આર્થિક મંદીમાં રોકાણ આકર્ષક બન્યું હોવા છતાં...

30 October, 2020 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્થિક મંદીમાં રોકાણ આકર્ષક બન્યું હોવા છતાં...

પ્રતીકાત્મક તસવીર

કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના ત્રીજા ક્વૉર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર) વચ્ચે વિશ્વમાં સોનાની માગ ૧૯ ટકા ઘટી ૮૯૨ ટન રહી છે. ત્રીજા ક્વૉર્ટરમાં સોનાની માગનો આ આંકડો વૈશ્વિક માગમાં છેલ્લાં ૧૧ વર્ષમાં (૨૦૦૯ પછી) ઓછો છે. કૅલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં સોનાની માગ ૨૯૭૨ ટન રહી છે, જે ગયા વર્ષ કરતાં ૧૦ ટકા ઓછી છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગઈ કાલે જાહેર થયેલા ડિમાન્ડ અને સપ્લાયના ટ્રેન્ડના રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

 કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં કુલ માગ ૪૩૮૬.૮ ટન હતી. છેલ્લા ક્વૉર્ટરમાં માગ ૧૪૧૪ ટન વધે તો ગયા વર્ષ જેટલી જ સોનાની માગ આ વર્ષે જોવા મળી શકે છે. અન્યથા સતત બીજા વર્ષે સોનાની માગમાં ઘટાડો જોવા મળી શકે છે.

સોનાની કુલ માગ ઘટી હોવા છતાં રોકાણની માગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. કોરોનાની અસરના કારણે લોકોની આવક આર્થિક મંદીમાં ઘટી રહી છે ત્યારે ઘરેણાંની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઊંચા ભાવ હોવાથી પણ લોકો ઘરેણાંની ખરીદીથી દૂર ભાગી રહ્યા છે, પણ રોકાણની માગમાં વૃદ્ધિ જોવા મળી છે. વૈશ્વિક રીતે સોનાની રોકાણ માગ ૨૧ ટકા વધી છે. સમગ્ર વિશ્વના રોકાણકારોએ ૨૨૨.૧ ટનના સોનાની લગડી અને સિક્કાની ખરીદી કરી છે અને સોના આધારિત ઇટીએફ દ્વારા ૨૭૨.૫ ટનનું રોકાણ કર્યું છે.

આર્થિક મંદીના સમયમાં જ્યારે વ્યાજના દર ઘટી શૂન્ય નજીક હોય ત્યારે સોનામાં રોકાણ આકર્ષક બને છે. કોરોના વાઇરસના કારણે વિશ્વનું અર્થતંત્ર મંદીમાં સરી પડ્યું છે. હજી વાઇરસની અસર ખતમ થઈ નથી અને એનો ઇલાજ પણ નથી. સામે સોનાના ભાવ વિક્રમી હોવાથી લોકો મોંઘાં ઘરેણાંના બદલે નાની રકમમાં સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા હોવાથી ઈટીએફ અને સિક્કા અને ગિની તરફ વળી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

જોકે ઘણા માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, આર્થિક મંદી અને ઘણી કરન્સીમાં સોનાની નવી ઐતિહાસિક સપાટીએ ઘણા દાગીનાના ખરીદકર્તાઓ પર અસર કરી છે. વાર્ષિક ધોરણે જ્વેલરીની માગ ૨૯ ટકા ઘટીને ૩૩૩ ટને પહોંચી હતી, જે ૨૦૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પહેલાંથી જ નબળી જોવા મળી રહી છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં જન્યુઆરીથી માર્ચમાં ઘરેણાંની માગ ૪૦.૫ ટકા ઘટી ૩૧૯.૭ ટન, એપ્રિલથી જૂન ક્વૉર્ટરમાં ૪૬ ટકા ઘટી ૨૫૧.૪ ટન રહી હતી.

વિશ્વની સેન્ટ્રલ બૅન્ક દ્વારા ગોલ્ડ રિઝર્વમાં સોનાની ખરીદી જોવા મળી રહી હતી, પણ ત્રીજા કવૉર્ટરમાં ૧૨ ટન સોનાનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. વર્ષ ૨૦૧૦ના ચોથા ત્રિમાસિક ગાળા બાદ આ પ્રથમ ચોખ્ખું વેચાણ જોવા મળ્યું છે.

business news