આવકવેરાની વેબસાઇટમાં હજી તકલીફ હોવાનો ઇન્ફોસિસનો એકરાર

24 September, 2021 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ફોસિસે જણાવ્યા મુજબ રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓમાંથી ૮૫ ટકા લોકોએ ઈ-વેરિફિકેશન કરી દીધું છે

પ્રતીકાત્મક તસવીર

આવકવેરા ખાતાની નવી વેબસાઇટમાં હજી પણ કરદાતાઓને તકલીફ પડી રહી છે એ વાતનો ઇન્ફોસિસ કંપનીએ એકરાર કર્યો છે અને સાથે-સાથે કહ્યું છે કે આવકવેરા ખાતાની સાથે મળીને સમસ્યાઓ ઝડપથી દૂર કરવામાં આવી રહી છે. બૅન્ગલોરસ્થિત આ ટેક્નૉલૉજી કંપનીએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ત્રણ કરોડ કરદાતાઓએ વેબસાઇટ ઉપર લોગિન કર્યું છે અને વિવિધ પ્રકારના વ્યવહારો પાર પાડ્યા છે.

સપ્ટેમ્બરમાં દરરોજ સરેરાશ ૧૫ લાખ નવા કરદાતાઓએ લોગિન કર્યું છે અને અત્યાર સુધીમાં દોઢ કરોડ કરતાં વધારે રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાં છે, એમ કંપનીએ એક બ્લૉગમાં ગુરુવારે જણાવ્યું હતું.

ઇન્ફોસિસે જણાવ્યા મુજબ રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓમાંથી ૮૫ ટકા લોકોએ ઈ-વેરિફિકેશન કરી દીધું છે, જેમાં મુખ્યત્વે આધાર ઓટીપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા પોર્ટલ પર દરરોજ અઢી લાખ કરતાં વધારે રિટર્ન ફાઇલ કરવામાં આવી રહ્યાં છે. મોટા ભાગના વૈધાનિક ફોર્મ ઑનલાઇન ઉપલબ્ધ કરાવાયાં છે.

કંપનીએ બ્લૉગમાં જણાવ્યું છે કે કેટલાક કરદાતાઓને વેબસાઇટનો ઉપયોગ કરવામાં તકલીફ પડી રહી છે અને એને દૂર કરવા માટે અનેક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે ૭૫૦ કરતાં વધુ કર્મચારીઓને કામે લગાડ્યા છે.

business news