શું ખરેખર મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ? : ચોથા ક્વૉર્ટરમાં બધી સ્કીમમાં નુકસાન

07 April, 2020 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું ખરેખર મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ? : ચોથા ક્વૉર્ટરમાં બધી સ્કીમમાં નુકસાન

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારમાં લાંબા ગાળે રોકાણ કરનારને ફાયદો થાય અને ભારતીય અર્થતંત્રના પાયા મજબૂત છે એવી દલીલ છેલ્લાં ચાર વર્ષથી આપણે સતત સાંભળી રહ્યા હતા. દરરોજ બિઝનેસ ન્યુઝ ચૅનલ ઉપર, ફંડ મૅનેજર્સ અને માર્કેટ એક્સપર્ટ રોકાણકારોને સલાહ આપી રહ્યા હતા કે શૅર ખરીદો, નીચા ભાવ આવી રહ્યા છે, બજાર ઘટી રહ્યું છે એટલે પોર્ટફોલિયોમાં બનાવો.

આ બધું એવી પરિસ્થિતિમાં થઈ રહ્યું હતું કે ભારતનો આર્થિક વિકાસદર છ વર્ષમાં તળિયે હતો. આર્થિક વિકાસદર ઘટી રહ્યો હોય એની સાથે ગ્રાહકોની ખરીદી અને ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ પણ ઘટી રહ્યું હતું. કેટલીક ચીજો છેલ્લાં ઘણાં વર્ષોમાં સૌથી નીચી હતી. આ સ્થિતિમાં કંપનીઓની કમાણી કઈ રીતે વધે એની અલગ-અલગ દલીલ આપવામાં આવી રહી હતી. જાન્યુઆરી મહિનાના અંતે ચીનના વુહાન પ્રાંતમાં કોરોના વાઇરસ નામનો એક અલગ રોગ જોવા મળ્યો. પ્રાણીઓમાંથી આવતા, ફ્લુ જેવા લક્ષણ ધરાવતા આ રોગની કોઈ દવા નથી એવું ચીને જાહેર કર્યું, પણ બજારમાં એવી વાત આવી કે આ રોગની ભારત પર કોઈ અસર જોવા મળશે નહીં. ભારતના અર્થતંત્ર પર એની કોઈ અસર થશે નહીં. ધીમે–ધીમે વાઇરસનાં જોખમો વિશ્વવ્યાપી બન્યાં, પણ ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધી ભારત પોતાના ખાસ મિત્ર ડોનલ્ડ ટ્રમ્પને આવકારવામાં વ્યસ્ત હતો. આજે એવી સ્થિતિ છે કે બ્લુ ચીપ, દેશની સૌથી અગ્રણી ગણાતી અને ફન્ડામેન્ટલ જેના મજબૂત હોય એવી કંપનીઓના ભાવ તીવ્ર રીતે ઘટી ગયા છે.

એકલા ફેબ્રુઆરી મહિનામાં વિશ્વનાં શૅરબજારોમાં ૧૦.૨૭ ટ્રિલ્યન ડૉલર એટલે કે ૭૭૦.૨૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું ધોવાણ થઈ ગયું છે. આ ધોવાણ ભારતના કુલ અર્થતંત્ર (જીડીપી) કરતાં બે ગણાથી વધારે છે. એકલા ભારતીય શૅરબજારમાં જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટરમાં ૪૨.૦૫ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે અને આ ધોવાણમાં કંપનીના પ્રમોટર, સરકારી માલિકીની કંપનીઓ, ઇન્શ્યૉરન્સ કંપનીઓ જ નહીં, પણ મ્યુચ્યુઅલ ફંડ પણ બાકાત નથી.

મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ, એમ કહેનારા લોકો બજારનું જોખમ સમજવામાં થાપ ખાઈ ગયા છે. ફંડ મૅનેજર્સ બજારનું જોખમ સમજવામાં થાપ ખાઈ ગયા છે અને હજી બજારમાં બિઝનેસ ચૅનલ પર આવતા પેલા મહાનુભાવો ખરીદી કરવા માટે રોકાણકારોને સલાહ આપી રહ્યા છે.

માર્ચ ક્વૉર્ટરમાં એક પણ ફંડની એનએવી વધી નથી

મ્યુચ્યુઅલ ફંડ શૅરબજારમાં પરોક્ષ રીતે રોકાણ કરવાની એક પદ્ધતિ છે. આમાં નાની રકમથી રોકાણકાર શૅરબજારમાં રોકાણ કરી શકે છે. નાની-નાની રકમ, અનેક રોકાણકાર પાસેથી એકત્ર કરી (ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ) ફંડના મૅનેજર બજારનો અભ્યાસ કરી, કંપની પર રીસર્ચ કરી શૅરની ખરીદી કે વેચાણ કરે છે. ફંડ ચલાવતી આ કંપની એના માટે ફી વસૂલ કરે છે અને ફંડ મૅનેજર પોતે જે ફંડ ચલાવતો હોય એના બજારમાં વળતરના આધારે પગાર ઉપરાંત બોનસ પણ મેળવે છે.

ઇક્વિટી રોકાણ કરતી ભારતની લગભગ ૩૭૪ જેટલી સ્કીમમાંથી એક પણ સ્કીમમાં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે વળતર મળતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિનામાં આ દરેક સ્કીમમાં રોકાણકાર નાણાં ગુમાવી રહ્યો છે. ત્રણ મહિનાના આ ગાળામાં સૌથી સારી કામગીરી ફાર્મા અને હેલ્થકૅર ફંડ્સની છે કે જેમાં એનએવી માત્ર છ ટકા ઘટી છે. સૌથી ખરાબ કામગીરી બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસ ક્ષેત્રની છે જેમાં ૩૮.૩૫ ટકાથી ૪૯.૬ ટકાનું નુકસાન થયું છે. આ આંકડા સેમકો સિક્યૉરિટીઝના રાંક મ્યુચ્યુઅલ ફંડના અધ્યક્ષ ઓમકારેશ્વર સિંઘે આપ્યા છે.

સિંઘ વધુમાં જણાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરતાં ફંડમાં ૩૨ ટકા જેટલું, સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં ૨૨ અને ૩૦ ટકા વચ્ચે નુકસાન થઈ રહ્યું છે. એવાં કેટલાંક ફંડ્સ કે જેમાં માત્ર ત્રણ મહિના નહીં, પણ વર્ષની દૃષ્ટિએ પણ વળતરને બદલે રોકાણકારોને નુકસાન થઈ રહ્યું છે.

બૅન્કિંગ, નાણાકીય સેવાઓમાં સૌથી વધુ નુકસાન

૩૧ ડિસેમ્બરથી ૩૧ માર્ચ વચ્ચે નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૪૦.૪૭ ટકા અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ ૩૫.૯૯ ટકા ઘટી ગયા છે. આ બન્ને ક્ષેત્રની કંપનીઓમાં ભારે વેચવાલી આવી હોવાથી શૅરના ભાવ ઘટી ગયા છે. ભારતીય બૅન્કો પર વર્ષ ૨૦૧૬થી નૉન-પર્ફોર્મિંગ ઍસેટ (એટલે કે પરત નહીં આવી રહેલી લોન)નાં વલણો ઘેરાયેલાં હતાં. સરકારી બૅન્કોની ખોટ વધી હતી અને નબળી લોન સામેની જોગવાઈઓ વધી હોવાથી તેમની મૂડી જરૂરિયાત પણ વધી હતી. આમ છતાં, બૅન્કિંગ અને નાણકીય સેવાઓના ક્ષેત્રમાં સતત ખરીદી જોવા મળી રહી હતી. આ પછી આઇએલઍન્ડએફએસ નબળી પડી એની અસર નૉન-બૅન્કિંગ કંપનીઓ પર પડી અને રિલાયન્સ કૅપિટલ, દીવાન હાઉસિંગ, ઇન્ડિયાબુલ્સ જેવી કંપનીઓ નબળી પડી અને છેલ્લા માર્ચમાં યસ બૅન્કને ઊભી કરવા માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્કે ખાસ યોજના બનવી હતી બૅન્કિંગ શૅરો પાછળની દોટ હવે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવી રહી છે.

જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટરમાં સૌથી મોટું નુકસાન ધરાવનાર ટોચની ૫૦ ઇક્વિટી સ્કીમમાં ૧૨ સ્કીમ બૅન્કિંગ અને નાણાકીય સેવા ક્ષેત્રની છે. નિપ્પોન ઇન્ડિયાના બૅન્કિંગ ગ્રોથ ફંડની એનએવી આ એક જ ક્વૉર્ટરમાં ૪૯.૧ ટકા ઘટી છે અને સૌથી ઓછું નુકસાન આ ક્ષેત્રની સ્કીમમાં તાતા બૅન્કિંગ ઍન્ડ ફાઇનૅન્શિયલ સર્વિસ ફંડનું ૩૮.૧ ટકા છે એટલે કે રોકાણ કરેલો રૂપિયો કાં ૫૦ પૈસા થઈ ગયો છે અથવા તો ૬૨ પૈસા થઈ ગયો છે.

મિડ કૅપ અને સ્મૉલ કૅપ પણ બાકાત નથી

બજારમાં ઘટાડા અંગે ચર્ચા માત્ર બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની જ થાય છે, પણ એટલું મોટું ધોવાણ નાની અને મધ્યમ કંપનીઓમાં પણ જોવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૯માં નાણાપ્રધાને કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી પછી શૅરબજારમાં તેજીનો એક દોર જોવા મળ્યો હતો, પણ આ તેજીમાં માત્ર કેટલીક લાર્જ કૅપ કંપનીઓ કે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં વધુ વેટ ધરાવતી કંપનીઓ આભારી હતી એટલે જ જાન્યુઆરીમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઑલ ટાઇમ હાઈ થયા ત્યારે નિફ્ટીના સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ હજી પણ એની ઐતિહાસિક ઊંચી સપાટી કરતાં ૧૫ ટકા નીચા હતા.

લાંબા ગાળે મ્યુચ્યુઅલ ફંડ પણ નુકસાન આપી શકે

શૅર અને ગોલ્ડમાં રોકાણ કરતી કુલ ૩૯૨માંથી લગભગ ૧૮૮ જેટલી સ્કીમ (જેમાં ડિરેક્ટ, ગ્રોથ અને રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ સહિતનો સમાવેશ થાય છે) એવી સ્કીમ છે કે જેમાં ત્રણ વર્ષથી આ સ્કીમમાં જોડાયેલા હશે તો પણ એમાં નુકસાન સહન કરવાનો વારો છે એટલે કે લગભગ અડધી સ્કીમમાં નુકસાન થઈ રહ્યું છે એટલે કે કોરોના વાઇરસ કે અન્ય જે પણ બજાર આધારિત જોખમ છે એના કારણે ત્રણ વર્ષનું વળતર પણ નેગેટિવ છે. આ નુકસાન પાંચ ટકાથી લઈ બાવીસ ટકા જેટલું ઊંચું છે એટલે કે રોકેલા ૧૦૦ રૂપિયાની વર્તમાન કિંમત આ સ્કીમમાં ૯૫ કે ૭૮ રૂપિયાની વચ્ચે આવી ગઈ છે. લગભગ ૬૦ સ્કીમ એવી છે કે જેમાં ત્રણ વર્ષનું નુકસાન ૧૦ ટકા કે એથી વધારે છે.

વધારે લાંબો ગાળો કે પાંચ વર્ષના રીટર્ન ગણવામાં આવે તો ૧૫૪ સ્કીમ એટલે કે ૩૯ ટકા સ્કીમ એવી છે કે જેમાં રોકાણકારને નેગેટિવ વળતર મળી રહ્યું છે. આ નેગેટિવ વળતર એક ટકાથી લઈ સૌથી વધુ ૧૩ ટકા જેટલું છે. એટલે લાંબા ગાળે શૅરમાં રોકાણ કરવાથી ફાયદો થાય એવી સર્વસ્વીકૃત વાત પર ખરા ઊતરવામાં પણ આ ફંડ્સ નિષ્ફળ રહ્યાં છે.

business news