કંપનીઓની નાદારીની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા ઇન્સોલ્વન્સી બોર્ડે ધારાધોરણોમાં ફેરફાર કર્યા

22 July, 2021 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરજદાર કંપનીએ કોઈને ગેરલાભ થાય એવા કે મૂલ્ય ઓછું દર્શાવીને વ્યવહારો કર્યા હતા કે કેમ, ધિરાણના વ્યવહારોમાં કે ટ્રેડિંગમાં ગરબડ કરી હતી કે કેમ એ બાબતે રીઝોલ્યુશન પ્રોફેશનલે તપાસ કરવી જરૂરી બને છે

પ્રતીકાત્મક તસવીર

કંપનીઓ નાદારી જાહેર કરે એ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાના ઉદ્દેશ્યથી આઇબીબીઆઇએ તેને લગતાં ધારાધોરણોમાં ફેરફાર કર્યો છે. એ મુજબ કંપનીના રીઝોલ્યુશન પ્રોફેશનલે કરજદાર કંપનીના વ્યવહારો બાબતો પોતાનો અભિપ્રાય આપવો જરૂરી બને છે.

આઇબીબીઆઇ (ઇન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયા)એ ઇન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયા (ઇન્સોલ્વન્સી રીઝોલ્યુશન પ્રોસેસ ફોર કૉર્પોરેટ પર્સન્સ) રેગ્યુલેશન્સમાં સુધારો કર્યો છે. બુધવારે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ કૉર્પોરેટ ઇન્સોલ્વન્સી પ્રોસીડિંગ્સમાં શિસ્ત, પારદર્શકતા અને જવાબદારી વધારવા માટે ધારાધોરણોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કરજદાર કંપનીએ કોઈને ગેરલાભ થાય એવા કે મૂલ્ય ઓછું દર્શાવીને વ્યવહારો કર્યા હતા કે કેમ, ધિરાણના વ્યવહારોમાં કે ટ્રેડિંગમાં ગરબડ કરી હતી કે કેમ એ બાબતે રીઝોલ્યુશન પ્રોફેશનલે તપાસ કરવી જરૂરી બને છે. એ તપાસનો અહેવાલ બોર્ડના ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ફોર્મ સીઆઇઆરપી ૮ દ્વારા સુપરત કરવાનો રહેશે.

નોંધનીય છે કે આઇબીબીઆઇએ ૧૪મી જુલાઈના રોજ કે તેના પછી શરૂ થનારી કે પ્રવર્તમાન પ્રોસીડિંગ્સ બાબતે ભરવું જરૂરી છે એવા ફોર્મ સીઆઇઆરપી ૮નું ફોર્મેટ જાહેર કર્યું છે.

business news