આયર્નઓરમાં મંદી : વૈશ્વિક ભાવ ઘટીને એક વર્ષના તળિયે પહોંચ્યા

19 November, 2021 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીન ખાતે આયર્નઓરના ભાવ ઘટીને ૮૦ ડૉલરની નીચી સપાટીએ

પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક આયર્નઓરની બજારમાં સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક આયર્નઓર વાયદો ઘટીને એક વર્ષના તળિયે પહોંચી ગયો હતો. ખાસ કરીને ચીનમાં સ્ટીલની માગ ઉપર
મોટી અસર પહોંચતાં અને તમામ ઔદ્યોગિક મેટલમાં સરેરાશ નરમાઈ હોવાથી આયર્નઓરના ભાવ પણ ઘટવા લાગ્યા છે.
ચીન ખાતે ડાલિયન કૉમોડિટી એક્સચેન્જ ખાતે આયર્નઓર વાયદો ૪.૬ ટકા ઘટીને ૮૦.૬૨ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યો હતો, જે ૯ નવેમ્બર ૨૦૨૦ બાદની સૌથી નીચી સપાટી છે. સિંગાપોર એક્સચેન્જ ખાતે આયર્નઓરના ભાવ ત્રણ ટકા ઘટીને ૮૬ ડૉલરની સપાટી પર પહોંચ્યા છે.
ચીનમાં સ્ટીલનાં ઉત્પાદન પર સરકાર દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાથી આયર્નઓરના વપરાશ પર મોટી અસર પહોંચી છે. કેટલીક સ્ટીલ મિલોના નફા ઉપર પણ અસર પહોંચી હોવાથી ઉત્પાદનમાં કાપ મૂક્યો છે.
ચીનમાં સ્ટીલનાં ઉત્પાદનમાં ગત જુલાઈ મહિનાથી સતત ઘટાડો થઈ રહ્યો છે. પાવરના વપરાશ પર નિયંત્રણો લાદ્યાં હોવાથી પણ છેલ્લા બે-ત્રણ મહિના દરમિયાન સ્ટીલનું ઉત્પાદન ઘટ્યું છે, જેને પગલે હાલ આયર્નઓરના વપરાશ પર મોટી અસર પહોંચી છે.
ચીનના પોર્ટ પર આયર્નઓરનો સ્ટૉક પણ હાલ વધીને ૩૧ મહિનાની ઊંચી સપાટી પર પહોંચ્યો છે. હાલ પોર્ટ પર કુલ ૧૪૭૬ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે. ચીનમાં હાજર બજારમાં આયર્નઓરના ભાવ ૯૦ ડૉલર આસપાસ ટ્રેડ કરી રહ્યા છે જે ૧૮ મહિનાના સૌથી નીચા ભાવ છે.
વૈશ્વિક બજારમાં આયર્નઓરના ભાવ ઘટવાને પગલે સ્ટીલના ભાવ પણ ઘટ્યા હતા. વૈશ્વિક બજારની અસરે સ્થાનિક બજારમાં પણ મોટા ભાગની કંપનીઓએ છેલ્લા થોડા મહિનામાં સ્ટીલના ભાવમાં ટને ૩૦૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને આગામી મહિને વધુ ઘટાડો થાય એવી પણ સંભાવના છે. સરકારી કંપનીએ એનએમડીસી દ્વારા આયર્નઓરના ભાવમાં કેટલો ઘટાડો કરવામાં આવે છે એના પર પણ સ્ટીલ કંપનીઓનો આધાર રહેલો છે. હાલ સ્થાનિક બજારમાં સ્ટીલની માગ પ્રમાણમાં સારી છે, પરંતુ જો ભાવ ઘટશે તો માગ વધી જાય એવી ધારણા છે.

business news