મોંઘવારી રેકોર્ડ બ્રેક સ્તરે : હોલસેલ ફુગાવો 12.94 ટકા : રીટેલ ફુગાવો પણ વધીને 6.3 ટકા

15 June, 2021 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા મહિને દેશમાં ક્રૂડ ઑઇલ અને મૅન્યુફૅક્ચર્ડ ચીજવસ્તુઓના ભાવ વધી જવાને લીધે એ મહિનાનો હોલસેલ ભાવ આધારિત ફુગાવો ૧૨.૯૪ ટકાના નવા ઊંચા સ્તરે પહોંચ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ગયા મહિને દેશમાં ક્રૂડ ઑઇલ અને મૅન્યુફૅક્ચર્ડ ચીજવસ્તુઓના ભાવ વધી જવાને લીધે એ મહિનાનો હોલસેલ ભાવ આધારિત ફુગાવો ૧૨.૯૪ ટકાના નવા ઊંચા સ્તરે પહોંચ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં ફુગાવો ઘણો ઓછો (-૩.૩૭ ટકા) હોવાથી તુલનાત્મક દૃષ્ટિએ આ વખતનો દર વધારે ઊંચો જણાય છે. જોકે સતત પાંચમા મહિને હોલસેલ ભાવ આધારિત ફુગાવો વધ્યો હોવાનું આંકડાઓ જણાવે છે. ગયા એપ્રિલ મહિનામાં ફુગાવો ૧૦.૪૯ ટકાના દરે વધ્યો હતો. દેશમાં મે મહિનાનો રીટેલ ફુગાવો ખાદ્યપદાર્થો અને ઈંધણના ભાવવધારાને કારણે ૬.૩ ટકાની સપાટીએ પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)ના નામે ઓળખાતો મોંઘવારીનો આ દર એપ્રિલ મહિનામાં ૪.૨૩ ટકા હતો. 

સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ ખાદ્યપદાર્થોનો ફુગાવો એપ્રિલના ૧.૯૬ ટકાથી વધીને ૫.૦૧ ટકા થયો હતો, જ્યારે ઈંધણ અને વીજળીની શ્રેણીમાં ભાવવૃદ્ધિ ૧૧.૫૮ ટકા હતી. ભાવસંબંધી આ આંકડાઓ ૧૧૧૪ શહેરી અને ૧૧૮૧ ગ્રામીણ વિસ્તારોમાંથી એકઠા કરવામાં આવ્યા હતા.

ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનો ચોખ્ખો નફો ૩૫૦ કરોડ રૂપિયા થયો
સરકારી માલિકીની ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કે ગત ૩૧ માર્ચના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૩૫૦ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. પાછલા વર્ષે સમાન ગાળામાં નફો ૧૪૪ કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં બૅન્કની વ્યાજની આવક પાછલા વર્ષના ૪૪૪૨ કરોડથી ઘટીને ૪૦૫૭ કરોડ થઈ ગઈ છે. બૅન્કની થાપણમાં વધારો થતાં આંકડો ૨.૪ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. બૅન્કની કુલ નોન પર્ફોર્મિંગ ઍસેટ્સ કુલ ધિરાણના ૧૧.૬૯ ટકા જેટલા ઊંચા સ્તરે છે, જેનું મૂલ્ય ૧૫,૩૨૩ કરોડ રૂપિયા થાય છે. પાછલા વર્ષે સમાન અરસામાં ટકાવારી ૧૪.૭૮ હતી. હાલમાં આવેલા અમુક અહેવાલો મુજબ સરકાર બૅન્કોના ખાનગીકરણના અભિયાન હેઠળ ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કમાંથી પોતાનો અમુક હિસ્સો વેચવાની તૈયારીમાં છે.

business news inflation