ફુગાવો હવે ૪.૭ ટકાના દર કરતાં પણ નીચે આવશે : રિઝર્વ બૅન્ક

25 May, 2023 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોંઘવારી સામેની લડાઈ પૂરી થઈ નથી, રિઝર્વ બૅન્ક સજાગ છે : શક્તિકાંત દાસ

શક્તિકાંત દાસે

રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ફુગાવો સાધારણ થયો છે અને આગામી દર ૪.૭ ટકાથી નીચે રહેવાની ધારણા છે. જોકે એમાં ખુશામત માટે કોઈ જગ્યા નથી અને ફુગાવા સામે યુદ્ધ ચાલુ રહેશે. રીટેલ ફુગાવો એપ્રિલમાં ૪.૭ ટકાના ૧૮ મહિનાના નીચા સ્તરે આવી ગયો હતો, જેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો હતો. ગવર્નરે જોકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફુગાવો સાધારણ થયો હોવા છતાં આત્મસંતોષ માટે કોઈ જગ્યા નથી. તેમણે કહ્યું હતું કે ફુગાવો સૌમ્ય દેખાઈ રહ્યો હતો, પરંતુ અચાનક રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ, પરિણામે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ આવ્યો અને વૈશ્વિક કૉમોડિટીના ભાવમાં મજબૂતી આવી હોવાથી ભાવ ઊંચકાયા હતા. તેમણે ખાતરી આપી હતી કે મોંઘવારી સામેની લડાઈ પૂરી થઈ નથી અને આરબીઆઇ વિકસતી પરિસ્થિતિઓ પ્રત્યે સજાગ રહેશે. મેક્રો ઇકૉનૉમિક સ્ટેબિલિટી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ફુગાવો સાધારણ થયો છે, જીડીપીમાં સતત વૃદ્ધિ થઈ છે અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ નિયંત્રિત છે.

વ્યાજદર વધારો મારા હાથમાં નથી

રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે પૉલિસી રેટમાં ફેરફાર કરવાનો નિર્ણય તેમના હાથમાં નથી, કારણ કે તેઓ પોતે જમીન પરની પરિસ્થિતિથી પ્રભાવિત છે. એપ્રિલમાં રિઝર્વ બૅન્કે આશ્ચર્યજનક ચાલમાં સ્થિર બટન દબાવ્યું અને મુખ્ય બેન્ચમાર્ક પૉલિસી રેટ ૬.૫ ટકા પર રાખવાનો નિર્ણય કર્યો. એ પહેલાં, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા મે ૨૦૨૨થી રેપો રેટમાં ૨૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને દરમાં વધારો કરી રહી હતી. 

જીડીપીનો ગ્રોથ રેટ ૭ ટકા જેટલો રહેશે 

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન-જીડીપીનો ગ્રોથ રેટ અંદાજિત સાત ટકા કરતાં વધુ હોઈ શકે છે. નવી દિલ્હીમાં કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના કાર્યક્રમમાં બોલતાં દાસે જણાવ્યું હતું કે ‘જો જીડીપી વૃદ્ધિ સાત ટકાથી સહેજ ઉપર આવે તો મને આશ્ચર્ય થશે નહીં. તેમણે આ વાત વિવિધ મેક્રો ફન્ડામેન્ટલ્સમાં મજબૂતાઈના આધારે કહી હતી. આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા ૨૦૨૨-’૨૩ માટેના આર્થિક સર્વેક્ષણ દસ્તાવેજમાં આગાહી કરવામાં આવી હતી કે ભારત સાત ટકાના દરે વિકાસ કરી શકે છે. આર્થિક સર્વેક્ષણે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટે વાસ્તવિક દૃષ્ટિએ ૬.૫ ટકાના બેઝલાઇન જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.

business news reserve bank of india inflation