ઇન્વેન્ચર ગ્રોથ ઍન્ડ સિક્યૉરિટીઝ લિ.નો કરવેરા બાદનો નફો 77 ટકા વધ્યો

10 June, 2021 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્વેન્ચર ગ્રોથ ઍન્ડ સિક્યૉરિટીઝ લિમિટેડે બુધવારે ૯મી જૂને બોર્ડ મીટિંગ બાદ જાહેર કરેલાં ગત નાણાકીય વર્ષનાં પરિણામો મુજબ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો કરવેરા બાદનો નફો ૭૭ ટકા વધ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

શેરબજારમાં જે રીતે રિટેલ રોકાણકારોનો રસ વધી રહ્યો છે એ જ રીતે બ્રોકિંગ કંપનીઓની કામગીરીમાં પણ સુધારો થઈ રહ્યો છે. ઇન્વેન્ચર ગ્રોથ ઍન્ડ સિક્યૉરિટીઝ લિમિટેડે બુધવારે ૯મી જૂને બોર્ડ મીટિંગ બાદ જાહેર કરેલાં ગત નાણાકીય વર્ષનાં પરિણામો મુજબ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો કરવેરા બાદનો નફો ૭૭ ટકા વધ્યો છે. આ નફો અગાઉના વર્ષના ૪.૩૪ કરોડ રૂપિયાની સામે ૭.૬૮ કરોડ રૂપિયા થયો છે. ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર કાનજી રીટા સંચાલિત આ કંપનીની કામકાજની આવક જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૫.૩૩ કરોડ રૂપિયા હતી, તે વર્ષાનુવર્ષ ધોરણે ૬૬ ટકા વધીને ૨૦૨૦-૨૧માં ૨૫.૪૪ કરોડ રૂપિયા થઈ છે. કંપનીની ઈબીઆઇટીડીએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ૬.૨૯ કરોડ રૂપિયાથી ૮૬ ટકા વધીને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧.૬૭ કરોડ રૂપિયા થઈ છે. કાનજી રીટાએ કહ્યું હતું કે ભારતમાં હજી પણ ઈક્વિટીમાં રોકાણ વિકસિત દેશોની તુલનાએ ઘણું ઓછું છે. હાલમાં લોકોની આવકમાં વૃદ્ધિ થઈ છે, ઇન્ટરનેટનો ફેલાવો પણ થયો છે અને નાણાકીય જાગરૂકતા વધી રહી છે. આ પરિબળોને લીધે સમગ્ર બ્રોકિંગ ઉદ્યોગના વિકાસની ભરપૂર સંભાવનાઓ ઊભી થઈ રહી છે.  

વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ હસ્તગત કરવા માટેના ટ્વીન સ્ટાર ટેક્નૉલૉજીસના પ્લાનને એનસીએલટીએ આપી મંજૂરી
નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે (એનસીએલટી) વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ૩૦૦૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરવા માટેની ટ્વીન સ્ટાર ટેક્નૉલૉજીસની બીડને મંજૂરી આપી દીધી છે. ટ્વીન સ્ટાર કંપની અનિલ અગરવાલ સ્થાપિત વેદાંત ગ્રુપનો હિસ્સો છે. ટ્વીન સ્ટાર ૫૦૦ કરોડ રૂપિયા ૯૦ દિવસની અંદર ચૂકવશે અને બાકીની રકમ સમય જતાં નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ સ્વરૂપે ચૂકવશે. 

એનસીએલટીની મુંબઈ બેન્ચે ટ્વીન સ્ટાર ટેક્નૉલૉજીસે સુપરત કરેલા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. તેનો આદેશ મંગળવારે મૌખિક જાહેર કરવામાં આવ્યો હતો. તેની નકલ હજી બહાર પડાઈ નથી. વિડિયોકોને નિયમનકારી ફાઇલિંગ દ્વારા આ બાબતને પુષ્ટિ આપી છે. 

અહીં જણાવવું રહ્યું કે વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના ક્રેડિટર્સની કમિટીએ ટ્વીન સ્ટારના રિઝોલ્યુશન પ્લાનને ગત વર્ષે ૧૧ ડિસેમ્બરે ૯૫ ટકા મતથી મંજૂરી આપી હતી. વિડિયોકોને વ્યાજસહિત આશરે ૩૧,૦૦૦ કરોડ રૂપિયા બૅન્કોને ચૂકવવાના નીકળે છે. કંપનીને નાદારીની પ્રક્રિયામાંથી બહાર કાઢવા માટે વિડિયોકોનના સ્થાપક ધૂત પરિવારે લેણદારોને ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવીને પતાવટ કરવાની ઑફર કરી હતી, પરંતુ લેણદારોએ વેદાંત ગ્રુપની ઑફરનો સ્વીકાર કર્યો હતો. 

ડીએચએફએલ કેસ : પિરામલ ગ્રુપના રિઝોલ્યુશન પ્લાનને મળેલી મંજૂરી સામે ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ અપીલ કરશે
ફડચામાં ગયેલી ડીએચએફએલ કંપની હસ્તગત કરવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે પિરામલ ગ્રુપને આપેલી મંજૂરી સામે અપીલ કરવાનો ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસે નિર્ણય લીધો છે. ૬૩ મૂન્સનું કહેવું છે કે પિરામલનો રિઝોલ્યુશન પ્લાન કાયદાથી વિરુદ્ધ તથા ડીએચએફએલના તમામ લેણદારો (ક્રેડિટર્સ)ના હિતની વિરુદ્ધ છે. લેણદારોમાં ૬૩ મૂન્સ ઉપરાંત બૅન્કો તથા મોટી સંખ્યામાં નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકોનો સમાવેશ થાય છે. 

નોંધનીય છે કે ડીએચએફએલના પ્રમોટરો તથા અન્યોએ લેણદારો સાથે લગભગ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ડીએચએફએલના એડમિનિસ્ટ્રેટરે ઇન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ આ રકમની રિકવરી માટે અરજીઓ કરી છે. ૬૩ મૂન્સનું કહેવું છે કે જેમની સાથે છેતરપિંડી થઈ છે એમને જ આ રકમ મળવી જોઈએ, પરંતુ રિઝોલ્યુશન પ્લાનમાં ખરીદદાર (હાલની મંજૂરી મુજબ પિરામલ ગ્રુપ)ની તરફેણ કરવામાં આવી છે. પિરામલ ગ્રુપે ઉક્ત રિકવરીનું મૂલ્ય ફક્ત ૧ રૂપિયો ગણાવ્યું છે. આમ લેણદારોના ભોગે પિરામલને ફાયદો થશે. ૬૩ મૂન્સની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે એનસીએલટીના આદેશની નકલ મળ્યા બાદ તેની સામે અપીલ કેવી રીતે કરવી તેના વિશે નિર્ણય લેવામાં આવશે. 

કંપનીએ કહ્યું છે કે પિરામલ ગ્રુપે ડીએચએફએલના હાલના મૂલ્ય માટે જ બિડ કરી છે, જેમાં છેતરપિંડીથી પચાવી લેવાયેલી રકમ સામેલ નથી. આથી એ રકમમાંથી જેટલી રિકવરી થાય એ બધી જ લેણદારોને મળવી જોઈએ. 

business news