 51,412 થઈ ગયો હતો. વધઘટની સારી ગતિ ધરાવતા 50 મોમેન્ટમ શૅરોનો આ આંકમાં સમાવેશ થાય છે. એમાંથી બે મિડકૅપ આઇટી શૅરો કોફોર્જ 11.51 ટકાનો જમ્પ મારી 9175 રૂપિયા અને પર્સિસ્ટન્ટ 10.33 ટકા ઊછળી 6270 રૂપિયાના સ્તરે બંધ હતા. કોફોર્જનો ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત દેખાવ, યુએસની એક્સેલટ્રેઇટ નામની કંપની હસ્તગત કરવાના સમાચાર અને 30મી જાન્યુઆરીની રેકૉર્ડ ડેટ સાથે 19 રૂપિયાના વચગાળાના ડિવિડંડની જાહેરાતના પગલે લેવાલી નીકળી હતી. પર્સિસ્ટન્ટ સિસ્ટમે બુધવારે બજાર બંધ થયા પછી જાહેર કરેલાં ત્રિમાસિક પરિણામોની અસર ગુરુવારે જોવા મળી હતી. જોકે આ કંપનીને કવર કરનારા 39 ઍનલિસ્ટોમાંથી 13એ સેલ અને 8એ હોલ્ડની ભલામણ કરી હોવાથી ભાવિ ચાલને લઈને મતમતાંતર સપાટી પર આવ્યા હતા. આશાવાદી અંદાજ 7200 રૂપિયાનો તો વેચવાની ભલામણ કરનારા 5000 રૂપિયાનો ભાવ મૂકે છે. અંબર એન્ટરપ્રાઇજીસે ગુરુવારે બજાર બંધ થયા પછી પરિણામ જાહેર કર્યાં એ પૂર્વે ભાવ 7.43 ટકા વધી 6750 રૂપિયા બંધ રહ્યો હતો. તમામ અંદાજોથી વધુ સારા આંકડા રજૂ કરી કંપની ત્રીજા ત્રિમાસિકમાં નફામાં આવી ગઈ હતી.
નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ 0.28 ટકા ઘટી 48,589 અને નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 0.11 ટકાના લોસે 22,625ના સ્તરે વિરમ્યા હતા. બીએસઈનો બૅન્કેક્સ પણ 0.39 ટકાના નુકસાને 54,951 બંધ હતો. નિફ્ટી આઇટી ઘટક શૅરો કોફોર્જ અને પર્સિસ્ટન્ટના ઉછાળા ઉપરાંત એમ્ફેસિસ, વિપ્રો અને એલટીઆઇ માઇન્ડ ટ્રીમાં જોવાયેલા સુધારાના કારણે 1.79 ટકા સુધરી 43,351 બંધ હતો. નિફ્ટી નેક્સ્ટ 50 એક ટકો સુધરી 63,499 અને મિડકૅપ સિલેક્ટ 2.17 ટકા વધી 12,177ના લેવલે હતા. મિડકૅપ સિલેક્ટના ટૉપ 5 ગેઇનર્સમાં આવેલા ડિક્સોન 4.86 ટકા વધી 15,430 રૂપિયા અને અરબિંદો ફાર્મા 4.19 ટકાના ગેઇને 1241 રૂપિયાના સ્તરે બંધ હતા. આ ઇન્ડેક્સનો એયુ બૅન્ક 4.37 ટકા ઘટી 578 રૂપિયા બંધ હતો. નિફ્ટીના 50માંથી 30 શૅરો વધ્યા એમાં સિમેન્ટની મજબૂતાઈ અલ્ટ્રાટેક સિમેન્ટે 6.67 ટકા વધી 11,407 રૂપિયાના બંધ સાથે દેખાડી હતી. બપોરે બે આસપાસ ડિસેમ્બર ત્રિમાસિકનાં રિઝલ્ટ્સ એક્સચેન્જ પર આવી ગયાં હતાં. કંપનીએ આગામી વર્ષોમાં 7-8 ટકાના વૉલ્યુમ ગ્રોથનો આશાવાદ વ્યક્ત કર્યો એની સારી અસર થઈ હતી. સિમ્પથીમાં બિરલા ગ્રુપનો ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પણ ત્રણ ટકા સુધરી 2459 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ 50નો પીડીલાઇટ 5.39 ટકા વધી 2903 રૂપિયા બંધ હતો. કંપનીનાં રિઝલ્ટને મૂલવવામાં સમીક્ષકોના ભીન્ન મત હતા. આ ઇન્ડેક્સનો નૌકરી પોણાચાર ટકા વધી 7512 રૂપિયા, ટોરન્ટ ફાર્મા સાડાત્રણ ટકા સુધરી 3274 રૂપિયા, ઇન્ડિગો 3.38 ટકાના ગેઇને 4147 રૂપિયા અને સિમેન્સ 3.36 ટકા વધી 6053 રૂપિયાના લેવલે બંધ થયા હતા. ઘટવામાં જિયો ફાઇનૅન્શ્યલ ત્રણ ટકા ડાઉન થઈ 255 રૂપિયા પર આવી ગયો હતો. બૅન્કિંગ-ફાઇનૅન્સના એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ સવાચાર ટકા વધી 578 રૂપિયાના સ્તરે હતો.
FIIની નેટ વેચવાલી 5462 કરોડ રૂપિયા
ગુરુવારે FIIની 5462 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. DIIની 3712 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગમેન્ટમાં ઓવરઑલ 1712 કરોડ રૂપિયાની નેટ વેચવાલી જોવા મળી હતી.
માર્કેટ કૅપિટલાઇઝેશન, બ્રેડ્થમાં સુધારો
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન વધીને 421.81 (419.09) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 424.64 (421.88) લાખ કરોડ રૂપિયા હતું. નિફટીના 50માંથી 30, નિફ્ટી નેક્સ્ટના 50માંથી 38, મિડકૅપ સિલેક્ટના 25માંથી 20, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 11, બૅન્ક નિફ્ટીના 12માંથી 6, સેન્સેક્સના 30માંથી 18 અને બૅન્કેક્સના 10માંથી 5 શૅરો વધીને બંધ રહ્યા હતા. એનએસઈના 2888 ટ્રેડેડ શૅરોમાંથી 1575 તથા બીએસઈના 4067 ટ્રેડેડ શૅરોમાંથી 2061 વધીને બંધ થયા હતા. એનએસઈ ખાતે 18 અને બીએસઈમાં 75 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 81 અને 99 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 78 શૅરો ઉપલી સર્કિટે અને 79 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
ત્રિમાસિક રિઝલ્ટ વન લાઇનર
કેફિન ટેક્નૉલૉજી ઃ નેટ પ્રૉફિટ 35 ટકા વધી 90 કરોડ રૂપિયા અને આવક 33 ટકા વધી 290 કરોડ રૂપિયા (એક્સચેન્જને જાણ કર્યાનો સમય 17:25, બંધ ભાવ 1102 રૂપિયા (+2.14 ટકા)
એચપીસીએલ ઃ ડિસેમ્બર ત્રિમાસિક નેટ પ્રૉફિટ 3023 કરોડ રૂપિયા, ઍનલિસ્ટોના સરેરાશ અંદાજ 2945 કરોડ રૂપિયા કરતાં સારું અને સપ્ટેમ્બર ક્વૉર્ટરના 631 કરોડ રૂપિયાના નફાની સરખામણીએ ઘણો સારો દેખાવ. (17:23, બંધ ભાવ 361 રૂપિયા (-2.34 ટકા)
સ્પંદના સ્ફૂર્તિ ઃ કંપની ખોટમાં, ત્રીજા ત્રિમાસિકની ખોટ 394 કરોડ રૂપિયા, ઍસેટ ક્વૉલિટી વણસી (19:02, બંધ ભાવ 343 રૂપિયા (-4.23 ટકા)
ડૉ. રેડ્ડીઝ લૅબ ઃ નેટ પ્રૉફિટ 3 ટકા વધ્યો, આવક 16 ટકા વધી, બજારની ધારણા કરતાં આંકડા નબળા (17:00, બંધ ભાવ 1290 રૂપિયા (-0.48 ટકા)