આયર્નઓરના ભાવમાં ૧૭ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવાયો

27 July, 2021 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો આવું થશે તો આયર્નઓરના ભાવમાં પણ ઘટાડો એક મર્યાદિત જ આવે એવી સંભાવના છે.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક આયર્નઓરના ભાવમાં વીતેલા સપ્તાહ દરમિયાન છેલ્લા ૧૭ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો. ચીનમાં સ્ટીલના ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે આયર્નઓરની માગ ઘટી હોવાથી એના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ચીનમાં ડાલીયન કૉમોડિટી એક્સચેન્જ ખાતે બે ટકા ઘટીને ભાવ ૧૭૩.૬૦ ડૉલર પ્રતિ ટન ક્વૉટ થયા હતા. સતત પાંચ દિવસ સુધી વાયદામાં ઘટાડો થયા બાદ વીતેલા સપ્તાહમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. વૈશ્વિક બજારમાં આયર્નઓરના ભાવ મે મહિનામાં વધીને ઑલટાઇમ હાઈ ૧૯૭.૨૫ ડૉલરની સપાટી જોવા મળી હતી ત્યાંથી ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

એએનઝેડ કૉમોડિટીના ઍનૅલિસ્ટે જણાવ્યું હતું કે ચીનમાં સ્ટીલના સૌથી મોટા ઉત્પાદક શહેરમાં સ્ટીલના ઉત્પાદન પર નિયંત્રણો લદાયાં હોવાથી સ્ટીલના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચીનમાં હાજર બજારમાં ૬૨ ટકા ગ્રેડ આયર્નઓરના ભાવ છ સપ્તાહના તળિયે ૨૦૯.૫૦ ડૉલરની સપાટી પર પહોંચ્યા હતા. ઍનૅલિસ્ટો કહે છે કે સ્ટીલના ઉત્પાદન પર નિયંત્રણો લદાવાને કારણે ઉત્પાદન પર અસર પહોંચી શકે છે અને એના કારણે સ્ટીલના ભાવ ફરી વધે એવી સંભાવના છે. જો આવું થશે તો આયર્નઓરના ભાવમાં પણ ઘટાડો એક મર્યાદિત જ આવે એવી સંભાવના છે.

business news