બીએસઈમાં ૧૦૭ દિવસમાં રજિસ્ટર્ડ રોકાણકારો એક કરોડ વધીને આઠ કરોડ

22 September, 2021 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોકાણકારોની સંખ્યામાં થયેલો આ સૌથી અધિક ઝડપી વધારો છે

પ્રતીકાત્મક તસવીર

દેશના અગ્રણી સ્ટૉક એક્સચેન્જ બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોનાં ખાતાંની સંખ્યા આઠ કરોડના આંકને વટાવી ગઈ છે. એક્સચેન્જમાં યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી)ની દૃષ્ટિએ એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા આઠ કરોડ પર પહોંચી ગઈ છે. આ પૂર્વે ૨૦૨૧ની ૬ જૂને યુસીસીની સંખ્યા ૭ કરોડની હતી અને ૨૧ સપ્ટેમ્બરે પૂરા થયેલા માત્ર ૧૦૭ દિવસમાં રોકાણકારોની સંખ્યામાં એક કરોડનો વધારો થયો છે. રોકાણકારોની સંખ્યામાં થયેલો આ સૌથી અધિક ઝડપી વધારો છે.

આ સિદ્ધિ અંગે બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે ‘વિશ્વભરમાં સીધું કે મ્યુચ્યુઅલ ફંડ મારફતે ઇક્વિટીમાં કરાતા રોકાણમાં છેલ્લાં દોઢ વર્ષથી વિવિધ કારણસર વધારો થઈ રહ્યો છે. ભારત પણ એ વૈશ્વિક પ્રવાહનું અનુસરણ કરી રહ્યું છે. એ મહત્ત્વનું છે કે દરેક રોકાણકાર સાવધ રહે અને તે જેમાં રોકાણ કરવા માગે છે એ કંપનીઓ, પ્રક્રિયાઓ અને સાધનોની વિગતો સમજે.

બીએસઈમાં ૨૦૦૮ની ૨ ફેબ્રુઆરીએ યુસીસીની સંખ્યા એક કરોડની હતી, એને બે કરોડ પર પહોંચતાં આશરે ત્રણ વર્ષ પાંચ મહિના (૮ જુલાઈ ૨૦૧૧) લાગ્યા હતા.

બીજાં આશરે ચાર વર્ષ બાદ રોકાણકારોની સંખ્યા વધુ એક કરોડ વધીને ૩ કરોડ (૧૪ જાન્યુઆરી ૨૦૧૬એ) થઈ હતી. ત્યાર બાદ એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા ૨૦૧૮ની ૧૦ ઑગસ્ટે ૪ કરોડથી વધીને ૨૦૨૦ની ૨૩ મેએ પાંચ કરોડ અને એ પછી ૨૦૨૧ની ૬ જૂને ૭ કરોડની થઈ હતી.

business news