રોકાણકારોની સંપત્તિમાં ૧૧.૨૭ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા

13 March, 2020 11:58 AM IST  |  Mumbai Desk

રોકાણકારોની સંપત્તિમાં ૧૧.૨૭ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા

પ્રતીકાત્મક તસવીર

બજારમાં વર્તમાન ઘટાડો માત્ર સુધારો કે કરેક્શન છે એવી ચર્ચાઓ વચ્ચે ટેક્નિકલ રીતે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને તાજેતરની વિક્રમી સપાટીથી ૨૦ ટકા જેટલા ઘટી સત્તાવાર રીતે મંદીમાં ગુરુવારે પ્રવેશી ગયા હતા. આ સાથે સોમવારે ભારતીય બજારે બનાવેલો એક જ દિવસમાં સૌથી વધુ પૉઇન્ટ ઘટવાનો વિક્રમ પણ તૂટી ગયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને અઢી વર્ષની સૌથી નીચી સપાટીએ છે અને ગઈ કાલે આવેલી વેચવાલીમાં રોકાણકારોએ ૧૧.૨૭ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે.
ગઈ કાલે બજારમાં ઘટાડા માટે ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો અને કોરોના વાઇરસની ચિંતાઓ મુખ્ય હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે એક મહિના સુધી કોઈ પણ અમેરિકન યુરોપમાં પ્રવેશી શકશે નહીં. બજારમાં ટ્રમ્પ ટૅક્સમાં ઘટાડો કરી રાહત આપશે એવી આશા હતી ત્યારે આ ચિંતા આવતાં ડો જોન્સ ઘટી ગયો હતો અને એ વર્તમાન ઊંચાઈથી મંદીમાં સરકી પડ્યો હતો. આ પછી એશિયાઈ બજારોમાં હૉન્ગકૉન્ગ ૩.૬૬ ટકા, કોરિયા ૩.૮૭ ટકા, નિક્કી ૪.૪૧ ટકા ઘટી ગયા હતા. યુરોપની બજારો છ ટકા જેટલી નીચી હતી અને ગઈ કાલે પણ ડો જોન્સ ફ્યુચર્સ ૧૦૦૦ પૉઇન્ટ જેટલો ઘટેલો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ એક તબક્કે ૩૨૦૪.૩૦ પૉઇન્ટ ઘટી ગયો હતો અને સત્રના અંતે ૨૯૧૯.૨૬ પૉઇન્ટ કે ૮.૧૮ ટકા ઘટી ૩૨,૭૭૮.૧૪ પૉઇન્ટ બંધ આવ્યો હતો. નિફ્ટી ૮૬૮.૨૫ પૉઇન્ટ કે ૮.૩૦ ટકા ઘટી ૯૫૯૦.૧૫ બંધ આવ્યો છે. ટકાવારીની દૃષ્ટિએ સેન્સેક્સ અને નિફ્ટી માટે છેલ્લાં ૧૧ વર્ષનો આ સૌથી મોટો ઘટાડો હતો. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓના ભાવ એક વર્ષની નીચી સપાટીએ બંધ આવ્યા હતા. નિફ્ટીના ૫૦ શૅરમાંથી ૨૭ કંપનીઓના શૅરના ભાવ એક વર્ષની નીચી સપાટીએ બંધ આવ્યા હતા. ઘટાડો એટલો વ્યાપક હતો કે એક જ દિવસમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં બધાં જ ૧૧ ક્ષેત્રો પણ એક વર્ષની નીચી સપાટીએ આવી ગયાં છે અને નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ કંપનીઓમાં રિલાયન્સ ૭.૯૫ ટકા ઘટી ૧૦૬૧.૬૦ રૂપિયા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧૩.૨૩ ટકા, આઇટીસી ૧૧.૦૭ ટકા, ટીસીએસ ૯.૪૫ ટકા, એચડીએફસી બૅન્ક ૮.૧૮ ટકા, એચડીએફસી ૭.૮૮ ટકા અને ઇન્ફોસિસ ૭.૮૨ ટકા ઘટ્યા હતા. ગઈ કાલના ઘટાડા સાથે નિફ્ટી ૨૦ જાન્યુઆરીના ૧૨,૪૩૦.૫૦ની ઊંચી સપાટી સામે ૨૨.૮૫ ટકા ઘટી ગયો છે. સેન્સેક્સ પણ ૪૨,૨૭૩ની વિક્રમી સપાટી કરતાં ૨૨.૪ ટકા ઘટી ગયો છે. બજારમાં ડરનું આંકલન કરતો વોલેટિલિટી ઇન્ડેક્સ ૩૫ ટકા વધી ૪૩.૩૨ની સપાટીએ હતો જે છેલ્લાં ૧૨ વર્ષની સૌથી ઊંચી સપાટી છે. છેલ્લે આ સપાટી ૨૦૦૮માં વૈશ્વિક નાણાં કટોકટી વખતે જોવા મળી હતી.
એક જ દિવસમાં ૧૧.૪૨ લાખ કરોડનું ધોવાણ
ગઈ કાલે ભારતીય શૅરબજારમાં જોવા મળેલા વિક્રમી ઘટાડાના કારણે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૧,૪૨,૯૦૬ કરોડ રૂપિયા ઘટી ૧૨૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સંપત્તિનું ધોવાણ જે રીતે થયું છે એનો આંક એટલા માટે જાણવો જરૂરી છે કે ગઈ કાલના ઘટાડા સાથે બજારનું મૂલ્ય ૩૪ મહિનામાં સૌથી નીચી સપાટીએ બંધ આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો લગભગ ત્રણ વર્ષની રોકાણકારોની સરેરાશ કમાણી આજે શૂન્ય થઈ ગઈ છે.
વિદેશી સંસ્થાઓની જંગી વેચવાલી
વિદેશી સંસ્થાઓ સતત ભારતીય બજારમાં વેચવાલી કરી રહી છે. ગઈ કાલે કડાકામાં વિદેશી સંસ્થાઓએ ૩૪૭૫ કરોડ રૂપિયાના શૅર એક્સચેન્જ પર વેચ્યા છે. માર્ચ મહિનામાં દરેક સ્તરમાં તેમણે કુલ ૨૪,૩૦૬.૭૨ કરોડ રૂપિયાના શૅર એક્સચેન્જ પર વેચ્યા હતા સામે સ્થાનિક સંસ્થાઓએ આજે ૩૯૧૮ કરોડ રૂપિયાની ખરીદી કરી છે અને માર્ચ મહિનામાં ૨૧,૮૨૧.૨૮ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હોવાનું સ્ટૉક એક્સચેન્જના આંકડાઓ પરથી જાણવા મળે છે.
મોટી કંપનીઓમાં મોટાં ગાબડાં
દેશની સૌથી વધુ મૂલ્યવાન ટોચની ૨૫ કંપનીઓમાં આજે કુલ ૫.૧૯ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ જોવા મળ્યું છે. સૌથી વધુ ઘટાડો ૬૯,૩૦૬ કરોડ રૂપિયા ટીસીએસમાં, બીજા ક્રમે રિલાયન્સ ૫૮,૦૯૯ કરોડ રૂપિયા, એચડીએફસી બૅન્ક ૪૯,૯૧૨ કરોડ રૂપિયા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૨૮,૯૬૦ કરોડ રૂપિયા, એચડીએફસી ૨૭,૮૮૮ કરોડ રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨૬.૧૪૮ કરોડ રૂપિયા, આઇટીસી ૨૩,૯૦૮ કરોડ રૂપિયા અને કોટક મહિન્દ્ર બૅન્ક ૨૩,૪૫૬ કરોડ રૂપિયા મુખ્ય રહી છે.
બજારોમાં વ્યાપક વેચવાલી,
કોઈ ક્ષેત્ર બાકાત નહીં
ગઈ કાલે શૅરબજારમાં તીવ્ર ઘટાડામાં મહદઅંશે વાઇરસનો ડર અને એના કારણે પોતાની મૂડી બચાવવાની વૃત્તિ જોવા મળી રહી હતી. જે રીતે બજારમાં વેચવાલી હતી એમાં કોઈ ક્ષેત્ર કે લાર્જ કૅપ કે મિડ કૅપ બાકાત રહ્યા હતા નહી. બજારના આંકડા દર્શાવે છે કે આજે બે વધેલા શૅર સામે ૧૦ શૅરના ભાવ ઘટ્યા હતા. બીએસઈ પર કુલ ૨૫૭૩ શૅરમાં ટ્રેડિંગ થયું હતું જેમાંથી ૨૨૪ શેરના ભાવ વધ્યા હતા ૨૨૪૩ના ભાવ ઘટ્યા હતા અને ૧૦૬માં કોઈ ફેરફાર થયો હતો નહીં. તેજીની સર્કિટ સામે મંદીની સર્કિટવાળી કંપનીઓની સંખ્યા વધારે હતી અને એવી જ રીતે એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચનાર આંગળીના વેઢે ગણી શકાય એવી કંપનીઓની સંખ્યા સામે સેંકડોના ભાવ એક વર્ષની નીચી સપાટીએ હતા.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં બધાં જ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઘટાડો ૧૩ ટકાનો પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ, ૧૦ ટકા મીડિયા, ૯.૭૭ ટકા રિયલ એસ્ટેટ, ૯.૫૦ નિફ્ટી બૅન્ક, ૯.૩૮ ટકા મેટલ્સ અને ૮.૧૫ ટકા ઑટોમાં જોવા મળ્યો હતો. એકચેન્જ ઉપર ૫ કંપનીઓના શેરના ભાવ નવી બાવન સપ્તાહની પરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૮૯૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૪૨૫ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ પર ૧૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૧૮૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૬૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૫૬૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૮.૭૨ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૭.૮૪ ટકા ઘટ્યા હતા. ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૧,૪૨,૯૦૬ કરોડ ઘટી ૧૨૫.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
સરકારી બૅન્કોનો ઇન્ડેક્સ
૧૩ ટકા ઘટી સૌથી નીચા સ્તરે
નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ આજે ૧૩.૧૬ ટકા ઘટ્યો હતો અને ક્ષેત્ર વાર સૌથી વધુ ઘટેલાં ક્ષેત્રોમાં એનો સમાવેશ થતો હતો. આ સાથે છેલ્લા એક મહિનામાં ૩૭.૯૮ ટકા ઘટી એ ૧૪૨૦.૬૫ની એના ઇતિહાસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આજે યુકો બૅન્ક ૫.૨૨ ટકા ઘટી ૧૦.૯૦ રૂપિયા, સેન્ટ્રલ બૅન્ક ૭.૨૭ ટકા ઘટી ૧૨.૭૫ રૂપિયા, પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક ૭.૫૨ ટકા ઘટી ૧૨.૩૦ રૂપિયા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૭.૭૪ ટકા ઘટી ૭.૭૫ રૂપિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૭.૮૪ ટકા ઘટી ૯.૪૦ રૂપિયા, યુનિયન બૅન્ક ૧૦.૦૩ ટકા ઘટી ૨૯.૬૦ રૂપિયા, પંજાબ નૅશનલ બૅન્ક ૧૧.૩૧ ટકા ઘટી ૩૪.૧૦ રૂપિયા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧૨.૧૨ ટકા ઘટી ૨૧૫.૪૦ રૂપિયા, જમ્મુ-કાશ્મીર બૅન્ક ૧૨.૬૮ ટકા ઘટી ૧૪.૮૦ રૂપિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧૩.૧૧ ટકા ઘટી ૩૩.૮૦ રૂપિયા, ઇન્ડિયન બૅન્ક ૧૩.૩૮ ટકા ઘટી ૫૪.૪૦ રૂપિયા, બૅન્ક ઑફ બરોડા ૧૪.૮૬ ટકા ઘટી ૫૬.૭૦ રૂપિયા અને કૅનેરા બૅન્ક ૧૫.૭૩ ટકા ઘટી ૯૮.૩૦ રૂપિયા બંધ આવ્યા હતા. નિફ્ટી પીએસયુ બૅન્કના બધા જ શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
મેટલ્સ શૅરોમાં વ્યાપક વેચવાલી
ગઈ કાલે પણ ધાતુઓનું ઉત્પાદન કરતી કંપનીઓના શૅર ઘટ્યા હતા. ગઈ કાલે ૯.૩૮ ટકાના ઘટાડા સહિત છેલ્લાં છ સત્રમાં નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૨૨.૪૧ ટકા ઘટી ગયો છે. વિશ્વમાં ચીન સ્ટીલ અને એલ્યુમિનિયમનું સૌથી મોટું ઉત્પાદક છે. ચીનમાં કોરોના વાઇરસના કારણે ઉત્પાદન ઘટી ગયું છે અને માગ પણ ઘટી ગઈ છે. આ ઘટાડાની અસર હવે વિશ્વમાં અન્ય સ્થળોએ પણ આવે એવી શક્યતાએ મેટલ્સ શૅર સતત ઘટી રહ્યા છે. આજે સ્ટીલ ઑથોરિટી ૧૩.૭૬ ટકા, વેદાન્તા ૧૩.૨૫ ટકા, હિન્દાલ્કો ૧૩.૦૪ ટકા, હિન્દુસ્તાન કોપર ૧૨.૯૯ ટકા, નૅશનલ મિનરલ્સ ૧૧.૦૬ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૧૦.૧૯ ટકા, જિન્દલ સ્ટીલ ૯.૮૧ ટકા, નાલ્કો ૯.૫૯ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૯.૧૫ ટકા અને તાતા સ્ટીલ ૪.૨૧ ટકા ઘટીને બંધ આવ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
કોરોના વાઇરસના કારણે વૈશ્વિક માગ ઘટશે એવી દહેશતથી કીટનાશક અને જંતુનાશક બનાવતી અગ્રણી કંપની યુપીએલના શૅર ઑક્ટોબર ૨૦૦૮ પછી સૌથી વધુ ઘટ્યા હતા. આજે યુપીએલના શૅર ૧૪.૧૭ ટકા ઘટી ૪૪૩.૫૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. ઑક્ટોબર ૨૦૧૯માં લિસ્ટિંગ પછી સૌથી વધુ કમાણી કરી આપનાર આઇઆરસીટીસીના શૅર છેલ્લાં છ સત્રથી સતત ઘટી રહ્યા છે. કંપનીની આવક પ્રવાસીઓના રેલપ્રવાસ અને એમાં ભોજન ઉપર ટકેલી છે. ભારતમાં પણ વાઇરસના કારણે પ્રવાસ ઘટશે એવા ડરથી શૅરના ભાવ ઘટી રહ્યા છે. આજે શૅર પાંચ ટકા ઘટી ૧૨૨૦.૯૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૫ની ૧૯૯૫ રૂપિયાની વિક્રમી સપાટીથી શૅર ૪૦ ટકા ઘટી ગયા છે.

business news